Bible Versions
Bible Books

Colossians 4 (GUV) Gujarati Old BSI Version

1 માલિકો, આકાશમાં તમારો પણ માલિક છે, એવું સમજીને તમે તમારા દાસો સાથે ન્યાયથી તથા સમભાવથી વર્તો.
2 પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો, અને તેમાં આભારસ્તુતિ કરીને જાગૃત રહો.
3 ખ્રિસ્તના જે મર્મને માટે હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનો ઉપદેશ કરવાનું દ્વાર ઉઘાડે તે માટે અમારે સારું પણ પ્રાર્થના કરો.
4 કે, જેથી જેમ મારે બોલવું જોઈએ તેમ હું તે પ્રગટ કરું.
5 જેઓ બહાર છે તેઓની સાથે ડહાપણથી વર્તો. સમયનો સદુપયોગ કરો.
6 તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય કે, જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો તમે જાણો.
7 પ્રભુમાં વહાલો ભાઈ તથા વિશ્વાસુ સેવક તથા સાથીદાર તુખીકસ મારા વિષેની સર્વ હકીકત તમને જણાવશે.
8 તમે અમારી સ્થિતિ જાણો, અને તે તમારા હ્રદયને દિલાસો આપે, માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
9 તમારામાંના વિશ્વાસુ તથા વહાલા ભાઈ ઓનેસીમસને પણ તેની સાથે મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.
10 મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક (જેને વિષે તમને આજ્ઞા મળી છે, તે જો તમારી પાસે આવે તો તેનો અંગીકાર કરજો),
11 અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, જેઓ સુન્‍નતીઓમાંના છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. તેઓ એકલા ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે. તેઓ મને દિલાસારૂપ થયા છે.
12 એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.
13 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે, વિષે હું સાક્ષી આપું છું.
14 વહાલો વૈદ લૂ. તથા દેમાસ તમને ક્ષેમકુશળ કહે છે.
15 લાઓદિકિયામાં ભાઈઓને, નુમ્ફાને તથ તેમના ઘરમાંની મંડળીને ક્ષેમકુશળ કહેજો.
16 તમે પત્ર વાંચ્યા પછી લાઓદિકિયાની મંડળીમાં પણ વંચાવજો. અને લાઓદિકિયાથી જે પત્ર આવે તે તમે વાંચજો.
17 વળી આર્ખિપસને કહેજો કે, પ્રભુમાં જે સેવા કરવાનું કામ તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.
18 હું પાઉલનું મારે હાથે લખેલું ક્ષેમકુશળ વાંચજો. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા થાઓ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×