Bible Versions
Bible Books

Revelation 3 (GUV) Gujarati Old BSI Version

1 સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.
2 તું જાગૃત થા, અને બાકીનાં જે મરવાની અણી પર છે તેઓને દઢ કર, કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની નજરમાં સંપૂર્ણ થયેલાં જોયાં નથી.
3 માટે તને જે મળ્યું, અને તેં જે સાંભળ્યું છે, તેને સંભાર; અને ધ્યાનમાં રાખ, ને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહેશે તો હું ચોરની જેમ આવીશ, ને કઈ ઘડીએ હું તારા પર આવીશ તને માલૂમ પડશે નહિ.
4 તોપણ જેઓએ પોતાનાં વસ્‍ત્રો મલિન કર્યા નથી, એવાં થોડાંક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઊજળાં વસ્‍ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.
5 જે જીતે છે તેને પ્રમાણે ઊજળાં વસ્‍ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ.
6 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
7 ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ:જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે. જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહિ, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે વાતો કહે છે:
8 તારાં કામ હું જાણું છું (જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી) કે, તારામાં થોડી શક્તિ છે, અને તેં મારી વાત પાળી છે, અને મારું નામ નાકબૂલ કર્યું નથી.
9 જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું તને સોપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.
10 તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર‌ છે, તેનાથી હું પણ તને બચાવીશ.
11 હું વહેલો આવું છું. તારે જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.
12 જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહિ, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
13 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
14 લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે વાતો કહે છે:
15 તારાં કામ હું જાણું છું, તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી, તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું.
16 પણ તું હૂંફાળો છે, એટલે ઊનો નથી તેમ ટાઢો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.
17 તું કહે છે, “હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી!” પણ તું જાણતો નથી કે, તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.
18 માટે હું તને એવી સલાહ આપું છું કે, તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; અને તું વસ્‍ત્ર પહેરે, ને તારી નગ્નતાની શરમ પ્રગટ થાય, માટે ઊજળાં વસ્‍ત્ર વેચાતાં લે. અને તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.
19 હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
20 જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.
21 જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.
22 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×