Bible Versions
Bible Books

2 Kings 21 (GUV) Gujarati Old BSI Version

1 મનાશ્શા રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાર વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. તેની માનું નામ હેફસીબા હતું.
2 જે મૂર્તિપૂજકોને યહોવાએ ઇઝરાયલની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.
3 કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યાં. અને ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાલને માટે વેદીઓ ઊભી કરી, અશેરા મૂર્તિ બનાવી, ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરી, ને તેમની સેવા કરી.
4 તેણે યહોવાનું મંદિર, જે વિષે યહોવાએ કહ્યું હતું, “હું યરુશાલેમમાં મારું નામ રાખીશ, તેમાં વેદીઓ બાંધી.
5 વળી તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી.
6 વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.
7 અને અશેરાની કોતરેલી મૂર્તિ કરાવીને તેણે મંદિરમાં બેસાડી કે, જે મંદિર વિષે યહોવાએ દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું કે, “આ મંદિરમાં તથા યરુશાલેમ કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે. તેમાં હું મારું નામ સદા રાખીશ.
8 અને જે સર્વ આજ્ઞા મેં તેઓને આપી છે, ને જે નિયમશાસ્ત્ર મારા સેવક મૂસાએ તેમને ફરમાવ્યું તે પ્રમાણે વર્તીને તેઓ તે પાળશે, તો હે દેશ મેં ઇઝરાયલના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી રખડાવીશ નહિ.”
9 પરંતુ તેઓએ ગણકાર્યું નહિ. યહોવાએ જે પ્રજાઓનો ઇઝરાયલની આગળ નાશ કર્યો હતો, તેઓના કરતાં મનાશ્શાએ વધારે ભૂંડા કામ તેઓની પાસે કરાવ્યાં.
10 યહોવાએ પોતાના પ્રબોધકો દ્વારા કહ્યું,
11 યહૂદિયાના રાજા મનાશ્શાએ ધિક્કારપાત્ર કામ કર્યા છે. તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે બધા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.
12 તે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘જ, હું યરુશાલેમ તથા યહૂદિયા પર એવી આપત્તિ લાવવાનો છું કે, તે વિષે દરેક સાંભળનારના બન્ને કાન ઝણઝણશે.
13 હું સમરુનની માપદોરી તથા આહાબના ઘરનો ઓળંબો યરુશાલેમ પર લંબાવીશ અને જેમ કોઈ માણસ થળી લૂછે, તેમ હું યરુશાલેમને લૂછી નાખીશ, ને તેને લૂછીને ઊંધું વાળીશ.
14 મારા વારસાના બચી રહેલા ભાગને હું તજી દઈને તમને તેમના શત્રુઓના હાથમાં સોંપીશ. તેઓ તેઓના સર્વ શત્રુઓનો ભક્ષ તથા લૂટ થઈ પડશે.
15 કેમ કે તેઓએ મારી ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું છે, ને તેઓના પિતૃઓ મિસરમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી તેઓ મને રોષ ચઢાવતા આવ્યા છે.’”
16 વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.
17 હવે મનાશ્શાના બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે સર્વ, ને તેનું કરલું પાપ, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
18 અને મનાશ્શા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને પોતાના ઘરની વાડીમાં એટલે ઉઝઝાની વાડીમાં દાટવામાં આવ્યો.અને તેના દીકરા આમોને તેની જગાએ રાજ કર્યું.
19 આમોન રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે બે વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મશુલ્લેમેથ હતું, યોટબાના હારુસની દિકરી હતી.
20 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું, તેમ આમોને યહોવાની ર્દષ્ટિમાં જે બૂંડું હતું તે કર્યું.
21 જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો તે સર્વ માર્ગે તે ચાલ્યો, ને જે મૂર્તિઓની સેવા તેનો પિતા કરતો હતો. તેઓની સેવા તેણે કરી, ને તેઓની ભક્તિ કરી.
22 તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો, ને તે યહોવાના માર્ગમાં ચાલ્યો નહિ.
23 અને આમોનના ચાકરોએ રાજા સામે બંડ કર્યું, ને તેને તેના પોતાના મહેલમાં મારી નાખ્યો.
24 પણ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ બંડ કરનાર સર્વને મારી નાખ્યા: અને દેશના લોકોએ તેની જગાએ તેના દીકરા યોશિયાને રાજા ઠરાવ્યો.
25 હવે આમોનના બાકીના કૃત્યો યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
26 તેને ઉઝઝાની વાડીમાં તેની કબરમાં દાટવામાં આવ્યો; અને તેના દીકરા યોશિયાએ તેની જગાએ રાજ કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×