Bible Versions
Bible Books

Isaiah 5 (GUV) Gujarati Old BSI Version

1 હું તો મારા સ્નેહી વિષે, તેની દ્રાક્ષાવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. “મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી.
2 તેણે તે ખોદી, તેમાંથી પથ્થર વીણી કાઢયા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો, ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢયો. તેમાં દ્રાક્ષાની ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઊપજ થઈ.”
3 હે યરુશાલેમના રહેવાસીઓ, અને યહૂદિયાના માણસો, તમે મારી તથા મારી દ્રાક્ષાવાડીની વચ્ચે ઇનસાફ કરજો.
4 મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? હું તો તેમાં સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઊપજ કેમ થઈ હશે?
5 હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું:તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઈ જશે.
6 હું તેને ઉજ્જડ કરી મૂકીશ; તે સોરવામાં આવશે નહિ, ને તે ગોડાશે નહિ; એટલે તેમાં કાંટા તથા ઝાંખરાં ઊગશે. વળી તે પર મેઘો વરસાદ વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ.
7 કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, વિલાપ છે.
8 પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે, અને જગા જરાયે રહે નહિ, એવી રીતે ખેતર સાથે ખેતર મેળવે છે, તેમને અફસોસ!
9 મારા કાનમાં સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “બેશક ઘણાં ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને સારાં ઘરો વસતિ વિનાનાં થઈ જશે.
10 કેમ કે દશ એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઊપજ થશે, ને એક ઓમેર બીમાંથી એક એફાહની ઊપજ થશે.”
11 જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ!
12 વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.
13 તેથી મારા લોક અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે; અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સાધારણ માણસો તરસથી સુકાઈ ગયા છે.
14 એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે, અને તેમની શોભા, તેઓની ધામધૂમ તથા તેમનો ભપકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે.
15 ગરીબ માણસો નમી જાય છે, અને મોટા માણસો દીન બની જાય છે, ને ગર્વિષ્ઠની દષ્ટિ નીચી કરવામાં આવે છે;
16 પણ સૈન્યોના ઈશ્વર યહોવા તેમનાં ન્યાયકૃત્યોને લીધે મોટા મનાય છે, અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.
17 હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોનાં પાયમાલ થએલાં સ્થાનોને પારકાઓ ખાઈ જશે.
18 જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી, ને પાપને જાણે ગાડાના દોરડાથી તાણે છે તેઓને આફસોસ!
19 તેઓ કહે છે, “યહોવાએ ઉતાવળ કરવી, ને તેમણે પોતાનું કામ જલદી કરવું કે, અમે તે જોઈએ; અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ની ધારણા અમલમાં આવે છે કે નહિ, તે અમે જાણીએ.”
20 જેઓ ભૂંડાને સારું, અને સારાને ભૂંડું કહે છે; જેઓ અજવાળાને સ્થાને અંધકાર, ને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ મીઠાને સ્થાને કડવું, અને કડવાને સ્થાને મીઠું ઠરાવે છે તેઓને અફસોસ!
21 જેઓ પોતાની દષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!
22 જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા, અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ માણસ તેઓને અફસોસ!
23 તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે.
24 તેથી જેમ અગ્નિની જીભ ખૂંપરાને ચાટી જાય છે, અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે; તેમ તેઓની જડ કોહી જશે, ને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાનું નિયમશાસ્ત્ર તજ્યું છે, ને ઇઝરાયલના પવિત્ર ઈશ્વર નું વચન તુચ્છકાર્યું છે.
25 તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.
26 તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે, અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; અને જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.
27 તેઓમાં કોઈ થાકેલો નથી, અને કોઈ ઊંઘતો પણ નથી. તેઓમાંના કોઈનો કમરબંધ છૂટી ગએલો નથી, ને કોઈનાં પગરખાંની વાધરી તૂટેલી નથી.
28 તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.
29 તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહનાં બચ્ચાંની જેમ ગર્જના કરશે અને ઘૂરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, ને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.
30 ને દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે; અને જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે, ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×