Bible Versions
Bible Books

Daniel 5 (GUV) Gujarati Old BSI Version

1 બેલ્ટશાસ્સાર રાજાએ પોતાના અમિર-ઉમરાવોમાંના એક હજારને મોટું ખાણું આપ્યું, ને તેણે તેમની આગળ દ્રાક્ષારસ પીધો.
2 પોતે દ્રાક્ષારસની લહેજત લેતો હતો તે દરમિયાન, તેના પિતા નબૂખાદનેસ્સાર યરુશાલેમના મંદિરમાંથી સોનારૂપાનાં જે પાત્રો હરી લાવ્યો હતો, તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે.
3 ત્યારે યરુશાલેમનમાંના ઈશ્વરના મંદિરમાંથી હરી લાવેલાં સોનાનાં પાત્રો તેઓ લાવ્યા. અને રાજાએ તથા તેના અમીરઉમરાવોએ, તેની પત્નીઓએ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કર્યું.
4 તેઓએ દ્રાક્ષારસ પીને સોનારૂપાના, પિત્તળનાં, લોઢાનાં, લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની સ્તુતી કરી.
5 તે ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી, ને તેઓએ રાજાના મહેલની ભીંત ઉપર દીપવૃક્ષની સામે એક લેખ લખ્યો અને હાથનો જે ભાગ લેખ લખતો હતો રાજાએ જોયો.
6 ત્યારે રાજાનો ચહેરો ઊતરી ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એક બીજા સાથે અફળાવા લાગ્યા.
7 રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”
8 ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા; પણ તેઓ તે લેખ વાંચી શક્યા નહિ, તેમ રાજાને તેનો અર્થ પણ બતાવી શક્યા નહિ.
9 ત્યારે બેલ્શાસ્સાર રાજા ઘણો ગભરાયો, ને તેનો ચહેરો ઊતરી ગયો, ને તેના અમીરઉમરાવો ગૂંચવણમાં પડ્યા.
10 હવે રાજાનાં તથા તેના અમીરઉમરાવોનાં વચનો સાંભળીને રાણી ભોજનગૃહમાં આવી. રાણીએ કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો; તમારા વિચારોથી તમે ગભરાઈ જાઓ, ને તમારો ચહેરો ઊતરી જાઓ.
11 તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;
12 કેમ કે દાનિયેલ, જેનું નામ મરહૂમ રાજાએ બેલ્ટશસ્સાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, કૌશલ્ય તથા બુદ્ધિ, સ્વપ્નોનો અર્થ કરવાની, ગૂઢ વાક્યોનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલૂમ પડ્યાં હતાં. હવે દાનિયેલને બોલાવો, એટલે તે તેનો અર્થ કરી બતાવશે.”
13 ત્યારે દાનિયેલને રાજાની હજૂરમાં લાવવામાં આવ્યો. રાજાએ દાનિયેલને પૂછ્યું, “યહૂદિયાના બંદીવાનો જેઓને મારા પિતા યહૂદિયામાંથી લાવ્યા હતા તેઓમાંનો જે દાનિયેલ, તે તું છે?
14 મેં તારે વિષે સાંભળ્યું છે કે, તારામાં દૈવી આત્મા છે, ને તારામા બુદ્ધિ સમજણ તથા ઉત્મ જ્ઞાન માલૂમ પડ્યાં છે.
15 લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવવા માટે મંત્રવિદ્યા જાણનારા જ્ઞાનીઓને મારી હજૂરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ તેનો અર્થ મને બતાવી શક્યા નહિ.
16 પણ મેં તારે વિષે સાંભળ્યું છે કે, તું અર્થ કરી શકે તથા સંદેહ દૂર કરી શકે છે. હવે જો તું લેખ વાંચી શકશે તથા તેનો અર્થ મને સમજાવી શકશે, તો તને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”
17 ત્યારે દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે રહેવા દો, ને આપનાં ઇનામ બીજા કોઈને વાંચી સંભળાવીશ, ને તેનો અર્થ આપને સમજાવીશ.
18 હે રાજાજી, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં:
19 અને જે મહત્તા ઈશ્વરે તેમને આપી હતી તેના પ્રતાપથી સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેમનાથી ધ્રૂજતા તથા બીતા હતા: તે ચાહતા તેને મારી નાખતા, ને ચાહતા તેને જીવતદાન આપતા; તે ચાહતા તેને ઊંચે ચઢાવતા, ને ચાહતા તેને નીચે પાડતા.
20 પણ જ્યારે તેમનું મન ગર્વિષ્ઠ થયું, ને તેમનો મિજાજ કરડો થયાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યા, ત્યારે તેમને પોતાનાં રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ને તેમનો બધો માનમરતબો તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો.
21 અને પરાત્પર ઈશ્વરનો અધિકાર માણસના રાજ્ય ઉપર ચાલે છે, ને તે મને ખાતરી થઈ ત્યાં સુધી તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું મન પશુઓના જેવું થઈ ગયું, તેમનો વાસ જંગલી ગધેડાંની સાથે થયો. તેમને બળદની જેમ ઘાસ ખવડાવતાં, ને તેમનું શરીર આકાશના ઝાકળથી પલળતું હતું.
22 હવે, હે બેલ્શાસ્સાર, તેમના પુત્ર, જો કે સર્વ આપ જાણતા હતા તોપણ આપ નમ્ર થયા નથી,
23 પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.
24 તેથી તેમની પસેથી પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો, ને લેખ લખવામાં આવ્યો.
25 હવે જે લેખ લખવામાં આવ્યો તે છે, ‘મેને, મેને, તકેલ, ઉફાર્સીન.’
26 લેખનો અર્થ છે; મેને; એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે, ને તેનો અંત લાવ્યા છે.
27 તકેલ; એટલે આપ ત્રાજવામાં તોળાયા છો, ને કમતી માલૂમ પડ્યા છો.
28 પેરસ; એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે, ને તે માદીઓએ તથા ઇરાનીઓને આપવામાં આવ્યું છે.”
29 ત્યારે બેલ્શાસ્સારની આજ્ઞાથી તેઓએ દાનિયેલને જાંબુડિયા રંગનાં વસ્ત્રો પહેરાવ્યાં, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવી, ને તેને વિષે ઢંઢેરો પિટાવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો.
30 તે જે રાત્રે ખાલદીઓનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.
31 તેનું રાજ્ય માદી દાર્યાવેશ કે જે આશરે બાસઠ વર્ષની વયનો હતો તેના હાથમાં આવ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×