Bible Versions
Bible Books

1 Kings 16 (GUV) Gujarati Old BSI Version

1 હવે બાશા વિરુદ્ધ હનાનીના દીકરા યેહૂ પાસે યહોવાનું વચન એવું આવ્યું,
2 “મેં તને ધૂળમાંથી ઊંચી પદવીએ ચઢાવીને મારા ઇઝરાયલ લોક પર અધિકારી ઠરાવ્યો. પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે, ને તેં મારા ઇઝરાયલ લોક પાસે પાપ કરાવીને તેમનાં પાપથી મને રોષ ચઢાવ્યો છે.
3 માટે જો, હું બાશાને તથા તેના કુટુંબને છેક ઝાટકી કાઢીશ, અને હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નાખીશ.
4 બાશાનો જે માણસ નગરમાં મરશે તેને કૂતરા ખાશે; અને તેનો જે માણસ ખેતરમાં મરશે તેને વાયુચર પક્ષીઓ ખાશે.”
5 હવે બાશાના બાકીના કૃત્યો, તથા તેણે જે કંઈ કર્યું તે તથા તેનું પરાક્રમ, સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
6 અને બાશા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને તિર્સામાં દાટવામાં આવ્યો, અને તેના દીકરા એલાએ તેની જગાએ રાજ કર્યું.
7 વળી બાશાએ યહોવાની ર્દષ્ટિમાં જે બધી દુષ્ટતા કરી, ને યરોબામના કુટુંબના જેવો થઈને, પોતાના હાથોના કામથી યહોવાને રોષ ચઢાવ્યો તેને લીધે, તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનાનીના દીકરા યેહૂ પ્રબોધક મારફતે ઉપર પ્રમાણે આવ્યું હતું.
8 યહૂદિયાના રાજા આસાને છવ્વીસમે વર્ષે બાશાનો દીકરો એલા તિર્સામાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બે વર્ષ રાજ કર્યું.
9 તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અર્ધા ભાગ પર નાયક હતો, તેણે એલાની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિર્સામાં હતો, ને તિર્સામાંના તેના ઘરનો કારભારી આર્સા નામે એક જણ હતો; તેના ઘરમાં પીને રાજા ચકચૂર થયો હતો.
10 અને યહૂદિયાના રાજા આસાને સત્તાવીસમે વર્ષે ઝિમ્રીએ અંદર જઈને રાજાને મારીને તેનો પ્રાણ લીધો, ને તેની જગાએ રાજ કર્યું.
11 તે રાજ કરવા લાગ્યો, ત્યારે તે પોતાના રજ્યાસન પર બેઠો કે તરત એમ થયું કે તેણે બાશાનાં કુટુંબનાં સર્વને મારી નાખ્યાં. તેણે તેના સગાંનો કે, તેના મિત્રોનો એકે પુત્ર તેને માટે રહેવા દીધો નહિ.
12 એમ બાશાનાં સર્વ પાપ તથા તેના દીકરા એલાનાં પાપ જે તેઓએ કરીને, ને જે વડે તેઓએ ઇઝરાયલ પાસે પાપ કરાવીને પોતાની વ્યર્થતાઓથી ઇઝરાયલના ઈશ્વર યહોવાને રોષ‍ ચઢાવ્યો,
13 તેને લીધે યહોવા પોતાનું વચન યેહૂ પ્રબોધક દ્વારા બાશાની વિરુદ્ધ બોલ્યા હતા, તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો નાશ કર્યો.
14 હવે એલાનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
15 યહૂદિયાના રાજા આસાને સત્તાવીસમે વર્ષે ઝિમ્રીએ તિર્સામાં સાત દિવસ રાજ કર્યું. હવે લોકોએ પલિસ્તીઓનાં ગિબ્બથોનની સામે છાવણી નાખી હતી.
16 છાવણીમાંના લોકોએ સાંભળ્યું કે, ઝિમ્રીએ બંડ કર્યું છે, ને રાજાને પણ મારી નાખ્યો છે; તેથી સર્વ ઇઝરાયલીઓએ તે દિવસે છાવણીમાં સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.
17 ઓમ્રીએ તથા તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ગિબ્બથોન આગળથી ઊપડી જઈને તિર્સાને ઘેરો કર્યો.
18 અને ઝિમ્રીએ જોયું કે નગર સર કરવામાં આવ્યું છે, ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો, ને મહેલને આગથી સળગાવી મૂકીને પોતે અંદર બળી મૂઓ.
19 યરોબામના માર્ગમાં, તથા ઇઝરાયલની પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં‍ ચાલવાથી યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને તેણે જે જે પાપ કર્યા, તેને લીધે તે મર્યો.
20 હવે ઝિમ્રીનાં બાકીનાં કૃત્યો, તથા તેણે કરેલો રાજદ્રોહ, તે ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
21 સમયે ઇઝરાયલ લોકમાં બે પક્ષ પડ્યાં. અડધા ભાગના લોક ગિનાથના દીકરા તિબ્નીને રાજા ઠરાવવા માટે તેની મદદે ગયા; અને અર્ધા ભાગના ઓમ્રીની મદદે ગયા.
22 પણ ઓમ્રીની મદદે ગયેલા લોકે ગિનાથના દીકરા તિબ્નીની મદદે ગયેલા લોકો પર જીત મેળવી. એમ તિબ્ની મરણ પામ્યો, ને ઓમ્રીએ રાજ કર્યું.
23 યહૂદિયાના રાજા આસાને એકત્રીસમે વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ રાજ કર્યું. તિર્સામા તેણે વર્ષ રાજ કર્યું.
24 તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત રૂપું આપીને ખરીદ કર્યો, અને તે પર્વત પર તેણે નગર બાંધ્યું; પોતે બાંધેલા નગરનું નામ તેણે તે પર્વતના માલિક શેમેરના નામ પરથી સમરુન પાડ્યું.
25 ઓમ્રીએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને તેની અગાઉના સર્વ કરતાં તે વિશેષ દુષ્ટતાથી વર્ત્યો.
26 કેમ કે નબાટના દીકરા યરોબામના સર્વ માર્ગમાં તથા તેનાં જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવીને તેઓની વ્યર્થતાઓથી ઇઝરાયલના ઈશ્વર યહોવાને રોષ ચઢાવ્યો, તેમાં તે ચાલ્યો.
27 હવે ઓમ્રીનાં કરેલાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
28 અને ઓમ્રી પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને સમરુનમાં દાટવામાં આવ્યો, અને તેને સ્થાને તેના દીકરા આહાબે રાજ કર્યું.
29 યહૂદિયાના રાજા આસાને આડત્રીસમે વર્ષે ઓમ્રીનો દીકરો આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. અને ઓમ્રીના દીકરા આહાબે સમરુનમાં ઇઝરાયલ પર બાવીસ વર્ષ રાજ કર્યું.
30 અને ઓમ્રીના દીકરા આહાબે તેની પહેલાંના સર્વ રાજાઓ કરતાં યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.
31 અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.
32 તેણે સમરુનમાં બાલનું જે મંદિર બાંધ્યું હતું, તેમાં તેણે બાલને માટે વેદી ઊભી કરી.
33 વળી આહાબે અશેરા મૂર્તિ બનાવી. અને આહાબે તેની અગાઉના ઇઝરાયલના સર્વ રાજાઓ કરતાં ઇઝરાયલનાં ઈશ્વર યહોવાને રોષ ચઢે એવું હજીયે વિશેષ કર્યું.
34 તેના દિવસોમાં બેથેલી હીએલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો. અને તેના સૌથી નાના દીકરા સગૂબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે થયું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×