Bible Versions
Bible Books

2 Chronicles 11 (GUV) Gujarati Old BSI Version

1 જ્યારે રહાબાન યરુશાલેમ પાછો આવ્યો ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલની સામે યુદ્ધ કરવાને તેણે યહૂદાના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા યોદ્ધાઓને એકત્ર કર્યાં.
2 પણ યહોવાનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે એવું આવ્યું કે,
3 “યહૂદિયાના રાજા સુલેમાનના પુત્ર રહાબાને તથા યહૂદિયા ને બિન્યામીનમાં રહેનારા સર્વ ઇઝરાયલીઓને કહે
4 યહોવા કહે છે કે, તમારે ચઢાઈ કરવી નહી, ને તમારા ભાઈઓની સામે યુદ્ધ કરવું નહિ. તમે સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ, કેમ કે કામ મારા તરફથી થયું છે.’” આથી તેઓ યહોવાનું વચન માનીને યરોબામની સામે જતાં પાછા ફર્યાં.
5 રહાબામે યરુશાલેમમાં રહીને યહૂદિયાના રક્ષણને માટે નગરો બાંધ્યાં.
6 તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
7 બેથ-સુર, સોખો, અદુલ્લામ,
8 ગાથ, માટેશા, ઝીફ,
9 અદોરાઈમ, લાખીશ અઝેકા,
10 સોરા, આયાલોન, તથા હેબ્રોન બાંધ્યાં, યહૂદિયામાં તથા બિન્યામીનમાં કિલ્લાવાળાં નગરો છે.
11 તેણે કિલ્લાઓને ફરતા કોટ બાધ્યા ને તેઓમાં સરદારો રાખ્યા, અને અન્નના, તેલના તથા દ્રાક્ષારસનાં ભંડારો ભરી રાખ્યા.
12 દરેક જુદા જુદા નગરમાં તેણે ઢાલો ને બરછીઓ રાખી ને તેઓને બહુ મજબૂત કર્યાં. યહૂદિયા તથા બિન્યામીન તેને તાબે હતા.
13 જે યાજકો તથા લેવીઓ આખા ઇઝરાયલમાં હતા તેઓ પોતપોતાનાં રહેવાનાં સ્થળોમાંથી તેની મદદે આવ્યા.
14 લેવીઓ પોતાનાં પાદરો તથા પોતાનાં વતન મૂકીને હયૂદિયા તથા યરુશાલેમ આવ્યા; કેમ કે યહોવાની આગળ યાજકપદ બજાવવામાંથી યરોબામે તથા તેના પુત્રોએ તેઓને બરતરફ કર્યા હતા.
15 તેણે પોતાને માટેના ઉચ્ચસ્થાનોને માટે, વનદેવતાઓને માટે તથા પોતે બનાવેલા વાછરડાઓને માટે પોતાના જુદા યાજકો ઠરાવ્યા.
16 તેઓની પાછળ ઇઝરાયલના સર્વ કુળોમાંથી જેઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાને શોધવામાં પોતાનાં અંત:કરણ લગાડ્યાં હતાં. તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે યરુશાલેમ આવ્યા હતા.
17 પ્રમાણે તેઓના આવવાથી યહૂદિયાનું રાજ્ય બળવાન થયું. તેઓએ ત્રણ વર્ષ સુધી સુલેમાનના પુત્ર રહાબામને બળવાન કર્યો; કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ તથા સુલેમાનને માર્ગે ચાલ્યા.
18 પછી રહાબામે દાઉદના પુત્ર યરીમોથ તથા યિશાઈના પુત્ર અલિયાબની પુત્રી અબિહાઈલ, એમની પુત્રી માહલાથની સાથે લગ્ન કર્યું.
19 તેને તેણીને પેટે યેઉશ, સમાર્યા તથા ઝાહામ. દીકરા થયા.
20 પછી તે આબ્શાલોમની પુત્રી માકાને પરણ્યો; અને તેને તેણીને પેટે અબિયા, અત્તાય, ઝિઝા તથા શલોમીથ થયા.
21 રહાબામ પોતાની સર્વ પત્નીઓ તથા પોતાની ઉપપત્નીઓ કરતાં આબ્શાલોમની પુત્રી માકા પર વધારે પ્રેમ રાખતો હતો. (તેણે તો અઢાર પત્નીઓ તથા સાઠ ઉપપત્નીઓ કરી હતી, તેને અઠ્ઠાવીસ પુત્રો તથા સાઠ પુત્રીઓ થયા.
22 રહાબામે માકાના પુત્ર અબિયાને તેના ભાઈઓમાં મુખ્ય અધિકારી ઠરાવ્યો, કેમ કે તે તેને રાજા બનાવવા ઇચ્છતો હતો.
23 તે ડહાપણથી વર્ત્યો, ને તેણે પોતાના સર્વ દીકરાઓને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ પ્રાંતોના કિલ્લાવાળાં સર્વ નગરોમાં જુદા જુદા રાખ્યા; અને તેણે તેઓને ખાનપાનની પુષ્કળ સામગ્રી ભરી આપી. અને તેણે તેઓને ઘણી સ્ત્રીઓ પરણાવી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×