Bible Versions
Bible Books

1 Kings 14 (GUV) Gujarati Old BSI Version

1 તે સમયે યરોબામનો દીકરો અબિયા માંદો પડ્યો.
2 અને યરોબામે પોતાની પત્નીને કહ્યું, કૃપા કરીને ઊઠ, ને તું યરોબામની પત્ની છે એમ જાણવામાં આવે માટે તારો વેશ બદલ; અને તું શીલોમાં જા. જો, અહિયા પ્રબોધક ત્યાં છે, જેણે મારા વિશે કહ્યું હતું, ‘તું લોક પર રાજા થશે.’
3 તારી સાથે દશ રોટલી, ખાખરા તથા મધની કૂંડી લઈને તેની પાસે જા, છોકરાને શું થવાનું છે, તેની ખબર તે તને આપશે.”
4 યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યું, ને ઊઠીને શીલો ગઈ, ને અહિયાને ઘેર આવી. હવે અહિયા દેખી શકતો નહતો, કેમ કે વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખે ઝાંખ આવી હતી.
5 યહોવાએ અહિયાને કહ્યું, “જો યરોબામની પત્ની પોતાના દીકરા વિષે પૂછપરછ કરવા તારી પાસે આવે છે, કેમ કે તે માંદો છે, તું તેને આમ આમ કહેજે; કેમ કે તે અંદર આવશે ત્યારે એમ થશે કે, તે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરશે.”
6 અને એમ થયું કે તેના બારણામાં પેસતાં અહિયાએ તેના પગનો અવાજ સાંભળીને કહ્યું, “યરોબામની પત્ની, તું અંદર આવ, તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરે છે? કેમ કે દુ:ખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.
7 જો, યરોબામને કહે કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘મેં તને સાધારણ લોકોની પંક્તિમાંથી ઊંચ પંક્તિએ ચઢાવીને મારા ઇઝરાયલ લોક પર હાકેમ ઠરાવ્યો,
8 ને દાઉદના કુટુંબ પાસેથી રાજ્ય વિભાગી લઇને તને તે આપ્યું, તે છતાં તું મારા સેવક દાઉદ જેવો થયો નથી. તેણે મારી આજ્ઞાઓ પાળી, ને મારી ર્દષ્ટિમાં જે સારું હતું, ફક્ત તે કરીને તેણે પોતાના સંપૂર્ણ હ્રદયથી મારી ઉપાસના કરી.
9 પણ તારી અગાઉ જે થઈ ગયા તે સર્વ કરતાં તેં વધારે દુષ્ટતા કરી છે, ને જઈને તેં તારે માટે અન્ય દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો છે, ને તું મારાથી વિમુખ થયો છે.
10 માટે જુઓ, હું યરોબામનાં કુટુંબ પર આપત્તિ લાવીશ, ને યરોબામનો દરેક નર બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય તેમ જે છૂટો હોય તેને નષ્ટ કરીશ, ને જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું યરોબામનાં કુટુંબને છેક લોપ થઈ જતાં સુધી વાળી કાઢીશ.
11 યરોબામનાં કુટુંબનો જે માણસ નગરમાં મરશે તેને કૂતરાં ખાશે; અને જે ખેતરમાં મરશે તેને વાયુચર પક્ષીઓ ખાશે; કેમ કે યહોવાનું વચન છે.’
12 માટે તું ઊઠીને તારે ઘેર જા; નગરમાં તારા પગ પેસતાં બાળક મરણ પામશે.
13 અને સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરશે, ને તેને દાટશે, કેમ કે યરોબામના કુટુંબમાંથી તે એકલો કબરમાં દટાવા પામશે. કારણ કે યરોબામના કુટુંબ પૈકી માત્ર તેનામાં ઇઝરાયલના ઈશ્વર યહોવા પ્રત્યે કંઇક સારી વર્તણૂક માલૂમ પડી છે.
14 વળી યહોવા પોતાને માટે ઇઝરાયલ પર રાજા ઊભો કરશે કે, જે તે દિવસે યરોબામના કુટુંબનો નાશ કરશે. અને વળી હમણાં શું થાય છે.?
15 કેમ કે જેમ બરુ પાણીમાં ઝોલાં ખાય છે, તેમ યહોવા ઇઝરાયલને મારશે. અને સારો દેશ જે તેણે ઇઝરાયલના પિતૃઓને આપ્યો હતો તેમાંથી તેઓને તે નિર્મૂળ કરીને નદીની પેલે પાર તેઓને વિખેરી નાખશે. કારણ કે તેઓએ પોતાને માટે અશેરીમ મૂર્તિઓ કરીને યહોવાને રોષ ચઢાવ્યો છે.
16 જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”
17 પછી યરોબામની પત્ની ઊઠીને વિદાય થઈ, ને તિર્સામાં આવી, તે ઘરના ઊમરા પર આવી કે, તરત બાળકે પ્રાણ તજ્યો.
18 જે વચન યહોવા પોતાના સેવક અહિયા પ્રબોધક મારફતે બોલ્યા હતા તે પ્રમાણે સર્વ ઇઝરયલે તેને દાટ્યો, ને તેને માટે શોક કર્યો.
19 યરોબામના બાકીના કૃત્યો, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, તથા કેવી રીતે રાજ ચલાવ્યું, જુઓ, ઇઝરયલનાં રાજાઓના કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલાં છે.
20 યરોબામે રાજ કર્યું તે મુદત બાવીસ વર્ષની હતી. અને તે તેના પિતૃઓ સાથે ઊઘી ગયો, ને તેના દીકરા નાદાબે તેની જગાએ રાજ કર્યું.
21 સુલેમાનનો દીકરો રહાબામ યહૂદિયામાં રાજ કરતો હતો. રહાબામ રાજ કરવા લાગ્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો.યરુશાલેમ નગર જેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી યહોવાએ પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કર્યું હતું, તેમાં તેણે સત્તર વર્ષ રાજ કર્યું. તેની માનું નામ નાઅમા હતું, તે અમ્મોની સ્ત્રી હતી.
22 અને યહૂદિયાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તેમના પિતૃઓના સર્વ કૃત્યો કરતાં તેઓએ પોતે કરેલા પાપથી તેઓએ પ્રભુને વધારે ક્રોધ ચઢાવ્યો
23 કેમ કે તેઓએ દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે પોતાને માટે ઉચ્ચસ્થાનો, સ્તંભો તથા અશેરીમ બનાવ્યાં.
24 વળી દેશમાં સજાતીય સંબંધો ચાલતા હતા. જે બધી પ્રજાઓને યહોવાએ ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી, તેઓનાં સર્વ ધિક્કારપાત્ર આચરણનું અનુકરણ તેઓએ કર્યું.
25 રહાબામ રાજાને પાચમે વર્ષે એમ થયું કે મિસરના રાજા શીશાકે યરુશાલેમ પર સવારી કરી.
26 તે યહોવાના મંદિરનો ખજાનો તથા રાજાના મહેલનો ખજાનો હરી ગયો; હા, તે બધું હરણ કરી ગયો. સુલેમાને બનાવેલી સોનાની સર્વ ઢાલો પણ તે લઈ ગયો.
27 રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમા તે સોંપી.
28 જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે એમ બનતું કે પહેરેગીરો તે સજી લેતા, ને પછી પહેરેગીરોની ઓરડીમાં તે પાછી લાવતા.
29 હવે રહાબામનાં બાકીના કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
30 રહાબામ તથા યરોબામની વચ્ચે સતત વિગ્રહ ચાલતો હતો.
31 રહાબામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને પોતાના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટવામાં આવ્યો. તેની માનું નામ નાઅમા હતું, તે આમ્મોની સ્ત્રી હતી. તેના દીકરા અબીયામે તેની જગાએ રાજ કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×