Bible Versions
Bible Books

2 Chronicles 5 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમપિર્ત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.
2 ત્યારબાદ સુલેમાને, યહોવાના કરારકોશને સિયોનમાંથી લઇ આવવા માટે, ઇસ્રાએલના બધા આગેવાનોને બધા કુળસમૂહોના અને કુટુંબોના વડીલોને બોલાવ્યા.
3 ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા.
4 ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.
5 લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા.
6 રાજા સુલેમાને અને ભેગા થયેલા આખા ઇસ્રાએલી સમાજે કરારકોશ સમક્ષ ગણ્યાં ગણાય નહિ એટલા ઘેટાં અને બળદોની આહુતિ ચઢાવી.
7 ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે.
8 કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી.
9 કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં છે.
10 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
11 બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં હતાં.
12 તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.
13 વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા: “દેવ ઉત્તમ છે! તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.”
14 તે સમયે તેજસ્વી વાદળરૂપે યહોવાનું ગૌરવ ઉતરી આવ્યું. અને મંદિર તેનાથી ભરાઇ ગયું, તેથી યાજકો સેવા કરવા માટે મંદિરમાં ઊભા રહી શક્યાં નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×