Bible Versions
Bible Books

1 Kings 7 (GUV) Gujarati Old BSI Version

1 સુલેમાનને પોતાનો મહેલ બાંધતા તેર વર્ષ લાગ્યાં, અને તેણે પોતાનો આખો મહેલ પૂરો કર્યો.
2 વળી તેણે લબાનોનવનગૃહ બાંધ્યું, તેની લંબાઈ સો હાથ, તેની પહોળાઈ પચાસ હાથ, ને તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી; તે એરેજકાષ્ટના થાંભલાની ચાર હારો પર બાંધેલું હતું, ને થાંભલા પર એરેજકાષ્ટની વળીઓ હતી.
3 દર હારે પંદર પ્રમાણે થાંભલા પરની પિસ્તાળીસ વળીઓ પર એરેજકાષ્ટનું ઢાંકણ કરવામાં આવ્યું હતું.
4 બારીઓની ત્રણ હાર હતી, ને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા.
5 સર્વ કમાડો તથા બારસાખોનાં ચોકઠાં સમચોરસ હતાં, ને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા.
6 તેણે થાંભલાઓની પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ, ને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેઓની આગળ એક પરસાળ હતી અને તેઓની આગળ થાંભલા તથા જાડા મોભ હતા.
7 વળી તેણે ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એક પરસાળ, એટલે ન્યાયની પરસાળ બનાવી; અને તળિયાથી તે મથાળા સુધી તેને એરેજકાષ્ટથી મઢવામાં આવી.
8 વળી તેને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગળું, તે પણ તેવી કારીગરીનું હતું. વળી ફારુનની દીકરી (જેની સાથે સુલેમાને લગ્ન કર્યું હતું ) તેને માટે તેણે તે પરસાળના જેવો મહેલ બાંધ્યો.
9 બધાં અંદરથી તથા બહારથી પાયાથી તે મથાળા સુધી, ને પ્રમાણે બહારની બાજુએ મોટા ચોક સુધી, મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં બાંધેલાં હતાં.
10 પાયો કિમતી પથ્થરોનો, એટલે મોટા દશ દશ હાથના તથા આઠ આઠ હાથના પથ્થરોનો હતો.
11 ઉપર કિમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા એરેજકાષ્ટ હતાં.
12 યહોવાના મંદિરના ભીતરના આંગણા તથા મંદિરના પરસાળની જેમ મોટા આંગળાની ચારેબાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર, તથા એરેજકાષ્ટના મોભની એક હાર હતી.
13 અને સુલેમાન રાજાએ માણસ મોકલીને તૂરમાંથી હુરામને તેડાવ્યો.
14 તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો, તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં સર્વ કામ કર્યાં.
15 તેણે અઢાર અઢાર હાથ ઊંચા પિત્તળનાણ બે થાંભલા બનાવ્યા દરેક થાંભલાની આસપાસ ફરી વળવા બાર હાથની દોરી જતી હતી.
16 થાંભલાની ટોચો પર મૂકવા તેણે પિત્તળના બે કળશ ઢાળ્યા. એક કળશની ઊંચાઈ પાંચ હાથ હતી, ને બીજા કળશની ઊંચાઈ પાંચ હાથની હતી.
17 થાંભલાની ટોચો પરના કળશને માટે તરેહરેહની કારીગરીની જાળી તથા સાંકળીકામની ઝાલરો હતી. એક કળશને માટે સાત, ને બીજા કળશને માટે સાત.
18 પ્રમાણે તેણે થાંભલા કર્યાં. દરેક થંભળાની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ બે હાર હતી, બીજા કળશ માટે તેણે એમ કર્યું.
19 ઓસરીમાંના થાંભલાની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા, તે ચાર હાથ લાંબા હતા.
20 બે થાંભલાની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના પેટું પાસે કળશ હતા; અને બીજા કળશ પર ચોગરદમ બસો દાડમ હારબંધ પાડેલાં હતાં.
21 તેણે થાંભલા મંદિરની ઓસરી આગળ ઊભા કર્યા. જમણો થાંભલો ઊંચો કરીને તેણે એનું નામ યાખીન પાડ્યું.અને ડાબો થાંભલો ઊંચો કરીને તેણે એનું નામ બોઆઝ પાડ્યું.
22 થાંભલાની ટોચો પર કમળનું કોતરકામ હતુ. એમ થાંભલાનું કામ પૂરુ થયું.
23 વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.
24 તેની ધાર નીચે ચારે તરફ કળીઓ પાડેલી હતી, દર હાથે દશ કળીઓ પ્રમાણે સમુદ્રની આસપાસ પાડેલી હતી. કળીઓની બે હારો સમુદ્રની સાથે ઢાળવામાં આવી હતી.
25 તે બાર ગોધા પર મૂકેલો હતો. ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ, ત્રણનાં મુખ દક્ષિણ તરફ ને ત્રણનાં મુખ પૂર્વ તરફ હતાં.સમુદ્ર તેમના પર મૂકેલો હતો, અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી.
26 તેની જાડાઈ ચાર આંગળ જેટલી હતી. અને તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. તેમાં બે હજાર બાથ પાણી માતાં હતાં.
27 વળી તેણે પિત્તળના દશ ચોતરા બનાવ્યાં.દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ, તેની પહોળાઈ ચાર હાથ ને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.
28 તે ચોતરાઓની બનાવટ પ્રમાણે હતી; તેઓની તખતીઓ હતી; અને તખતીઓ ચોકઠાની વચ્ચે હતી.
29 અને ચોકઠાંની વચ્ચેની તખતીઓ પર સિંહો, ગોધા તથા કરુબો પાડેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા ગોધાઓની નીચે લટકતા કામની ઝાલરો હતી.
30 તે દરેક ચોતરાને પિત્તળના ચાર પૈડા ને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકા હતા. ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા, ને દરેકની બાજુએ ઝાલરો હતી.
31 મથાળાનું ખામણું અંદરથી ઉપર સુધી એક હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ, તથા ઘેરાવામાં દોઢ હાથ હતું, વળી તેના કાન પર નકશીકામ હતું, ને તેમની તખતીઓ ગોળ નહિ પણ ચોખંડી હતી.
32 ચાર પૈડા તખતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.
33 પૈડાની બાનાવટ રથના પૈડાની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો બધાં ઢળેલાં હતાં.
34 દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકા હતા, તેના ટેકા ચોતરાની સાથે સળંગ જોડેલા હતા.
35 ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. અને ચોતરાને મથાળે તેના ટેકા ને તેની તખતીઓ તેની સાથે સળંગ હતાં.
36 તેના ટેકાનાં પતરાં પર તથા તેની તખતીઓ પર તેણે કરુબો, સિંહો તથા ખજૂરીઓ દરેકના કદના પ્રમાણમાં કોતર્યાં હતાં, ને તેમની આસપાસ ઝાલરો હતી.
37 એવી રીતે તેણે દશ ચોતરા બનાવ્યા. સર્વ એક માપના તથા એક ઘાટના હતા.
38 તેણે પિત્તળનાં દશ કૂડાં બનાવ્યાં. દરેક કૂંડામાં ચાળીસ બાથ માતાં હતાં. દરેક કૂંડું ચાર હાથનું હતું. પેલા દશ ચોતરામાંના દરેક પર એકેક કૂંડું મૂકવામાં આવ્યું
39 તેણે પાંચ ચોતરા ઘરની જમણી બાજુએ, ને પાંચ ઘરની ડાબી બાજુએ ગોઠવ્યા. તેણે સમુદ્રને ઘરની જમણી દિશાએ અગ્નિ ખૂણા તરફ ગોઠવ્યો.
40 વળી હુરામે કૂંડાં, પાવડા તથા તપેલા બનાવ્યાં. પ્રમાણે હુરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને માટે આરંભ્યું હતું તે સર્વ તેણે પૂરું કર્યું.
41 એટલે બે થાંભલા, તે થાંભલાની ટોચો પરના કળશના બે ઘુંમટ, તથા થાંભલાની ટોચો પરના કળશના બે ઘુંમટ ઢાંકવા માટે બે જાળી;
42 અને બે જાળીને માટે ચારસો દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બન્‍ને ઘુંમટ ઢાંકવાની દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો;
43 દશ ચોતરા, તથા ચોતરા પરનાં દશ કૂંડાં;
44 એક સમુદ્ર તથા સમુદ્રની નીચેના બાર ગોધા;
45 દેગડા, પાવડા તથા તપેલાં; યહોવાના મંદિરને લગતાં બધાં વાસણો જે હુરામે સુલેમાન રાજાને માટે બનાવ્યાં, તે ઓપેલા પિત્તળનાં હતાં.
46 યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા સારથાનની વચ્ચે ચીકણી માટીની જમીનમાં રાજાએ તે ઢાળ્યાં.
47 સુલેમાને સર્વ વાસણો તોળ્યા વગર રહેવા દીધાં, કેમ કે તે પુષ્કળ હતાં. તે પિત્તળનું વજન અકળિત હતું.
48 સુલેમાને યહોવાના મંદિરમાંનાં સર્વ પાત્રો બનાવ્યાં; એટલે સોનાની વેદી, અને જેના પર અર્પિત રોટલી રહેતી તે સોનાની મેજ;
49 ઈશ્વરવાણીસ્થાન સામેનાં ચોખ્ખા સોનાનાં દીપવૃક્ષ, પાંચ જમણી તથા પાંચ ડાબી બાજુએ; તને તેમના ફૂલો, દીવીઓ તથા ચીમટા, સર્વ સોનાનાં હતાં.
50 વળી ચોખ્ખા સોનાનાં પ્યાલાં, કાતરો, તપેલાં, પળીઓ તથા ધૂપદાનીઓ; અને ભીતરના ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનનાં કમાડને માટે, તેમ ઘરનાં એટલે મંદિરનાં કમાડને માટે સોનાનાં મિજાગરાં.
51 પ્રમાણે યહોવાના મંદિરને લગતું જે સર્વ કામ સુલેમાન રાજાએ કર્યું તે પૂરું થયું. અને જે સર્વ વસ્તુ તેના પિતા દાઉદે અર્પિત કરી હતી તે, એટલે રૂપું, સોનું તથા પાત્રો, સુલેમાને અંદર લઈ જઈને યહોવાના મંદિરના ભંડારોમાં મૂકી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×