Bible Versions
Bible Books

Ezra 8 (GUV) Gujarati Old BSI Version

1 હવે આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીમાં જેઓ મારી સાથે બાબિલથી આવ્યા તેઓના પોતૃઓનાં કુટુંબોના વડીલોની વંશાવળી છે:
2 ફીનહાસના વંશજોમાંનો ગેર્શોમ; ઇથામારના વંશજોમાંનો દાનિયેલ; દાઉદના વંશજોમાંનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.
3 પારોશના વંશજોમાંનો ઝખાર્યા; તેની સાથે વંશાવળી પ્રમાણે એકસો પચાસ પુરુષો નોંધાયા હતા.
4 પાહાથ-મોઆબના વંશજોમાંનો ઝરાહ્યાનો પુત્ર એલિહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.
5 શખાન્યાના વંશજોમાંનો યાહઝીએલનો પુત્ર; તેની સાથે ત્રણસો પુરુષો હતા.
6 આદીનના વંશજોમાંનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.
7 એલામના વંશજોમાંના અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.
8 શફાટ્યાના વંશજોમાંના મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંશી પુરુષો હતા.
9 યોઆબના વંશજોમાના યહીએલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે બસો અઢાર પુરુષો હતા.
10 શલોમીથના વંશજોમાંના યોસિફિયાનો પુત્ર; તેની સાથે એકસો સાઠ પુરુષો હતા.
11 બેબાયના વંશજોમાંના બેબાયનો પુત્ર ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.
12 અઝગાદના વંશજોમાંના હાકાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એકસો દશ પુરુષો હતા.
13 છેલ્લા અદોનિકામના પુત્રો હતા; તેઓના નામ છે: અલિફેલેટ, યેઉએલ, શમાયા, ને તેઓની સાથે સાઠ પુરુષો હતા.
14 બિગ્વાયના વંશજોમાંના ઉથાઇ તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.
15 આહવા નદીને કાંઠે મેં તેઓને એકત્ર કર્યા. ત્યાં અમે ત્રણ દિવસ મુકામ કર્યો. મેં લોકોની તથા યાજકોની તપાસ કરી, અને લેવીપુત્રોમાંનો કોઈ પણ ત્યાં મારા જોવામાં આવ્યો નહિ.
16 ત્યારે મેં મુખ્ય માણસોને, એટલે અલીએઝેરને, અરીએલને, શમાયાને, એલ્નાથાનને, યારીબને, નાથાનને, ઝખાર્યાને તથા મશુલ્લામને તેડાવ્યા. તેમ યોયારીબ તથા એલ્નાથાન બોધકોને પણ તેડાવ્યા.
17 કાસિફિયા નામે જગાના મુખ્ય માણસ ઈદ્દો પાસે મેં તેઓને મોકલ્યા. અને ઈદ્દોને તથા કાસિફિયા જગામાંના તેના ભાઈઓ નથીનીમને શું કહેવું મેં તેઓને કહ્યું, જેથી તેઓ અમારા ઈશ્વરના મંદિરને માટે અમને સેવકો લાવી આપે.
18 અમારા પર અમારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ હોવાથી તેઓ અમારી પાસે નીચે લખેલાઓને લાવ્યા, અને ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીના પુત્રોમાંના એક સમજુ માણસને; શેરેબ્યા તથા તેના પુત્રો તથા તેના ભાઈઓ બધા મળી અઢારને;
19 હશાબ્યાને, તથા તેની સાથે મરારીના પુત્રોમાંના યશાયાને તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળી વીસને;
20 દાઉદે તથા તેના સરદારોએ લેવીઓની સેવાને માટે જે નથીનીમને નીમ્યા હતા, તેઓમાંના બસો વીસને; બધાનાં નામ દર્શાવેલાં હતાં.
21 તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે, અમારા ઈશ્વરની આગળ દીન થઈને અમારે પોતાને માટે, અમારાં બાળકોને માટે તથા અમારી સર્વ માલમિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.
22 કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો રાજાની પાસેથી માંગતા મને શરમ લાગી:કેમ કે અમે રાજાને કહ્યું હતું, “અમારા ઈશ્વરનો હાથ તેને શોધનાર બધા ઉપર હિતકારક છે; પણ તેમનું સામર્થ્ય તથા તેમનો કોપ તેમને ત્યાગનાર બધા ઉપર છે.”
23 માટે અમે ઉપવાસ કરીને ઈશ્વરને વિનંતી કરી. તેમણે અમારા કાલાવાલા સાંભળ્યા.
24 પછી મેં યાજકોના સરદારોમાંથી બારને, એટલે શેરેબ્યાને, હશાબ્યાને તથા તેઓની સાથે તેઓના ભાઈઓમાંના દશને જુદા કાઢયા.
25 અને તેઓને જે સોનુંરૂપું તથા પાત્રો અમારા ઈશ્વરના મંદિરને માટે રાજાએ, તેના મંત્રીઓએ, સરદારોએ તથા ત્યાં હાજર રહેલા સર્વ ઇઝરાયલીઓએ અર્પ્યા હતાં, તે સર્વ તોળી આપ્યાં.
26 મેં તેઓના હાથમાં છસો પચાસ તાલંત રૂપું, એકસો તાલંત રૂપાનાં પાત્રો, એકસો તાલંત સોનું,
27 એજ હજાર દારીક વજનના સોનાના વીસ વાટકા, અને સોના જેવાં કિંમતી ઉત્તમ ચળકતા પિત્તળનાં બે પાત્રો, તોળી આપ્યાં.
28 મેં તેઓને કહ્યું, “તમે યહોવાને માટે પવિત્ર છો, પાત્રો પવિત્ર છે; સોનુંરૂપું તમારા પિતૃઓના ઈશ્વર યહોવાને માટે ઐચ્છિકાર્પણ છે.
29 યરુશાલેમમાં યહોવાના મંદિરના ઓરડાઓમાં યાજકો, લેવીઓ, સરદારો અને ઇઝરાયલીઓના પિતૃઓનાં કુટુંબોના સરદારોની આગળ તમે તે તોળી આપો ત્યાં સુધી સાવધ રહીને તેને સંભાળો.”
30 સર્વ સોનુંરૂપું તથા પાત્રો યરુશાલેમમાંના અમારા ઈશ્વરના મંદિરમાં લઈ જવા માટે યાજકોને તથા લેવીઓને તોળી આપવામાં આવ્યાં.
31 ત્યાર પછી પહેલા માસને બારમે દિવસે અમે યરુશાલેમ જવા માટે આહવા નદી પાસેથી નીકળ્યા. અમારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ અમારા પર હતી, એટલે તેમણે અમને શત્રુઓના તથા રસ્તામાં છુપાઈ રહેનારાઓના હાથમાંથી બચાવ્યા.
32 અમે યરુશાલેમ પહોંચીને ત્યાં ત્રણ દિવસ રહ્યા.
33 ચોથે દિવસે અમારા ઈશ્વરના મંદિરમાં સોનુંરૂપું તથા પાત્રો ઊરિયા યાજકના પુત્ર મરેમોથના હાથમાં તોળી આપવામાં આવ્યાં. તેની સાથે ફીનહાસનો પુત્ર એલાઝાર હતો. તેઓની સાથે યેશૂઆનો પુત્ર યોઝાબાદ તથા બિન્નઈનો પુત્ર નોઆદ્યા, લેવીઓ હતા
34 બધું ગણીને તથા તોળીને આપવામાં આવ્યું. તે સમયે સર્વનું તોલ લખી લેવામાં આવ્યું.
35 બંદીવાસમાંથી જે લોક પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટકે સર્વ ઇઝરાયલીઓને માટે બાર ગોધા, છન્નુ મેંઢા, સિત્તોતેર હલવાન, અને પાપાર્થાર્પણને માટે બાર બકરા; સર્વ યહોવાને માટે દહનીયાર્પણ હતું.
36 તેઓએ રાજાના નદી પારના કારભારીઓને તથા સૂબાઓને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેથી તેઓએ લોકને તથા ઈશ્વરના મંદિરના કામને ઉત્તેજન આપ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×