Bible Versions
Bible Books

Isaiah 21 (GUV) Gujarati Old BSI Version

1 સમુદ્ર નજીકના વેરાન પ્રદેશને લગતી દેવવાણી: દક્ષિણમાં વાવંટોળિયાના સુસવાટાની જેમ, રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી સૈન્ય આવી રહ્યું છે.
2 મેં એક દુ:ખદાયી સંદર્શન જોયું છે; વિશ્વાસઘાતી છેતરતો જાય છે અને વિધ્વંસી વિનાશ કર્યે જાય છે. કોઇ કહે છે, “હે એલામ, ચઢાઇ કર! ઘેરો ઘાલ; હે માદાય! હું બાબિલને આપેલા દુ:ખભર્યા નિ:સાસાનો અંત લાવીશ.”
3 તે જોઇને વેદનાથી મારા અંગો કળે છે, પ્રસૂતાની પીડા જેવી પીડા મને ઘેરી વળે છે, હું એવો બાવરો થઇ ગયો છું કે કશું સાંભળી શકતો નથી, એવો ભયભીત થઇ ગયો છું કે કશું જોઇ શકતો નથી.
4 મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું, જે સંધ્યાને હું ઝંખતો હતો તે મને ભયથી થથરાવી રહ્યો છે.
5 ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે, જાજમ પથરાઇ ગઇ છે, “લોકો ખાય છે, પીએ છે,” ત્યાં હુકમ છૂટે છે. “સરદારો ઊઠો, યુદ્ધ માટે ઢાલોને તૈયાર કરો.”
6 પછી યહોવા મારા દેવે મને એમ કહ્યું કે, “જા, ચોકીદાર ગોઠવી દે; અને એને કહે કે જે જુએ તેની ખબર કરે.
7 જો તે બબ્બેની હારમાં ઘોડેસવારોને આવતા જુએ, માણસોને ગધેડા પર અને ઊંટ પર બેસીને આવતા જુએ, તો ખૂબ ધ્યાનથી નજર રાખે.”
8 પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો, “હે યહોવા મારા પ્રભુ, હું આખો દિવસ ચોકીના બુરજ પર ઊભો રહું છું, આખી રાત હું મારી જગાએ ઊભો રહી ચોકી કરુ છું.
9 જુઓ, મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.” તેણે ઉત્તરમાં કહ્યું, “બાબિલ પડ્યું છે, પડ્યું છે; તેના દેવોની બધી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને ભોંયભેંગી કરી છે.”
10 હે મારા ઝુડાયેલા લોકો, તમને ઝુડવામાં અને ઝાટકવામાં આવ્યા છે, પણ હવે સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના દેવ પાસેથી મેં જે સાંભળ્યું છે, મેં તે તમને જણાવ્યું છે.
11 દૂમાહને લગતી દેવવાણી. મને કોઇક આદોમથી વારંવાર પૂછી રહ્યું છે, “હે ચોકીદાર, આજે રાત્રે શું બની રહ્યું છે? હે ચોકીદાર, આજે રાત્રે શું બની રહ્યું છે?”
12 ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ, જો તમારે પૂછવું હોય તો પૂછો; પાછા આવો.”
13 અરબસ્તાન વિષે દેવવાણી: હે દેદાનના કાફલાઓ, તમે અરબસ્તાનના ઝાંખરાઓ વચ્ચે રાત પસાર કરશો.
14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો; ભાગી આવેલાઓને સામે જઇને રોટલો આપો!
15 કારણ, લોકો તરવારથી, તાતી તરવારથી, ખેંચેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધથી ભાગીને આવ્યા છે.
16 પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.
17 અને કેદારના શૂરવીર ધનુર્ધારીઓમાંના થોડા બાકી રહેશે.” ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×