Bible Versions
Bible Books

Hosea 9 (GUV) Gujarati Old BSI Version

1 હે ઇસ્રાએલ, બીજા રાષ્ટોનાં લોકોની જેમ આનંદ કર. આનદ કરીશ, કારણકે તમે તમારા દેવ યહોવાને વિશ્વાસુ નથી રહ્યાં. જમીનનાં એક છેડાથી બીજા છેડા સુધી તમે પોતે વારાંગનાની જેમ બઆલ દેવને વેચાયા છો. તમે સમજતા હતા કે, બઆલની સેવા કરવાથી તમને અનાજનો સારો પાક મળશે.
2 પણ થોડા સમયમાં અનાજ, ને તેલના સાંસા પડશે, ને દ્રાક્ષાનો પાક નિષ્ફળ જશે.
3 ઇસ્રાએલના લોકો યહોવાની ભૂમિમાં રહી શકશે નહિ. તેમણે પાછા મિસર જવું પડશે. આશ્શૂરમાં તેમણે નિષિદ્ધ અન્ન ખાવું પડશે.
4 ત્યાં તેઓ યહોવાને દ્રાક્ષાસવ નહિ અપીર્ શકે. તેઓ તેમના બલિદાનો દેવને રાજી નહિ કરે. તેમના બલિદાનો શોક કરનારાઓના આહાર જેવું હશે. તે ખાશે તેઓ અપવિત્ર બની જશે. તેમનું અન્ન કેવળ ભૂખ શમાવવા પૂરતું કામમાં આવશે; અને તે યહોવાના મંદિરમાં ધરાવી નહિ શકાય.
5 તમે મુકરર પર્વના દિવસોમાં એટલે યહોવાના ઉત્સવોના દિવસોમાં શું કરશો?
6 પ્રશ્ર્ન હું પુછું છું; કેમકે મોટા વિનાશના કારણે ઇસ્રાએલના લોકો દેશ છોડી જશે. તેઓને મિસરમાં ભેગા કરવામા આવશે અને તેમના વંશજોને મેમ્ફિસમાં દફનાવામાં આવશે. તેમના કિંમતી ખજાનાઓ પર કાંટાળા છોડ ઉગશે અને તેમના મંડપો પર કાંટા ઉગશે.
7 શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇસ્રાએલ તે જાણશે; ‘પ્રબોધકો ઘેલા છે’, “જે માણસમાં દેવનો આત્મા છે તે માનસિક રીતે અસ્થિર છે.”-તેવી તેઓ મશ્કરી કરે છે. સમગ્ર દેશ પાપના ભારથી દબાયેલો છે. દેવને પ્રેમ કરનારા લોકો પ્રત્યે તેઓ ધિક્કાર પ્રદશિર્ત કરે છે.
8 પ્રબોધક તો દેવે નીમેલો ઇસ્રાએલનો રખેવાળ છે, તેમ છતાં હું જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં ત્યાં તેના માર્ગમાં તમે જાળ પાથરો છો. દેવના મંદિરમાં પણ તમે તેમના પ્રત્યે તમારી ઘૃણા દેખાડો છો.
9 ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.”
10 યહોવા કહે છે, “જેમ રણમાં કોઇને દ્રાક્ષ મળે છે તે રીતે મને ઇસ્રાએલ મળ્યું હતું. તમારા પૂર્વજો મને ઋતુનાં પહેલા પાકેલા અંજીર જેવા લાગ્યા હતા. પણ જ્યારે તેઓ બઆલ-પેઓર પહોંચ્યા ત્યારે તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા અને તેઓ તે ભયંકર વસ્તુઓ (જૂઠા દેવો) જેવા થઇ ગયા, જેને તેઓ પ્રેમ અને પૂજા કરતા હતા.
11 ઇસ્રાએલની કીતિર્ પંખીની જેમ ઊડી જશે; તેમના સંતાનો જન્મ સમયે મૃત્યુ પામશે અથવા કોઇને ગર્ભ રહેશે નહિ.
12 તેઓ કદાચ બાળકો ઉછેરશે, તો પણ હું તેમને હળી લઇશ. એકનેય હું જીવતું રહેવા દઇશ નહિ. હું તમારી વિમુખ થઇશ અને તમને એકલા તરછોડી દઇશ. તે દિવસ ઘણો દુ:ખદ હશે.
13 જ્યારે મેં પહેલીવાર જોયું ત્યારે એફ્રાઇમ એક ફળદ્રુપ ધરતી પર રોપેલા તાડના વૃક્ષ જેવું લાગતું હતું, પણ હવે એફ્રાઇમ તેના સંતાનોને યુદ્ધમાં મરવા માટે મોકલવા બહાર લાવશે.
14 હે યહોવા, તેમની મદદ કરો. પણ તમે તેમને શું આપશો? બાળ ગુમાવે એવું ઉદર અને દૂધ વગરના સ્તન તેમને આપો.
15 યહોવા કહે છે, “ગિલ્ગાલમાં તેઓના બધા ખરાબ કાર્યો જાણીતા થયા. ત્યાં હું તેમને ધિક્કારવા લાગ્યો. તેમના દુષ્કૃત્યોને કારણે હું તેમને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેમના પર પ્રેમ નહિ રાખું. તેમના બધા શાષકો મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
16 ઇસ્રાએલને સડો લાગ્યો છે, તેના મૂળીયાં સુકાઇ ગયા છે, એને ફળ નહિ આવે; અને તેમને સંતાન થાય તો પણ હું તેમના વહાલાં સંતાનોનો સંહાર કરીશ.”
17 મારા દેવ ઇસ્રાએલના માણસોને ફગાવી દેશે, કારણ કે, તેમણે તેમની વાત કાને ધરી નથી, અને તેઓ તેમને આધીન પણ થયાં નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે ભટકનારા ઘર વિનાના યહૂદીઓ થશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×