Bible Versions
Bible Books

Acts 10 (GUV) Gujarati Old BSI Version

1 હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો.
2 તે ધાર્મિક હતો, અને તે તથા તેના ઘરનાં સર્વ માણસો પણ ઈશ્વરનું ભય રાખતાં; લોકોને તે ઘણાં દાન આપતો, અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.
3 તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે દર્શનમાં ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને, “ઓ કર્નેલ્યસ, એમ કહેતો પ્રત્યક્ષ જોયો.
4 ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું, પ્રભુ, શું છે?” પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે.
5 હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.
6 સિમોન ચમારને ત્યાં તે ઊતર્યો છે, તેનું ઘર સમુદ્રકાંઠે છે.”
7 જે દૂતે તેની સાથે વાત કરી હતી, તેના ગયા પછી તેણે પોતાના ઘરના ચાકરોમાંના બેને, તથા જેઓ સતત તેની તહેનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાઈને બોલાવ્યા.
8 તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને જોપ્પા મોકલ્યા.
9 હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યાં, તેવામાં આશરે બપોરને સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચઢ્યો.
10 તે ભૂખ્યો થયો, અને તેને ખાવાની ઇચ્છા થઈ; પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાંગત થયો.
11 અને આકાશ ખુલ્લું થયેલું તથા એક વાસણ મોટી ચાદરના જેવું તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે જોયું.
12 તેમાં પૃથ્વી પરનાં બધી જાતનાં ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં.
13 ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, “પિતર, ઊઠ; મારીને ખા.”
14 પણ પિતરે કહ્યું, “પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.”
15 ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી, “ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ગણ.”
16 એમ ત્રણ વાર થયું. પછી તરત તે વાસણ આકાશમાં ઉપાડી લેવામાં આવ્યું.
17 હવે જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, વિષે પિતર બહુ ગૂંચવાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા.
18 તેઓએ હાંક મારીને પૂછયું, “સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં ઊતર્યો છે?”
19 હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ તેને કહ્યું “જો, ત્રણ માણસો તને શોધે છે.
20 માટે તું ઊઠ, અને નીચે ઊતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.”
21 ત્યારે પિતર ઊતરીને તે માણસોની પાસે ગયો, અને કહ્યું “જુઓ, જે માણસને તમે શોધો છો તે હું છું તમે શા માટે આવ્યા છો?”
22 ત્યારે તેઓએ કહ્યું, “કર્નેલ્યસ નામે એક સેનાપતિ છે, તે ન્યાયી તથા ઈશ્વરનું ભય રાખનાર માણસ છે, અને તેમને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેમને પવિત્ર દૂતની મારફતે સૂચના મળી છે કે તે તમને પોતાને ઘેર તેડાવીને તમારી વાતો સાંભળે.”
23 ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને પરોણા રાખ્યા. બીજે દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.
24 બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા. તે વખતે કર્નેલ્યસ પોતાનાં સગાંને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની વાટ જોતો હતો.
25 પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેને પગે પડીને તેણે દંડવત પ્રણામ કર્યા.
26 પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું, “ઊભા થાઓ. હું પણ માણસ છું.”
27 તેની સાથે વાતો કરતો કરતો તે અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકત્ર થયેલાં જોયાં.
28 તેણે તેઓને કહ્યું, “તમે પોતે જાણો છો કે બીજી પ્રજાના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, યહૂદી માણસને ઉચિત નથી, પણ ઈશ્વરે તે મને દેખાડ્યું છે કે, મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.
29 તેથી જ્યારે મને તેડવામાં આવ્યો, ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો, માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને તેડાવ્યો છે?”
30 કર્નેલ્યસે કહ્યું, “ચાર દિવસ ઉપર હું ઘડી સુધી મારા ઘરમાં ત્રીજા પહોરની પ્રાર્થના કરતો હતો, ત્યારે જુઓ, ચળકતો પોશાક પહેરેલો એક માણસ મારી સામે ઊભો રહ્યો.
31 તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.
32 માટે તું માણસને જોપ્પા મોકલીને સિમોન, જેમનું બીજું નામ પિતર છે, તેમને તારી પાસે તેડાવ. તે સમુદ્રને કાંઠે સિમોન ચમારને ઘેર ઊતરેલા છે.’
33 માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”
34 ત્યારે પિતરે વાત શરૂ કરતાં કહ્યું, “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી.
35 પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.
36 ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી,
37 એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી માંડીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો.
38 એટલે નાઝરેથના ઈસુની વાત કે જેમને ઈશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
39 તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કામો કર્યાં તે સર્વના અમે સાક્ષી છીએ, વળી તેમને તેઓએ વધસ્તંભે જડીને મારી નાખ્યા.
40 તેમને ઈશ્વરે ત્રીજે દિવસે ઉઠાડ્યા, અને સર્વ લોકોની આગળ નહિ,
41 પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા જે સાક્ષીઓએ તેમના મૂએલાંમાંથી ઊઠ્યા પછી તેમની સાથે ખાંધુપીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા.
42 તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વરે એમને જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ ઠરાવેલા છે.
43 તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.”
44 પિતર વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઊતર્યો.
45 ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે જોઈને સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા.
46 કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા, તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા.
47 ત્યારે પિતરે કહ્યું, “આપણી જેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે?”
48 તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી. પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×