Bible Versions
Bible Books

Isaiah 30 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાએ કહેલું છે, “અફસોસ છે બળવાખોર આગેવાનોને! તેઓ યોજના કરે છે, પણ મારી નહિ; તેઓ પાપ પર પાપ ઉમેરવા માટે પેયાર્પણ રેડે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ;
2 તેઓ મને પૂછયા વિના ફરુનના બળથી બળવાન થવા માટે, તથા મિસરની છાયામાં શરણ મેળવવા માટે મિસરમાં ચાલ્યા જાય છે!
3 તેથી ફારુનનું બળ લજ્જારૂપ, ને મિસરની છાયાનું શરણ તમને અપજશરૂપ થશે.
4 જો કે તેના સરદારો સોઆનમાં છે, અને તેના એલચીઓ હાનેસ પહોંચ્યા છે;
5 તોપણ જે લોકોથી તેમને મદદ મળવાની નથી, જેઓ સહાયકારક ને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેમનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”
6 દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
7 પણ મિસર ની સહાય વૃથા છે, તેની સહાય નકામી છે; તે માટે મેં તેનું નામ ‘બેસી રહેનારી રાહાબ’ પાડયું છે.
8 પ્રભુએ મને કહ્યું, “હવે ચાલ, તેઓની રૂબરૂ પત્ર પર તે લખ, ને પુસ્તકમાં નોંધી રાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.
9 કેમ કે લોકો બળવાખોર લબાડ છોકરા છે, તેઓ યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છોકરાઓ છે.
10 તેઓ દષ્ટાઓને કહે છે, ‘તમે દર્શન કરશો નહિ’ અને પ્રબોધકાને કહે છે, ‘તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો;
11 માર્ગમાંથી નીકળી જાઓ, રસ્તા પરથી બાજુએ ખસી જાઓ, અમારી આગળથી ઈઝરાયલના પવિત્ર ઈશ્વર ને દૂર કરો.’”
12 તે માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર એવું કહે છે, “તમે વાતને તુચ્છકારો છો, ને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો રાખો છો, ને તેઓ પર આધાર રાખો છો;
13 માટે અપરાધ ઊંચી ભીંતમાં પહોળી પડેલી ફાટ જેવો છે, જેથી તે પળવારમાં અકસ્માત તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.
14 કુંભારનું હાલ્લું તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાંગી નાખશે, ને દયા રાખ્યા વગર તેના ચૂરેચૂરા એવી રીતે કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે, ને ટાકાંમાંથી પાણી કાઢવા માટે ઠીકરું સરખુંયે મળશે નહિ.”
15 પ્રભુ યહોવા ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર કહે છે, “પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા ભરોસો રાખવાથી તમને સામર્થ્ય મળશે.” પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.
16 ઊલટું તમે કહ્યું, “ના અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના!” તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું કે, “અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના!” તે માટે જેઓ તમારી પાછળ પડનારા છે તેઓ પણ વેગવાન થશે.
17 તમે એકની ધમકીથી એક હજાર નાસી જશો; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો; અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા, ને ડુંગર પર નિશાનના જેવા થોડાંજ રહી જશો.
18 તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.
19 હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ; તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે કરશે; તે સાંભળતાં તને ઉત્તર આપશે.
20 પ્રભુ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપશે, તો પણ તારો શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે.
21 જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ છે, તે પર તમે ચાલો.”
22 વળી તમે તમારી રૂપાની મૂર્તિઓ પર મઢેલા પડને, તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે; તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”
23 જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. તે દિવસે તારાં ઢોર મોટા બીડમાં ચરશે.
24 ભૂમિ ખેડનાર બળદ તથા ગધેડા સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો હશે તે ખાશે.
25 વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે ત્યારે સર્વ ઊંચા પર્વત પર ને સર્વ ઊંચા ડુંગર પર નાળાં ને પાણીના પ્રવાહો વહેશે.
26 ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે, ને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવા પોતાના લોકોના ઘાને પાટો બાંધશે, ને તેના જખમનો ઘા સાજો કરશે તે દિવસે એમ થશે.
27 જુઓ, યહોવા પોતે બળતા રોષ તથા ગોટેગોટા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે! તેમના હોઠો કોપથી ભરેલા છે, ને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
28 તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી સરખો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે. લોકોના મોંમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે.
29 પર્વની રાત્રે જેમ ગાનતાન થાય છે તેમ તમે ગાયન કરશો; અને યહોવાના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.
30 યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે.
31 કેમ કે યહોવાની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
32 યહોવા જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો હરેક ફટકો ડફ તથા વીણા ના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.
33 કેમ કે પૂર્વકાળથી દફનસ્થાન તૈયાર કરી રાખેલું છે; હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; તેણે તેને ઊંડું તથા પહોળું કર્યું છે; એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડાં છે! યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×