Bible Versions
Bible Books

2 Thessalonians 1 (GUV) Gujarati Old BSI Version

1 પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો. તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.
2 દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.
3 અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
5 સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે.
6 દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે.
7 અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે.
8 તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે.
9 તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે.
10 જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતોસાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.
11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો.
12 અમે બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×