Bible Versions
Bible Books

Ezekiel 16 (GUV) Gujarati Old BSI Version

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં ધિક્કારપાત્ર કૃત્યો જણાવીને
3 કહે કે, પ્રભુ યહોવા યરુશાલેમને કહે છે કે, તારી ઉત્પતિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે. તારો પિતા તો અમોરી હતો, ને તારી મા હિત્તી હતી.
4 તારા જન્મ વિષેની હકીકત નીચે પ્રમાણે છે: તું જન્મી તે દિવસે તારી નાળ કાપી નહોતી, ને પાણીથી નવડાવીને તને સ્વચ્છ પણ કરી નહોતી. તને મીઠું તો બિલકુલ લગાડ્યું નહોતું, તેમ લૂગડાથી લપેટી પણ નહોતી.
5 આમાંનું કંઈ પણ કરવાની કોઈએ તારા પર કૃપાર્દષ્ટિ કેઈ નહોતી; પણ તું જન્મી તે દિવસે તને ખુલ્લા મેદાનમાં નાખી દીધી હતી, કેમ કે તારું સ્વરૂપ કંટાળો આવે એવું હતું.
6 તારી પાસે થઈને જતાં મેં તને તારા લોહીમાં આળોટતી જોઈ, ત્યારે મેં કહ્યું કે, તારા લોહીમાં પડેલી છતાં તું જીવ; હાં, મેં તને કહ્યું કે, તારા લોહીમાં પડેલી છતાં જીવ.
7 મેં તારી સંખ્યા ખેતરની ફસલ જેટલી વધારી, ને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, ને તેં સૌદર્ય સંપાદન કર્યું. તારાં સ્તન પણ ઊપસી આવ્યાં, ને તારા વાળ વધ્યા; તેમ છતાં તું નગ્ન તથા ઉઘાડી હતી.
8 તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.
9 ત્યારે મેં તને પાણીથી નવડાવી. હા, મેં તારા પરથી તારું લોહી તદ્દન ધોઈ નાખ્યું, ને મેં તને તેલ ચોળ્યું.
10 વળી મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં, ને તારે પગે મિસરી ચામડાની મોજડીઓ પહેરાવી ને તારી કમરે ઝીણા શણના કપડાનો કમરબંધ બાંધ્યો, ને તને રેશ્મી વસ્ત્ર પહેરાવ્યાં.
11 વળી મેં તને આભૂષણોથી શણગારી, તારે હાથે બંગડીઓ ને ગળે હાર પહેરાવ્યાં.
12 વળી મેં તારા નાકમાં વાળી ને તારા કાનોમાં કુંડળ પહેરાવ્યાં, ને તારે માથે સુશોભિત મુગટ મૂક્યો.
13 આવી રીતે મેં સોનારૂપાથી તને શણગારી હતી; અને તારો પોશાક ઝીણા શણનો તથા રેશમનો તથા બુટ્ટાદાર ભરતકામનો હતો. તું મેંદો, મધ તથા તેલ ખાતી હતી. તું અતિશય સુંદર હતી, ને તું આબાદ થઈને તને રાજપદવી મળી.
14 તારા સૌદર્યને લીધે તારી કિર્તી સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ; કેમ કે યહોવા કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ઠિત કરી હતી તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ હતું.
15 પણ તું પોતાના સૌદર્ય પર ભરોસો રાખીને તારી કિર્તીને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ ગઈ, ને પાસે થઈને જનાર દરેકની સાથે તેં વ્યભિચાર કર્યો.
16 તેં તારા વસ્ત્રોમાંથી કેટલાંકને લઈને તરેહ તરેહના રંગના વસ્ત્રથી શણગારેલા ઉચ્ચસ્થાનો પોતાને માટે બનાવ્યાં, ને ત્યાં વ્યભિચાર કર્યો; એવું કદી થયું નથી, ને થશે પણ નહિ.
17 વળી મારા સોનારૂપાના તારા સુંદર દાગીના જે મેં તને આપ્યા હતા, તે લઈને તેં પોતાને માટે પરુષોના પૂતળા બનાવીને તેમની સાથે વ્યભિચાર કર્યો.
18 તેં તારા બુટ્ટાદાર વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, ને મારું તેલ તથા મારો ધૂપ તેમની આગળ મૂક્યાં.
19 વળી જે મારું અન્ન હું તને આપતો હતો, એટલે જે મેંદાથી, તેલથી તથા મધથી હું તારું પોષણ કરતો હતો, તે પર તેં સુવાસને માટે તેઓની આગળ અર્પણ કર્યું, અને એમ થતું! એમ પ્રભુ યહોવા કહે છે.
20 વળી મારાથી જે દીકરા તથા દીકરીઓ તને થયાં તેઓને લઈને તેં તેમની આગળ તેઓનો ભોગ આપ્યો. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા કે,
21 તેં મારા છોકરાંને તેઓની ખાતર અગ્નિમાં બલિદાન આપીને તેઓને અર્પણ કરીને મારી નાખ્યાં છે?
22 તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચારો કરતી વખતે તેં તારી યુવાવસ્થાના દિવસો કે, જ્યારે તું નગ્ન તથા ઉઘાડી હતી ને પોતાના લોહીમાં આળોટતી હતી, તે દિવસોનું સ્મરણ કર્યું નથી.
23 તારી સર્વ દુષ્ટતા પછી એવું બન્યું છે કે (અફસોસ, પ્રભુ યહોવા કહે છે કે, તને અફસોસ!)
24 તેં તારે પોતાને માટે ઘુમટ બંધાવ્યો છે, ને પોતાને માટે દરેક ગલીમાં ચોતરા બંધાવ્યા છે.
25 રસ્તાના દરેક મથક આગળ તેં પોતાનો ચોતરો બાંધ્યો છે, ને પોતાના સૌદર્યને કંટાળો આવે એવું કરી નાખ્યું છે, ને પાસે થઈને જનાર દરેક જનની આગળ પોતાના પગ પહોળા કરીને તારો વ્યભિચાર વધારી દીધો છે.
26 વળી તેં તારા પુષ્ટ કાયાવાળા મિસરી પડોશીઓની સાથે જારક્રમ કર્યું; અને મને રોષ ચઢાવવા માટે તારો વ્યભિચાર વધાર્યો છે.
27 માટે જો, મેં મારો હાથ તારા પર લંબાવીને તારું ભથ્થું ઘટાડી નાખ્યું છે, ને મેં તને તારી વેરણો, એટલે પલિસ્તીઓની પુત્રીઓની ઇચ્છાને સ્વાધીન કરી છે, ને તેઓ તારા લંપટ આચરણથી શરમિંદી પડે છે.
28 તેં આશૂરીઓની સાથે પણ વ્યભિચાર કર્યો છે, કેમ કે તું તૃપ્ત થાય એવી નહોતી. હા, તેં તેઓની સાથે વ્યભિચાર કર્યો છે, તોપણ તને તૃપ્તિ થઈ નહિ.
29 વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો છે; તેમ છતાં તને એથી તૃપ્તિ થઈ નહિ.
30 પ્રભુ યહોવા કહે છે કે, તું સર્વ કૃત્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનું કામ કરે છે, માટે તારું હ્રદય કેવું નિર્બળ છે કે,
31 તું તારો ઘૂમટ દરેક માર્ગને મથકે બાંધે છે, ને તારો ચોતરો દરેક ગલીમાં રચે છે. તું વેશ્યા જેવી નથી થઈ, કેમ કે તું વેતનને ધિક્કારે છે.
32 જારકર્મ કરનારી પત્ની! પોતાના ધણીને બદલે પારકાઓનો અંગીકાર કરનારી!
33 સર્વ વેશ્યાઓને તો લોકો બક્ષિસો આપે છે! પણ તું તો તારા સર્વ આશકોને બક્ષિસો આપે છે! ને તારી સાથે વ્યભિચાર કરવાને માટે તેઓ ચોતરફથી આવે તે માટે તું તેઓને લાંચ આપે છે.
34 તારા વ્યભિચારની બાબતમા તો તારી રીત બીજી વ્યભિચારી સ્ત્રીના કરતા ઊલટી છે, એટલે કે વ્યભિચાર કરવાને માટે કોઈ તારી પાછળ નથી આવતો, પણ તું વેતન આપે છે ને તને કોઈ વેતન આપતું નથી, તેને લીધે તારી વાત તો ઊલટી છે.
35 માટે હે વેશ્યા, યહોવાનું વચન સાંભળ:
36 પ્રભુ યહોવા એમ કહે છે કે, તારી મલિનતા રેડવામાં આવી, ને તારા આશકો સાથેના તારા વ્યભિચારથી તારી નગ્નતા ઉઘાડી થઈ તેને લીધે, ને તારા ધિક્કારપાત્ર કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે, તથા તેઓને અર્પણ કરેલાં તારાં છોકરાંના ખૂનને લીધે,
37 જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.
38 વળી પતિવ્રત ભંગ કરનારી તથા લોહી વહેવડાવનારી સ્ત્રીઓનો જેવો ન્યાય થાય છે તેવો ન્યાય હું તારો કરીશ; અને ક્રોધ અમે ઈર્ષાની શિક્ષા જે દેહાતદંડ તેનો અમલ હું તારા પર કરીશ.
39 વળી હું તને તેઓના હાથમાં આપી દઈશ કે, જેઓ તારો ઘૂમટ પાડી નાખશે, ને તારા ચોતરા તોડી પાડશે. તેઓ તારાં વસ્ત્ર તારા અંગ પરથી ઉતારી લેશે ને તારાં સુંદર ઘરેણા લઈ લેશે, અને તેઓ તને નગ્ન તથા ઉઘાડૌ મૂકી જશે.
40 વળી તેઓ એક લશ્કરની ટુકડીને તારી સામે લઈ આવશે, ને તેઓ તને પથ્થરે મારશે, ને પોતાની તરવારોથી તને વીંધી નાખશે.
41 તેઓ તારા ઘરને આગ લગાડીને બાળી નાખશે, ને ઘણી સ્ત્રીઓના જોતાં તારો ન્યાય કરીને તને શિક્ષા કરશે. એમ હું તારું વ્યભિચાર કરવાનું બંધ કરીશ, ને વળી ત્યારપછી તું કંઈ વેતન પણ આપશે નહિ.
42 એમ તારા પરનો મારો ક્રોધ હું શમાવીશ, મારી ઈર્ષા તારા પરથી દૂર થશે, મને શાંતિ વળશે, ને મારો રોષ શમી જશે.
43 તેં તારી જુવાનીના દિવસોનું સ્મરણ કરતાં, બધી બાબતોમાં મને ચીડ ચઢાવી છે, માટે, જો, પ્રભુ યહોવા કહે છે કે, હું પણ તારાં આચરણોનો બદલો તને આપીશ. તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત લંપટપણું તેં નથી કર્યું?
44 જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે કહેવત તને લાગુ પાડશે કે, ‘જેવી મા તેવી દીકરી.’
45 પોતાના ધણીને તથા પોતનાં છોકરાંને ધિક્કારનારી તારી બહેનો છે, ને તું તેમની બહેન છે, તમારી મા તો હિત્તી હતી, ને તમારો પિતા તો અમોરી હતો.
46 તારી મોટી બહેન સમરૂન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ડાબી બાજુએ રહે છે. અને તારે જમણે હાથે રહેનારી તારી નાની, બહેન તે સદોમ તથા તેની પુત્રીઓ છે.
47 તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને સંતોષ પામી નથી. પણ જાણે કે તો નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.
48 પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, જેવું તેં એટલે તેં તથા તારી દીકરીઓએ, કર્યું છે તેવું તારી બહેન સદોમે, પોતે તેમ તેની દીકરીઓએ, કર્યું નથી.
49 જો, તારી બહેન સદોમનો દોષ હતો:એટલે અહંકાર, અન્નની પુષ્કળતા, ને જાહોજલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એશઆરામ, વળી તે ગરીબ તથા કંગાળને મદદ પણ કરતી નહોતી.
50 વળી તેઓ મગરૂર હતી, ને મારી નજર આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. માટે મને યોગ્ય લાગ્યું ત્યારે મેં તેમને દૂર કરી.
51 સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં તારા પ્રમાણમાં તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.
52 તેં તારી બહેનોના લાભમાં ન્યાય ચૂકવ્યો છે, તેથી પણ તું લજ્જિત થા. તેં તેઓના કરતાં અધિક ધિક્કારપાત્ર કુકર્મો કર્યા છે, તેથી તેઓ પ્રમાણમાં તારા કરતાં ન્યાય ઠરી છે. હા, તેં તારી બહેનોને પ્રમાણમાં નિર્દોષ ઠરાવી છે, તેથી તું પણ ઝંખવાઈ જા ને તારી ફજેતી વહોરી લે.
53 હું તેઓની ગુલામી, એટલે સદોમ તથા તેની પુત્રીઓની ગુલામી, ને સમરૂન તથા તેની પુત્રીઓની ગુલામી, ને તેઓમાં તારા ગુલામોની ગુલામી ફેરવી નાખીશ,
54 માટે કે તું ફજેત થાય, ને તેં જે જે કર્યું છે ને જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે, તે સર્વને લીધે તું લજ્જિત થાય.
55 તારી બહેન સદોમ તથા તેની દીકરીઓ પોતાની પૂર્વની સ્થિતિમાં પાછી આવશે, ને સમરૂન તથા તેની પુત્રીઓ તમારી પૂર્વની સ્થિતિમાં પાછી આવશે, તેમ તું તથા તારી પુત્રીઓ તમારી પૂર્વની સ્થિતિમાં પાછી આવશો.
56 તારા ગર્વના સમયમાં તારી બહેન સદોમનું નામ તેં તારા મુખથી લીધું નથી.
57 અરામની પુત્રીઓ તથા તેની આસપાસની સર્વ પલિસ્તિઓની પુત્રીઓ જેઓ ચોતરફ તને ધિક્કારે છે તેઓએ તારું અપમાન કર્યું તે વખતે તારી પુષ્ટતા પ્રગટ થઈ.
58 યહોવા કહે છે કે, તેં તારી લંપટતા તથા તારાં ધિક્કારપાત્ર કૃત્યો ની શિક્ષા વેઠી છે.
59 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, તેં જે કર્યું છે, એટલે કે તેં કરાર તોડીને લીધેલા સોગનનો તિરસ્કાર કર્યો છે, તે પ્રમાણે હું તારી હાલત કરીશ.
60 તથાપિ તારી જુવાનીના સમયમાં મેં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને હું તારી સાથે સદાકાળનો કરાર કરીશ.
61 ત્યારે તું તારી મોટી તથા નાની બહેનોનો અંગીકાર કરશે, અને તને તારાં આચરણ યાદ આવશે ને તું લજવાશે. અને તારી સાથે કરેલા કરારમાં નથી, તોપણ હું તેઓને તારી દીકરીઓ તને તને આપીશ.
62 હું તારી સાથે મારો કરાર સ્થાપીશ, ત્યારે તું જાણશે કે હું યહોવા છું.
63 તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, એવું પ્રભુ યહોવા કહે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×