Bible Versions
Bible Books

Isaiah 44 (GUV) Gujarati Old BSI Version

1 પણ હવે, હે મારા સેવક યાકૂબ, ને હે મારા પસંદ કરેલા ઇઝરાયલ, તું સાંભળ.
2 તારો કર્તા, ગર્ભસ્થાનથી તારો બનાવનાર, તને સહાય કરનાર યહોવા એવું કહે છે કે, હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.
3 કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;
4 તેઓ પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ, તથા નાળાં પાસે ઊગી નીકળતા વેલાની જેમ, ઊગી નીકળશે.
5 એક કહેશે, ‘હું યહોવાનો છું;’ બીજો યાકૂબનું નામ ધારણ કરશે; અને ત્રીજો પોતાના હાથ પર ‘યહોવાને અર્થે’ એવી છાપ મરાવશે, ને ‘ઇઝરાયલ’ની અટક રાખશે.”
6 ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.
7 મેં પુરાતન કાળના લોકોને સ્થાપન કર્યા, ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે? જો કોઈ હોય તો તે આગળ આવે, પ્રગટ કરે, અને તેનું પ્રતિપાદન કરે! વળી જે થવાનું તથા વીતવાનું છે, તે તેઓ જાહેર કરે!
8 ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.
9 કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે. તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; તેમના સાક્ષીઓ પોતે જોતા નથી ને જાણતા નથી; એથી તેઓ બદનામ થાય છે.
10 કોણે દેવને બનાવ્યો, ને નકામી મૂર્તિનો કોણે ઢાળી?
11 જુઓ, એના સર્વ લાગતાવળગતાઓ લજિજત થશે; કારીગરો પોતે માણસ છે; તેઓ સર્વ ભેગા થાય, તેઓ ઊભા રહે; તેઓ બી જશે તેઓ બધા લજિજત થશે.
12 લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, હથોડાથી તેને બનાવે છે, ને પોતાના જબરા હથથી તે તેને ઘડે છે! વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કંઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી, એટલે તે નિર્ગત થાય છે.
13 સુથાર ગેરુથી રંગેલી દોરીથી તેને આંકે છે; તે તેના પર રંદો મારે છે, ને પેન્સિલથી તેનો આકાર કાઢે છે. અને ઘરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે, તે તેને બનાવે છે.
14 તે પોતાને માટે એરેજવૃક્ષ કાપી નાખે છે, તે રાયણ તથા એલોનવૃક્ષ લઈને, વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે, અને વરસાદ તેને મોટું કરે છે.
15 તે માણસને બળતણ તરીકે કામ લાગે છે; તેમાંથી કંઈ કાપીને તે તાપે છે; વળી તેનો દેવ બનાવીને તે તેને પ્રણામ કરે છે; તેની કોરેલી મૂર્તિ કરીને તે એને પગે લાગે છે.
16 તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે; અને અર્ધા ભાગમાંથી તે ખાવા માટે માંસ પકાવે છે. માંસ શેકીને તે તૃપ્ત થાય છે. વળી તે તાપે છે, ને કહે છે, ‘વાહ! મને હૂંફ વળી છે, મને તાપણીનું દર્શન થયું છે.’
17 પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, એટલે પોતાને માટે કોરેલી મૂર્તિ બનાવે છે; તે તેને દંડવત પ્રણામ કરે છે, ને તેની પ્રાર્થના કરીને કહે છે, ‘મને બચાવ; કેમ કે તું મારો દેવ છે.’”
18 તેઓ જાણતા નથી, ને સમજતા પણ નથી; કારણ કે પ્રભુએ તેઓની આંખોને એવો લેપ કર્યો છે કે, તેઓ જોતા નથી; અને તેઓનાં હ્રદયોને એવો લેપ કર્યો છે કે, તેઓ સમજતા નથી.
19 કોઈ ધ્યાનમાં લેતો નથી, અને એમ કહેવાને તેનામાં સમજણ તથા બુદ્ધિ નથી કે મેં તેમાંનો અર્ધો ભાગ અગ્નિમાં બાળ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં માંસ શેકીને ખાધું; અને તેના અવશેષની હું અમંગળ વસ્તુ કેમ કરું? શું ઝાડના થડને હું પગે લાગું?
20 તે રાખ ખાય છે, તેના મૂઢ હ્રદયે તેને ભુલાવ્યો છે, તે પોતાનો જીવ બચાવી શકતો નથી, તે એવું કહી શકતો નથી, ‘શું મારા જમણા હાથમાં અસત્ય નથી?’
21 પ્રભુ કહે છે, “હે યાકૂબ, હે ઇઝરાયલ, વાતો તું સંભાર; કેમ કે તું મારો સેનક છે; મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે. હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી.
22 મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.
23 હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાએ તે કર્યું છે! હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.
24 તારો ઉદ્ધાર કરનાર યહોવા, ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર, એવું કહે છે, “હું યહોવા સર્વનો કર્તા છું. જે એકલો આકાશોને પ્રસારે છે, ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે;
25 તે દંભીઓનાં ચિહ્નોને ખોટાં ઠરાવે છે, ને શકુન જોનારાઓને તે બેવકૂફ બનાવે છે; તે જ્ઞાનીઓને ઊંધા કરી નાખે છે, ને તેમની વિદ્યાને તે મૂર્ખાઈ ઠરાવે છે;
26 તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે કે, તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;
27 તે સાગરને કહે છે કે, સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ;
28 તે કોરેશ વિષે કહે છે કે તે મારો ઘેટાંપાળક છે, તે મારો બધો મનોરથ પૂરો કરશે, વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું ફરી બંધાઈશ; અને મંદિરનો પાયો નાખવામાં આવશે.’”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×