Bible Versions
Bible Books

Deuteronomy 8 (GUV) Gujarati Old BSI Version

1 જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો, ને વૃદ્ધિ પામે ને જે દેશ આપવાની યહોવાએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.
2 અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.
3 અને તેમણે તને નમાવ્યો, ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માન્‍નાથી તને પોષ્યો, માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે.
4 ચાળીસ વર્ષો પર્યંત તારા અંગ પરનાં તારાં વસ્‍ત્ર જીર્ણ થઈ ગયાં નહિ, તેમ તારા પગ સૂજી ગયા નહિ.
5 અને તારે એમ સમજવું કે, જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે, તેમ યહોવા તારા ઈશ્વર તને શિક્ષા કરે છે.
6 અને તારે યહોવા તારા ઈશ્વરના માર્ગમાં ચાલીને ને તેમનો ડર રાખીને તેમની આજ્ઞાઓ પાળવી.
7 કેમ કે યહોવા તારા ઈશ્વર તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીનાં વહેળિયાંવાળા દેશમાં;
8 ઘઉં તથા જવ, અને દ્રાક્ષો તથા અંજીરીઓ તથા દાડમોના દેશમાં; જૈતતેલ તથા મધના દેશમાં;
9 જ્યાં તું ધરાઈને અન્‍ન ખાશે, ને તને કશાની ખોટ પડે નહિ એવા દેશમાં; જેના પથ્થર લોઢાના છે, ને જેના ડુંગરોમાંથી તું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં લઈ જાય છે.
10 અને તું ખાઈને તૃપ્ત થશે, ને જે ઉત્તમ દેશ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે તેને લીધે તું તેમની સ્તુતિ કરશે.
11 સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે પાળતાં તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય,
12 રખેને તું ખાઈને તૃપ્ત થાય ને સારાં સારાં ઘર બાંધીને તેમાં રહે.
13 અને તારાં ઢોરનો તથા તારાં ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, ને તારું સોનુંરૂપું વધી જાય, નેતારી માલમિલકત ઘણી થાય,
14 ત્યારે તારું મન ગર્વિષ્ટ થાય, ને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય કે, જે તને મિસર દેશમાંથી, એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા.
15 જેમણે તને આગિયા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું,
16 જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.
17 અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં સર્વ સંપતિ મેળવી છે.
18 પણ તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ, કેમ કે સંપતિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે છે. માટે કે તેમના કરાર વિષે તેમણે તારા પિતૃઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી તે તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ.
19 અને એમ થશે કે જો તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જઈને બીજા દેવદેવીઓની પાછળ ચાલશે, ને તેમની સેવા કરશે, ને તેમની ભક્તિ કરશે, તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નક્કી નાશ પામશો.
20 જે પ્રજાઓનો યહોવા તમારી આગળથી નાશ કરે છે, તેમની જેમ તમે નાશ પામશો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવા ચાહ્યું નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×