Bible Versions
Bible Books

1 Samuel 25 (GUV) Gujarati Old BSI Version

1 શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.
2 માઓનમાં એક માણસ રહેતો હતો. તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ‌ શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં ને એક હજાર બકરાં હતાં. અને હમણાં તે કાર્મેલમાં પોતાનાં ઘેટાં કાતરતો હતો.
3 તે માણસનું નામ નાબાલ અને તેની પત્નીનું નામ અબિગાઇલ હતું. તે સ્‍ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી; પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો. તે કાલેબના કુટુંબનો હતો.
4 દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે.
5 દાઉદે દશ જુવાનોને મોકલ્યા, ને કહ્યું, “તમે કાર્મેલ પર ચઢીને નાબાલ પાસે જઈ તેમને મારી સલામ કહેજો.
6 વળી તે માણસને પ્રમાણે કહેજો કે, ‘તમારું કલ્યાણ, તમારા કુટુંબનું કલ્યાણ, તથા તમારા સર્વસ્વનું કલ્યાણ થાઓ.
7 હવે મેં સાંભળ્યું છે કે હાલ તમારે ત્યાં કાતરનારા આવેલા છે. તમારા ઘેટાંપાળકો અમારી સાથે હતા ત્યારે અમે તેમને કંઈ ઇજા કરી નથી, તેમ તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેમનું કંઈ પણ ખોવાયું નથી.
8 તમારા જુવાનોને પૂછો, એટલે તેઓ તમને કહેશે. માટે જુવાનો તમારી દષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ખુશાલીને દિવસે આવ્યા છીએ. કૃપા કરીને જે તમારે હાથ લાગે તે તમારા દાસોને તથા તમારા દિકરા દાઉદને આપજો.’”
9 દાઉદના જુવાનોએ ત્યાં જઈને દાઉદને નામે સર્વ શબ્દો પ્રમાણે નાબાલને કહ્યું, ને પછી તેઓ છાના રહ્યા.
10 નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો. “દાઉદ કોણ છે? અને યિશાઈનો દિકરો કોણ છે? આજકાલ પોતાના ધણીઓ પાસેથી નાસી જનારા ચાકરો તો ઘણા છે.
11 તો શું હું મારી રોટલી, મારું પાણી, તથા મારું માંસ જે મેં મારા કાતરનારાઓને માટે કાપ્યું છે તે લઈને, જે માણસો ક્યાંથી આવેલા છે હું જાણતો નથી. તેઓને આપું?”
12 તેથી દાઉદના જુવાનો પોતાને રસ્તે પાછા વળ્યા, ને પાછા આવીને સર્વ શબ્દો પ્રમાણે તેને કહ્યું,
13 એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો.” અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી; અને દાઉદનીસાથે આસરે ચારસો માણસ ગયા; અને બસો ઉચાળા પાસે રહ્યા.
14 પણ નાબાલના જુવાનોમાંના એકે નાબાલની પત્ની અબિગાઇલને કહ્યું, “જો, દાઉદે અમારા શેઠને સલામ કહેવા માટે રાનમાંથી હલકારા મોકલ્યા હતા, પણ તો તેમના પર ઊતરી પડ્યો.
15 પણ તે માણસો અમારી પ્રત્યે બહુ ભલા હતા. અમે સીમમાં રહેતા હતા ત્યારે તેઓની સાથે અમે પરિચય રાખ્યો ત્યાં સુધી અમને કંઈ ઇજા કરવામાં આવી નહોતી, તેમ અમારું કંઈ ખોવાયું નહોતું.
16 ઘેટાં સાચવતાં જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા,
17 તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો. કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે, તેને કોઈ કંઈ કહી શકે નહિ.”
18 ત્યારે અબિગાઇલે જલદીથી બસો રોટલી દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલાં પાંચ ઘેટાં, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો‍ ચકતાં લઈને ગધેડાં પર લાદ્યાં.
19 અને તેણે પોતાના જુવાન ચાકરોને કહ્યું, “તમે મારી આગળ જાઓ, જુઓ, હું તમારી પાછળ આવું છું.” પણ તેણે પોતાના ધણી નાબાલને કંઈ કહ્યું નહિ.
20 અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી, તે સમયે, જુઓ, દાઉદ તથા તેના માણસો સામે આવતા હતા. અને તેને તેમનો ભેટો થયો.
21 હવે દાઉદે કહ્યું હતું, “આ માણસની રાનમાંની સર્વ મિલકત મેં એવી રીતે સાંભળી હતી કે તેનું કંઈ પણ ખોવાયું નહોતું, બધું ખરેખર ફોકટ ગયું છે. તેણે મને સારાનો બદલો બૂરો આપ્યો છે.
22 તેનું છે તે સર્વમાંથી સવાર થતાં સુધીમાં એક નર બાળક સરખુંય હું જીવતું રહેવા દઉં તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુ:ખ પાડો.”
23 અને અબિગાઈલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી, ને દાઉદને સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા.
24 તેણે તેને પગે પડીને કહ્યું, “હે મારા મુરબ્બી, અપરાધ મારે શિરે, હા, મારે શિરે હો. કૃપા કરીને આપની દાસીને આપના કાનમાં કહેવા દો, ને આપની દાસીનું કહેવું સાંભળો.
25 કૃપા કરીને મારા મુરબ્બીએ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેમનું નામ છે, તેવા તે છે. તેમનું નામ નાબાલ નાદાન છે, ને તેમનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જુવાનોને આપે મોકલ્યા હતા તેઓને મેં આપની દાસીએ જોયા નહોતા.
26 માટે હવે, હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તમારા જીવના સમ ખાઈને કહું છું કે, યહોવાએ આપને ખૂનના દોષથી તથા આપને હાથે આપનું વેર લેવાથી આપને અટકાવ્યા છે; તો હવે આપના શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાઓ.
27 હવે જે ભેટ આપની દાસી મારા મુરબ્બીને માટે લાવી છે, તે જે જુવાનો મારા મુરબ્બીની તહેનાતમાં છે તેઓને આપવામાં આવે.
28 કૃપા કરીને આપની દાસીનો અપરાધ માફ કરો; કેમ કે નક્કી યહોવા મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે, કેમ કે મારા મુરબ્બી યહોવાની લડાઈઓ લડે છે. અને આપના સર્વ દિવસો પર્યંત આપનામાં ભૂંડાઈ માલૂમ પડશે નહિ.
29 જો કે આપની પાછળ પડવાને તથા આપનો જીવ લેવાને માણસ ઊઠ્યો હશે, તોપણ મારા મુરબ્બીનો જીવ આપના ઈશ્વર યહોવા સાથે જીવનભંડારમાં બાંધી રાખશે; પણ આપના શત્રુઓનઅ જીવને તો જેમ ગોફણના ચાડામાંથી પથ્થર ફેંકી દે, તેમ તે ફેંકી દેશે.
30 આપને વિષે જે સર્વ હિતવચનો યહોવા બોલ્યા છે તે પ્રમાણે તેમણે મારા મુરબ્બીને માટે કર્યું હશે, ને ઇઝરાયલ પર આપને અધિકારી ઠરાવ્યા હશે ત્યારે એમ થશે કે,
31 કારણ વગર રક્તપાત કરવાનો કે, મારા મુરર્બ્બીએ પોતાનું વેર વાળવાનો ખેદ કે મનસંતાપ મારા મુરબ્બીને થશે નહિ. જ્યારે યહોવા મારા મુરબ્બીનું ભલું કરે ત્યારે આપની દાસીને યાદ કરજો.”
32 દાઉદે અબિગાઈલને કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે તને આજે મને મળવા મોકલી તેમને ધન્ય હો.
33 વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજે ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે.
34 કેમ કે ઇઝરાયલના જીવતા ઈશ્વર યહોવા, જેમણે તને નુકસાન કરવાથી મને રોકી રાખ્યો છે, તેમના સમ ખાઈને કહું છું કે, જો તું ઉતાવળથી આવીને મને મળી હોત, તો નિશ્ચે સવાર થતાં સુધીમાં નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ.”
35 પછી, તે તેને માટે જે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું, અને તેણે તેને કહ્યું “શાંતિએ તારે ઘેર જા. જો મેં તારી વિનંતી સાંભળી છે, ને તારા પંડની ખાતર મારે તે કબૂલમંજૂર છે.”
36 પછી અબિગાઇલ નાબાલ પાસે આવી, તો જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું એક જમણ કર્યું હતું. અને નાબાલનું દિલ ઘણું ખુશ થયું, કેમ કે તે ઘણો પીધેલો હતો; માટે સવારનું અજવાળું થતાં સુધી તેણે તેને ઓછુંવત્તું કંઈ કહ્યું નહિ.
37 નાબાલને દ્રાક્ષારસ ઊતર્યો ત્યારે સવારે એમ થયું કે, તેની પત્નીએ વાતો તેને કહી, એટલે તેના હોશકોશ ઊડી ગયા, ને તે પથ્થરવત થઈ ગયો.
38 આસરે દશ દિવસ પછી એમ થયું કે, યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો.
39 નાબાલ મરણ પામ્યો છે દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને માથે પાછું વાળ્યું છે.”
40 દાઉદના ચાકરોએ કાર્મેલમાં અબિગાઇલની પાસે જઈને તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા મોકલ્યા છે.”
41 તેણે ઊઠીને જમીન સુધી વાંકી વળીને પ્રણામ કરીને કહ્યું, “જો, તારી દાસી મારા મુરબ્બીના ચાકરોના પગ ધોનારી ચાકરડી તુલ્ય છે.”
42 પછી અબિગાઇલે તરત ઊઠીને ગધેડા પર સવારી કરી, તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની પત્ની થઈ.
43 દાઉદ યિઝ્રએલી અહિનોઆમને પણ પરણ્યો; અને તે બન્‍ને તેની પત્ની થઈ.
44 હવે શાઉલે પોતાની દીકરી, એટલે દાઉદની પત્ની મિખાલને, ગાલ્‍લીમવાળા લાઈશના દીકરા પાલ્ટીને આપી હતી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×