Bible Versions
Bible Books

Psalms 25 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. હે યહોવા, હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.
2 હે મારા ઈશ્વર, મેં તમારા પર ભરોસો રાખ્યો છે, મારી લાજ રાખજો. મારા શત્રુઓ મારા પર જયજયકાર કરે.
3 તમારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહિ. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે.
4 હે યહોવા, તમારા માર્ગ મને બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
5 તમારા સત્‍યમાં મને ચલાવો, અને તે મને શીખવો; કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો; હું આખો દિવસ તમારી રાહ જોઉં છું.
6 હે યહોવા, તમારી રહેમ તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો. કેમ કે તેઓ સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.
8 યહોવા ઉત્તમ અને ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે.
9 નમ્રને તે ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.
10 જેઓ તેમનો કરાર તથા તેમની આજ્ઞા પાળે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતા થી ભરેલા છે.
11 હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
12 જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે.
13 તેનો જીવ સુખમાં રહેશે; તેનાં સંતાન દેશનો વારસો પામશે.
14 યહોવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે. તેઓને તે પોતાનો કરાર જણાવશે.
15 મારી દષ્ટિ સદા યહોવાની તરફ છે; તે મારા પગ ફાંદામાંથી કાઢશે.
16 તમે મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
17 મારા મનનું દુ:ખ વધી ગયું છે. તમે મને મારાં સંકટમાંથી છોડાવો.
18 મારાં દુ:ખ તથા વેદના તરફ જોઈને મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓને જુઓ, કેમ કે તે ઘણા છે; અને તેઓ ઘાતકીપણે મારો દ્વેષ કરે છે.
20 મારા આત્માને સંભાળો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
21 પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કેમ કે હું તમારી રાહ જોઉં છું.
22 હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટમાંથી છોડાવી લો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×