Bible Versions
Bible Books

Acts 17 (GUV) Gujarati Old BSI Version

1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.
2 પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો, અને ત્રણ વિશ્રામવાર તેણે ધર્મશાસ્‍ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદવિવાદ કર્યો.
3 તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું આવશ્યક હતું. અને એવું પણ કહ્યું કે, “જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે ખ્રિસ્ત છે.”
4 ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્‍ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યાં.
5 પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
6 પણ તેઓને તેઓ જડ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસડી લઈ જઈને તેઓએ બૂમ પાડી, “જેઓએ જગતને ઊથલપાથલ કર્યું છે, તેઓ અહીં પણ આવ્યા છે”
7 તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ બધાં કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, “ઈસુ નામે બીજો એક રાજા છે.”
8 તેઓની વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9 ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.
11 થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, વાતો એમ છે કે નહિ, વિષે નિત્ય ધર્મશાસ્‍ત્રનું શોધન કરતા હતા.
12 એથી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તેમ આબરૂદાર ગ્રીક સ્‍ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ વિશ્વાસ કર્યો.
13 પણ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરનું વચન બેરિયામાં પણ પ્રગટ કરે છે ત્યારે તેઓ ત્યાં પણ આવ્યા, અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા.
14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્રકિનારે મોકલી દીધો. પણ સિલાસ તથા તિમોથી ત્યાં રહ્યા.
15 પણ પાઉલના વળાવનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો, પછી સિલાસ તથા તિમોથીને માટે તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા.
16 પાઉલ આથેન્સમાં એમની વાટ જોતો હતો તે દરમિયાન તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો આત્મા ઊકળી આવ્યો.
17 તેથી તે સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, અને ચૌટામાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક મત માનનારા કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે ની વાત પ્રગટ કરતો હતો.
19 તેઓએ તેને એરિયોપાગસમાં લઈ જઈને કહ્યું, “તું જે નવો ઉપદેશ કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20 કેમ કે તું અમને કેટલીક નવીન વાતો સંભળાવે છે. માટે અમે એમનો અર્થ જાણવા ઇચ્છીએ છીએ.”
21 (હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કંઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા નહોતા.)
22 પછી પાઉલે એરિયોપાગસની વચ્ચે ઊભા થઈને કહ્યું, “આથેન્સના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
23 કેમ કે માર્ગે ચાલતાં ચાલતાં જે દેવદેવીઓ ને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર ‘અજાણ્યા દેવના માનમાં’ એવો એક લેખ કોતરેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
24 જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્‍ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી;
25 તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.
26 તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.
27 જેથી તેઓ ઈશ્વરને શોધે કે, કદાચ તેઓ તેમને માટે ફંફોસીને તેમને પામે, પરંતુ તે આપણામાંના કોઈથી વેગળા નથી.
28 કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.
29 હવે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ માટે આપણે એમ ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે.
30 અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ચલાવી લીધું ખરું, પણ હવે સર્વ સ્થળે સર્વ માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે,
31 કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”
32 જ્યારે તેઓએ મૂએલાંઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે ઠઠ્ઠામશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું, “અમે સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.”
33 એવી રીતે પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો.
34 પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો, તેઓમાં એરિયોપાગસનો સભ્ય દીઓનુસીઅસ તથા દામરિસ નામે એક સ્‍ત્રી, અને તેઓ સિવાય બીજા પણ હતા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×