Bible Versions
Bible Books

Isaiah 32 (GUV) Gujarati Old BSI Version

1 જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઇનસાફથી અધિકાર ચલાવશે.
2 તેમાંનો દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.
3 જોનારાની આંખો ઝાંખી થશે નહિ, ને સાંભળનારના કાન સાંભળશે.
4 ઉતાવળિયાઓનાં મન જ્ઞાન સમજશે, ને બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે.
5 ત્યાર પછી મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, ને ધૂર્ત્ત ઉદાર કહેવાશે નહિ.
6 કેમ કે મૂર્ખ મૂર્ખાઈની વાત બોલશે, ને તેનું હ્રદય અધર્મ કરવામાં, યહોવા વિષે ભૂલભરેલી વાત બોલવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે.
7 ધૂર્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી હકનું સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે.
8 પણ ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.
9 સુખવાસીસ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો. બેદરકાર દીકરીઓ, મારાં વચનો તરફ કાન દો.
10 હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમે ધ્રૂજશો, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે, ને એકત્ર કરવાનો સમય આવશે નહિ.
11 સુખવાસી સ્ત્રીઓ, કાંપો; બેદરકાર રહેનારીઓ, ધ્રૂજો; વસ્ત્રો કાઢીને નગ્ન થાઓ, ને કમર પર ટાટ બાંધો.
12 આનંદાયક ખેતરને માટે તથા ફળદાયક દ્રાક્ષાવેલાને માટે તેઓ છાતી કૂટવાની છે.
13 મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યા ઘર પર તેઓ ઊગશે.
14 કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.
15 જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય, અને અરણ્ય ફળવંત વાડી થાય, ને ફળવંત વાડી વન સમાન ગણાય ત્યાં સુધી એમ થશે.
16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે, ને ન્યાયપણું ફળવંત વાડીમાં વસતિ કરશે.
17 ન્યાયીપણાનું કામ શાંતિ; ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ તથા નિર્ભયતા થશે.
18 મારા લોકો શાંતિના સ્‍થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
19 પણ જંગલના પતન સમયે કરા પડશે; અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.
20 તમે જેઓ સર્વ પાણીની પાસે વાવો છો, ને બળદ તથા ગધેડાને છૂટથી ફરવા મોકલો છો, તે તમને ધન્ય છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×