Bible Versions
Bible Books

Isaiah 26 (GUV) Gujarati Old BSI Version

1 તે દિવસે યહૂદિયા દેશમાં ગીત ગવાશે: અમારું એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા ઈશ્વર તારણને અર્થે ઠરાવી આપશે.
2 દરવાજાઓને ઉઘાડો કે, સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.
3 દઢ મનવાળાને તમે શાંત રાખશો; કેમ કે તેનો ભરોસો તમારા પર છે.
4 યહોવા પર સદા ભરોસો રાખો; કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે.
5 કેમ કે તેમણે ઉચ્ચસ્થાનમાં રહેનારાઓને ને ગર્વિષ્ઠ નગરને નીચાં નમાવ્યાં છે; તે તેને પાડી નાખે છે, પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે; તે તેને ધૂળભેગું કરે છે.
6 પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી તે ખૂંદાશે.
7 ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છે.
8 હે યહોવા, અમે તમારાં ન્યાયશાસનોને માર્ગે ચાલીને તમારી રાહ જોતા આવ્યા છીએ; અમારા જીવને તમારા નામની તથા તમારા સ્મરણની આતુરતા છે.
9 રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.
10 દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.
11 હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ તમારા લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.
12 હે યહોવા, તમે અમને શાંતિ આપશે; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.
13 હે યહોવા અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા ધણીઓએ અમારા પર અધિકાર ચલાવ્યો; પરંતુ ફકત તમારી સહાયથી અમે તમારા નામનું સ્મરણ કરીશું.
14 મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.
15 તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવા, તમે પ્રજા વધારી છે; તમે તમારો મહિમા પ્રગટ કર્યો છે; દેશની સીમાઓ તમે વિસ્તારી છે.
16 હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તમારી પ્રાર્થના કરી છે.
17 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે કષ્ટાઈને વેદનામાં બૂમ પાડે છે; તે પ્રમાણે, હે યહોવા, અમે તમારી દષ્ટિ સમક્ષ હતા.
18 અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા, અમે જાણે વાયુને જન્મ આપ્યો છે; દેશનું તારણ અમારાથી થયું નથી; અને જગવાસીઓ પડયા નથી.
19 તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.
20 ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે અંદર રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.
21 કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×