Bible Versions
Bible Books

Hosea 5 (GUV) Gujarati Old BSI Version

1 હે યાજકો, તમે સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.
2 બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તે સર્વને ઠપકો આપનારો છું.
3 હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, ને ઇઝરાયલ વટળ્યો છે.
4 તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતાં રોકશે; કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હ્રદય છે, ને તેઓને યહોવાનું જ્ઞાન નથી.
5 ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તે માટે ઇઝરાયલ ને એફ્રાઈમ પોતાના અન્યાયથી ઠોકર ખાઈને પડી જશે. યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે.
6 તેઓ પોતાનાં ઘેટાંબકરાં તથા પોતાનાં ઢોરઢાંક લઈને યહોવાની શોધ કરવા જશે; પણ તે તેઓને મળશે નહિ. તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
7 તેઓએ યહોવાની વિરુદ્ધ કપટ કર્યું છે; કેમ કે તેઓએ પારકાના પેટના છોકરાંને જન્મ આપ્યો છે; હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેઓનાં વતનો સહિત સ્વાહા કરી જશે.
8 ગિબયામાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો; બેથ-આવેનમાં ભયસૂચક કરણાટ વગાડો; ‘હે બિન્યામીન, તારી પછવાડે.’
9 શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું છે તે મેં ઇઝરાયલનાં કુળોને જાહેર કર્યું છે.
10 યહૂદિયાના અમલદારો બાણ ખસેડનારાઓના જેવા છે; હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડીશ.
11 એફ્રાઈમ ચગદાઈ ગયો છે, ને ઇનસાફની રૂએ કચડાઈ ગયો છે; કેમ કે તે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો.
12 તેથી હું એફ્રાઈમને કંસારીરૂપ છું, ને યહૂદિયાના લોકોને સડારૂપ છું.
13 જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.
14 કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંગરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું, હા, હું ફાડી નાખીને જતો રહીશ; હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહિ.
15 તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×