Bible Versions
Bible Books

Isaiah 34 (GUV) Gujarati Old BSI Version

1 પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો!
2 કારણ કે યહોવા સર્વ પ્રજાઓ અને તેમની સેનાઓ પર રોષે ભરાયો છે, અને તેણે તેમનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ધાર કર્યો છે.
3 તેમના હત્યા થયેલાંઓનાં શબોને રઝડતાં મૂકી દેવામાં આવશે, અને તે ગંધાઇ ઊઠશે પછી પર્વતો પરથી તેઓનું રકત વહેશે અને ઓગળી જશે.
4 આકાશના બધાં નક્ષત્રો અલોપ થઇ જશે, આકાશ ઓળિયાની જેમ સંકેલાઇ જશે, અને બધાં તારામંડળ દ્રાક્ષનાવેલા પરથી પાંદડા ખરે તેમ ખરી પડશે.
5 “યહોવાની તરવાર આકાશમાં ઝઝૂમી રહી છે, જુઓ, હવે તરવાર યહોવાએ જેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે તે અદોમના લોકો પર ઊતરે છે.
6 યહોવાની તરવાર લોહીથી તરબતર અને ચરબીથી લથબથ જાણે ઘેટાં-બકરાંના બલિના લોહીથી તરબતર અને તેમની ચરબીથી લથબથ થઇ જશે. કારણ, યહોવાએ પાટનગર બોસ્રાહમાં યજ્ઞ માંડ્યો છે અને અદોમમાં ભારે હત્યા શરૂ કરી છે.
7 જંગલી ગોધાઓ અને વાછરડાંઓની જેમ મહા બળવાનોનો નાશ થશે. યુવાનો-પ્રૌઢોનો પણ નાશ થશે. તેઓની ભૂમિ લોહીથી તરબોળ થશે અને તેની ધૂળ ચરબીથી ફળદ્રુપ થશે.
8 કારણ કે, તે યહોવાનો વૈર વાળવાનો દિવસ હશે, સિયોનના શત્રુઓ પર બદલો લેવાનું વર્ષ હશે.
9 અદોમની નદીઓ સળગતાં કોલસા અને ડામરથી ભરાઇ જશે. અને તેની માટી ગંધકની થઇ જશે; અને તેની ભૂમિ બળતા ડામરમાં ફેરવાઇ જશે.
10 અદોમના ન્યાયકાળનો કદી અંત આવશે નહિ. તેનો ધુમાડો સદા ઉપર ચઢયા કરશે. તેની ભૂમિ પેઢી દર પેઢી અરણ્ય જેવી પડી રહેશે; અને કોઇ પણ તેમાં નિવાસ કરશે નહિ.
11 પણ ત્યાં ગીધ અને ઘુવડનો વાસ થશે. યહોવા તેને ખેદાન-મેદાન અને વેરાન બનાવી દેશે.
12 તે જગા ‘ખાલીપણાની ભૂમિ’ કહેવાશે અને તેના રાજા તથા અધિકારીઓ થોડા સમયમાં નાશ પામશે.
13 તેના રાજમહેલમાં અને એના કિલ્લાઓ ઉપર કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે. ત્યાં શિયાળવાની બોડ હશે અને ત્યાં શાહમૃગનો વાસ થશે.
14 ત્યાં રાની બિલાડીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલી બકરીઓ એકબીજાને પોકારશે; અને ત્યાં નિશાચર પ્રાણી આરામ કરવા આવી ભરાશે.
15 ઘુવડો ત્યાં માળો બાંધશે. ઇંડા મૂકશે અને સેવીને બચ્ચાં જન્મતા તેમને પોતાની પાંખોમાં ભેગા કરશે. ત્યાં એક પછી એક સમડીઓ ભેગી થશે.
16 યહોવાના ગ્રંથમાં શોધીને વાંચો; અને યહોવા જે કરવાના છે તે જુઓ. તેમાંની એકપણ વિગત તે બાકી રાખશે નહિ, તેમાનું એક પણ પ્રાણી પોતાના સાથી વગરનું ખબર પડશે નહિ, કારણ કે યહોવા પ્રમાણે બોલ્યા છે અને તેમનો આત્મા તે સર્વને સત્ય પુરવાર કરશે.
17 તેમણે દરેકનો ભાગ ચિઠ્ઠી નાખીને નક્કી કરી આપ્યો છે, તેણે પોતાને હાથે દોરી માપીને તેમને ભૂમિનો ભાગ વહેંચી આપ્યો છે, તેઓ સદાસર્વદા ભોગવશે અને પેઢી દર પેઢી તેમાં નિવાસ કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×