Bible Versions
Bible Books

2 Samuel 16 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદ પર્વતના શિખરની પેલી બાજુ થોડેક ગયો, એટલે જુઓ, મફીબોશેથનો ચાકર સીબા તેને મળ્યો, તે પોતાની સાથે જીન બાંધેલાં બે ગધેડાં લાવ્યો હતો, તેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એક સો લૂમ, ઊનાળાનાં એક સો ફળ, તથા દ્રાક્ષારસની એક કૂંડી લાદેલાં હતાં.
2 રાજાએ સીબાને પૂછ્યું, “આ બધાં વાનાં તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું, “ગધેડાં રાજાના કુટુંબના મણસોને સવારી કરવા માટે, રોટલી તથા ઉનાળાનાં ફળ જુવાનોને ખાવા, અને દ્રાક્ષારસ રાનમાં જે નિર્ગત જાય તેઓને પીવા માટે છે.”
3 રાજાએ પૂછ્યું, “તારા ધણીનો દિકરો ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “જુઓ, તે યરુશાલેમમાં રહેલો છે; કેમ કે તે માને છે કે, હવે ઇઝરાયલી લોકો મારા પિતાનું રાજ્ય મને પાછું સોંપશે”
4 ત્યારે રાજાએ સીબાને કહ્યું, “જે બધું મફીબોશેથનું છે તે હવે તારું છે.” સીબાએ કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, હું આપને નમું છું. મારા પર આપની કૃપાદષ્ટિ રહો.”
5 દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ, જે ગેરાનો દિકરો હતો, ને જે શાઉલનાં સગાંમાંનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ આપતો આપતો સામો આવ્યો.
6 તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા. દાઉદના સર્વ માણસો તથા સર્વ યોદ્ધાઓ દાઉદને જમણે તથા ડાબે પડખે હતા.
7 શિમઈએ શાપ આપતાં આમ કહ્યું, હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રહે, જતો રહે.
8 તેં શાઉલનું રાજ્ય પચાવી પાડ્યું છે, પણ યહોવા તેના કુટુંબના ખૂનનો બદલો હવે તારી પાસેથી લઈ રહ્યા છે. અને યહોવાએ તારા દિકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. અને તું તો તારી પોતાની દુષ્ટતામાં સપડાયો છે, કેમ કે તું ખુની માણસ છે.”
9 ત્યારે સરુયાના દિકરા અબિશાયે રાજાને કહ્યું, “આ મૂએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ આપે? કૃપા કરીને મને જવા દો કે, હું તેનું માથું કાપી નાખું.”
10 રાજાએ કહ્યું, “હે સરુયાના દિકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો, અને યહોવાએ તેને કહ્યું છે, ‘દાઉદને શાપ આપ;’ તો એવું કોણ કહી શકે કે તેં એમ કેમ કર્યું છે?”
11 દાઉદે અબિશાયને તથા પોતાના બધા ચાકરોને કહ્યું, “જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માગે છે, તો બિન્યામીની પ્રમાણે કરે એમાં શી નવાઈ? તેને રહેવા દો, તે ભલે શાપ આપે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે.
12 કદાચ યહોવા મારા પર શિમઈ આજે મને આપે છે તેનો સારો બદલો યહોવા મને આપશે.”
13 એમ દાઉદ તથા તેના માણસો માર્ગે માર્ગે ચાલતા હતા, અને શિમઈ સામેના પર્વતની બાજુ પર રહીને તેમની પડખે પડખે ચાલતો હતો, ને ચાલતાં ચાલતાં તે શાપ આપતો હતો, ને તેના પર પથ્થર ફેંકતો ને ધૂળ નાખતો હતો.
14 અને રાજા તથા તેની સાથેના સર્વ લોક થાકી ગયા, તેથી તેમણે ત્યાં વિસામો લીધો.
15 આબ્શાલેમ તથા ઇઝરાયલના બધા લોકો યરુશાલેમમાં આવ્યા, અહિથોફેલ પણ તેની સાથે હતો.
16 અને દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે એમ થયું કે હુશાયે આબ્શાલોમને કહ્યું, “રાજા ઘણું જીવો, રાજા ઘણું જીવો.”
17 એથી આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી કે? તારા મિત્રની સાથે તું કેમ ગયો?”
18 હુશાયે આબ્શાલોમને કહ્યું, “એમ નહિ, પણ જેને યહોવાએ, લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યો છે, તેનો હું થઈશ, ને તેની મદદે રહીશ.
19 વળી મારે કોની ચાકરી કરવી જોઈએ? શું મારે તેના દિકરાની હજૂરમાં સેવા કરવી જોઈએ? જેમ મેં તમારા પિતાની હજૂરમાં સેવા કરી છે, તેમ તમારી હજૂરમાં પણ હું કરીશ.”
20 પછી આબ્શાલોમે અહિથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તમારી સલાહ આપો.”
21 અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “તમારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો. અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે, ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.
22 માટે તેઓએ આબ્શાલોમને માટે ઘરના ધાબા પર તંબુ તાણ્યો. અને સર્વ ઇઝરાયલના જોતાં આબ્શાલોમ પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો.
23 તે સમયમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે ઈશ્વરવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી ગણાતી હતી. દાઉદ તેમ આબ્શાલોમ બન્‍નેની નજરમાં અહિથોફેલની બધી સલાહ એવી હતી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×