Bible Versions
Bible Books

Exodus 14 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોને કહે, તમે પાછા ફરીને બાલસફોનની સામેના પીહહીરોથની સામે મિગ્દોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો, એટલે તેની સામે સમુદ્રકાંઠે તમે છાવણી કરો.
3 અને ફારુન ઇઝરાયલીઓ વિષે કહેશે કેમ તેઓ દેશમાં ગૂંચવાઈ ગયા છે. અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે.
4 અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.
5 અને મિસરના રાજાએ ખબર મળી કે લોકો નાસી ગયા છે. અને ફારુન તથા તેના સેવકોનું મન લોકો વિષે ફરી ગયું, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલને અમારી ચાકરીમાંથી જવા દઈને અમે શું કર્યું?”
6 અને તેણે પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના લોકોને સાથે લીધા.
7 અને તેણે ચૂંટી કાઢેલા છસો રથ અને મિસરના બીજા સર્વ રથો, તથા તે બધાના ઉપર સરદારો લીધા.
8 અને યહોવાએ મિસરના રાજા ફારુનનું હૈયું હઠીલું કર્યું, ને તે ઇઝરાયલીઓની પાછળ પડયો; કેમ કે ઇઝરયલી લોકો નીડરપણે નીકળ્યઅ હતા.
9 અને મિસરીઓ તથા ફારુનના બધા ઘોડા તથા રથો તથા તેના સવારો તથા તેનું સૈન્ય તેઓની પાછળ પડયાં, ને તેઓ બાલસફોનની સામેનઅ પીહાહીરોથની સામે સમુદ્રકાંઠે છાવણી નાખીને પડેલા હતા, ત્યાં તેઓએ તેમને પકડી પાડયા.
10 અને ફારુન નજીક આવ્યો, ત્યારે ઇઝરાયલીઓએ નજર કરી તો, જુઓ, મિસરીઓ તેમની પાછળ ધસી આવતા હતા; અને તેઓ બહુ બીધા. અને ઇઝરાયલી લોકોએ પહોવા પ્રત્યે પોકાર કર્યો.
11 અને તેઓએ મૂસાને કહ્યું, “શું મિસરમાં કબરો નહોતી કે તું અમને મિસરમાંથી કાઢી લાવીને તું પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો?
12 અમે શું મિસરમાં તને એવી વિનંતી નહોતી કરી કે અમને તો મિસરીઓની ચાકરી કરવા દે? કેમ કે અરણ્યમાં મરવા કરતાં મિસરીઓનું દાસપણું કરવું અમને ઠીક પડત.”
13 અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.
14 યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.”
15 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલીઓને કહે કે, તેઓ આગળ ચાલે.
16 અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના બે ભાગ પાડી નાખ, અને ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે.
17 અને જો, હું તો મિસરીઓનું હ્રદય હઠીલું કરીશ, ને તેઓ તેમની પાછળ ધસશે; અને હું ફારુન તથા તેનાં સર્વ સૈન્ય તથા તેના રથો તથા તેના સવારો પર મહિમા પામીશ.
18 અને જયારે ફારુન તથા તેના રથો તથા તેના સવારો પર હું મહિમા પામીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”
19 અને ઈશ્વરનો જે દૂત ઇઝરાયલના સૈન્યની આગળ ચાલતો હતો, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો; અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.
20 અને તે મિસરીઓના સૈન્ય તથા ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવી રહ્યો; અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. અને તે આખી રાત એક સૈન્ય બીજાની પાસે નહોતું આવતું.
21 અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે ભાગ થઈ ગયા.
22 અને ઇઝરાયલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા; અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.
23 અને મિસરીઓએ તેમનો પીછો પકડયો, ને ફારુનના સર્વ ઘોડા, તેના રથો તથા તેના ઘોડે સવારો સહિત તેમની પાછળ સમુદ્રની મધ્યે ગયા.
24 અને એમ થયું કે સવારના પહોરમાં યહોવાએ અગ્નિ તથા મેઘસ્તંભમાંથી મિસરીઓના સૈન્ય ઉપર નજર કરીને મિસરીઓના સૈન્યનો પરાજય કર્યો.
25 અને તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડયું; અને તેથી મિસરીઓએ કહ્યું “આપણે ઇઝરાયલની આગળથી નાસીએ; કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરુદ્ધ લડે છે.”
26 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારો હાથ સમુદ્ર તરફ લંબાવ, માટે કે મિસરીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે.”
27 અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો, ને પરોઢ થતાં સમુદ્ર પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો; અને મિસરીઓ તેની સામેથી નાઠા; અને યહોવાએ મિસરીઓને સમુદ્રની મધ્યે ડુબાડી દીધા.
28 અને પાણી પાછાં વળીને રથો તથા સવારો તથા તેમની પાછળ સમુદ્રમાં ગયેલા ફારુનના સમગ્ર સૈન્ય ઉપર ફરી વળ્યાં. તેઓમાંથી એક પણ બચ્યો નહિ.
29 પણ ઇઝરાયલી લોકો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલ્યા ગયા; અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.
30 એવી રીતે તે દિવસે યહોવાએ ઇઝરાયલને મિસરીઓના હાથમાંથી બચાવ્યા; અને ઇઝરાયલે સમુદ્રકાંઠે મિસરીઓને મરી ગયેલા દીઠા.
31 અને યહોવાએ મિસરીઓ વિરુદ્ધ કરેલું અદભૂત કૃત્ય ઇઝરાયલે જોયું, ત્યારે તે લોકો યહોવાથી બીધા; અને યહોવા પર તથા તેમના સેવક મૂસા પર તેમનો વિશ્વાસ બેઠો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×