Bible Versions
Bible Books

2 Samuel 12 (GUV) Gujarati Old BSI Version

1 પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે દાઉદની પાસે આવીને તેને કહ્યું, “એક નગરમાં બે માણસ હતા. એક શ્રીમંત, ને બીજો દરિદ્રી.
2 શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટાં તથા ઢોરઢાંક હતાં;
3 પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાળી હતી. તે તેની સાથે ને તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી, ને તેની ગોદમાં તે સૂતી હતી, ને તે તેને દીકરી સમાન હતી.
4 તે શ્રીમંત માણસને ત્યાં એક મુસાફર આવ્યો. પોતાને ત્યાં આવેલા મુસાફરને માટે રાંધવા માટે તેણે પોતાનાં ઘેટાં તથા ઢોરમાંથી કંઈ લીધું નહિ, પણ પેલા દરુદ્રી માણસની ઘેટી લઈ લીધી, ને પોતાને ત્યાં આવેલા માણસને માટે તે રાંધી.”
5 તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો. અને તેણે નાથાનને કહ્યું, “જીવતા યહોવાના સમ, જે માણસે કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે;
6 અને તેને ઘેટીને બદલે ચારગણું પાછું આપવું પડશે, લે, લે તેણે આવું નિર્દય કૃત્ય કર્યું, ને તેને કંઈ દયા આવી નહિ.”
7 અને નાથાને દાઉદને કહ્યું, “તમે તે માણસ છો. ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો,
8 અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ઘણીની પત્નીઓ તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું, અને જો કમ પડત, તો હું તને અમુક અમુક વાનાં પણ આપત.
9 તેં શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તેં તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્‍મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તેં તારી પત્ની કરી લીધી છે.
10 તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને તુચ્છ કર્યો ચે, ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે.’
11 યહોવા એમ કહે છે, ‘જો, હું તારા ઘરમાંથી તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને સૂર્યના દેખતાં તે તારી પત્નીઓની આબરૂ લેશે.
12 કેમ કે તેં ગુપ્ત રીતે કર્યું છે, પણ હું કાર્ય સર્વ ઇઝરાયલના જોતાં તથા સૂર્યના જોતા કરીશ.’”
13 અને દાઉદે નાથાનને કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને નાથાને દાઉદને કહ્યું, “યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે; તમે મરશો નહિ.
14 તોપણ કૃત્યથી તમે યહોવાના શત્રુઓને તેમની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દિકરો તમારે ત્યાં અવતર્યો છે તે નકકી મરી જશે.”
15 પછી નાથાન પોતાને ઘેર ગયો. દાઉદનું જે બાળક ઉરિયાની પત્નીને પેટે થયું, તેને યહોવાએ રોગ લાગુ પાડ્યો, ને તે બહુ માંદું પડ્યું.
16 તેથી દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ કાલાવાલા કર્યા; અને દાઉદે ઉપવાસ કર્યો, ને અંદર જઈને આખી રાત જમીન પર તે પડી રહ્યો.
17 તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો ઊઠીને તેની પાસે ઊભા રહ્યા, પણ તે ઊઠ્યો નહિ. તેમજ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહિ.
18 સાતમે દિવસે એમ થયું કે તે બાળક મરણ પામ્યું. અને બાળક મરી ગયું છે, ખબર તેને કહેતાં દાઉદના ચાકરો બીધા, કેમ કે તેઓએ કહ્યું, “જો, બાળક જીવતું હતું, ત્યારે આપણે તેમની સાથે બોલતા હતા તો તે આપણું કહેવું સાંભળતા નહિ; ત્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેમને કહીએ તો તે કેટલા બધા દુ:ખી થશે!”
19 પણ દાઉદે જોયું કે, ‘મારા ચાકરો એકબીજાના કાનમાં વાત કરે છે, ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મરી ગયું છે, અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું, “શું બાળક મરી ગયું?”
20 ત્યારે દાઉદ જમીન પરથી ઊઠ્યો, ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું, ને પોતાનાં વસ્‍ત્ર બદલ્યાં; અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેની આગળ અન્‍ન પીરસ્‍યું, ને તેણે ખાધું.
21 ત્યારે તેના ચાકરોએ તેને કહ્યું, “તમે જે કર્યું તે શું છે? બાળકના જીવતાં તમે ઉપવાસ તથા વિલાપ કરતા હતા. પણ બાળક મરી ગયું પછી તમે ઊઠીને અન્‍ન ખાધું.”
22 તેણે કહ્યું, “બાળકના જીવતાં હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, કેમ કે મેં ધાર્યું કે, કોણ જાણે છે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહિ રાખે?
23 પણ હવે તે મરણ પામ્યું છે, તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછો લાવી શકું એમ છે? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું નહિ આવે.”
24 પછી દાઉદે પોતાની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, ને તેની પાસે જઈને તેની સાથે સૂતો. અને તેને પુત્રનો પ્રસવ થયો ને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું. અને તેના પર યહોવાનો પ્રેમ હતો.
25 અને તેણે નાથાન પ્રબોધકની મારફતે સંદેશો મોકલ્યો, ને તેણે યહોવાની ખાતર તેનું નામ યદિદયા પાડ્યું.
26 પછી યોઆબે આમ્મોનપુત્રોના રાબ્બા પર હલ્લો કરીને રાજધાનીનું નગર કબજે કર્યું.
27 અને યોઆબે દાઉદ પાસે માણસો મોકલીને કહાવ્યું, “મેં રાબ્બા પર હલ્‍લો કર્યો છે, હા મેં તેનું જળનગર કબજે કર્યું છે.
28 તો હવે બાકીના લોકને એક્ત્ર કરો, ને નગરની સામે છાવણી નાખીને તે સર કરો; નહિ તો તે નગર હું લઈ લઈશ, ને તે મારા નામથી ઓળખાશે.”
29 પછી દાઉદ સર્વ લોકને એક્ત્ર કરીને રાબ્બા ગયો, ને તેના પર હલ્‍લો કરીને તે સર કર્યું.
30 તેણે તેઓના રાજાનો મુગટ તેને માથેથી ઉતારી લીધો, તે વજનમાં એક તાલંત સોનાનો હતો, ને મૂલ્યવાન રત્નો તેમાં જડેલાં હતાં. અને ને દાઉદના માથે મૂકવામાં આવ્યો. અને તે નગરમાંથી પુષ્કળ લૂટ મેળવીને તે બહાર આવ્યો.
31 અને તેમાંના લોકોને બહાર લાવીને તેણેતેમની પાસે કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ વડે મજૂરી કરાવી, ને ઈંટોની ભઠ્ઠીઓમાં તેમની પાસે કામ કરાવ્યું. આમ્મોનપુત્રોનાં બધાં નગરોને પણ તેણે એજ પ્રમાણે કર્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરુશાલેમમાં પાછા આવ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×