Bible Versions
Bible Books

Romans 2 (GUV) Gujarati Old BSI Version

1 માટે, હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે કામો કરે છે.
2 એવાં કામો કરનારાઓની વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય સત્યાનુસાર છે, એવું આપણે જાણીએ છીએ.
3 વળી, હે માણસ, તું જે એવાં કામ કરનારાંનો ન્યાય કરે છે, અને પોતે તે કામો કરે છે, તો શું તું ઈશ્વરના દંડથી બચીશ એવું તું ધારે છે?
4 અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે?
5 તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.
6 તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે:
7 એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.
8 પણ જેઓ તકરારી છે, અને સત્યને માનતા નથી, પણ અધર્મને માને છે,
9 તેઓમાંના ભૂંડું કરનાર દરેક માણસના ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ તથા વેદના આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
10 પણ સત્કર્મ કરનારા દરેકને મહિમા, માન તથા શાંતિ પ્રાપ્ત થશે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.
11 કેમ કે ઈશ્વરની પાસે પક્ષપાત નથી.
12 નિયમશાસ્‍ત્ર વગરના જેટલાએ પાપ કર્યું, તેઓ નિયમશાસ્‍ત્ર વગર ના છતાં નાશ પામશે. અને જેટલાએ નિયમશાસ્‍ત્ર હોવા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્‍ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે.
13 કેમ કે નિયમ શાસ્‍ત્ર સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાયી નથી, પણ નિયમ શાસ્‍ત્ર પાળનારા ન્યાયી ઠરશે.
14 કેમ કે વિદેશીઓની પાસે નિયમ શાસ્‍ત્ર નથી તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્‍ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમ શાસ્‍ત્ર હોવા છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે.
15 તેઓના અંત:કરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે. અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.
16 ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોનાં ગુપ્ત કામોનો ન્યાય ચૂકવશે, તે દિવસે એમ થશે.
17 પણ જો તું યહૂદી કહેવાય છે, ને નિયમશાસ્‍ત્ર પર આધાર રાખે છે, ને ઈશ્વર વિષે અભિમાન ધરાવે છે,
18 તેમની ઇચ્છા જાણે છે, અને નિયમશાસ્‍ત્ર શીખેલો હોઈને સારુંખોટું પારખી જાણે છે,
19 અને પોતાના વિષે નિશ્ચયપૂર્વક માને છે કે, હું આંધળાઓને દોરનાર તથા જેઓ અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,
20 તથા બુદ્ધિહીનોનો શિક્ષક, તથા બાળકોનો ગુરુ છું, અને જ્ઞાનનું તથા સત્યનું સ્વરૂપ નિયમશાસ્‍ત્રમાં મને પ્રાપ્ત થયું છે!
21 ત્યારે હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે?
22 વ્યભિચાર કરવો, એવું કહેનાર શું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું દેવળોને લૂંટે છે?
23 તું જે નિયમશાસ્‍ત્ર વિષે અભિમાન રાખે છે, તે તું નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરીને ઈશ્વરનું અપમાન કરે છે?
24 કેમ કે શાસ્‍ત્રમાં લખેલું છે તે પ્રમાણે, તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરના નામની નિંદા થાય છે.
25 જો તું નિયમ પાળનાર હોય, તો સુન્‍નત તને લાભકારક છે ખરી; પણ જો તું ઉલ્લંઘન કરનાર હોય, તો તારી સુન્‍નત બેસુન્‍નત થઈ જાય છે.
26 માટે જો બેસુન્‍નતી માણસ નિયમ શાસ્‍ત્ર ના વિધિઓ પાળે, તો શું તેની બેસુન્‍નત તે સુન્‍નત તરીકે ગણાય નહિ?
27 અને જેઓ શરીરે બેસુન્‍નતીઓ છે તેઓ નિયમ પાળીને તને, એટલે શાસ્‍ત્ર તથા સુન્‍નત છતાં નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરનારને, અપરાધી નહિ ઠરાવશે?
28 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી, અને જે દેખીતી એટલે દેહની સુન્‍નત તે સુન્‍નત નથી.
29 પણ જે આંતરિક યહૂદી તે યહૂદી; અને જે સુન્‍નત, એટલે કેવળ લેખના અક્ષરો પ્રમાણેની નહિ, પણ આત્મિક છે તે સુન્‍નત છે. અને માણસ તરફથી નહિ પણ ઈશ્વર તરફથી તેની પ્રશંસા છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×