Bible Versions
Bible Books

Isaiah 40 (GUV) Gujarati Old BSI Version

1 તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.
2 યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”
3 સાંભળો, કોઈ એવું પોકારે છે, “જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા ઈશ્વરને માટે સડક સીધી કરો.
4 સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે, ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી, ને ખાડાટેકરા સપાટ મેદાન થઈ જશે.
5 યહોવાનું ગૌરવ પ્રગટ થશે, ને સર્વ માણસો તે જોશે; કેમ કે યહોવાના મુખનું વચન છે.”
6 “પોકાર, એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:
7 ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય ચે; કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે; લોકો ખચીત ઘાસ છે.
8 ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.”
9 હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે અવાજે પોકાર; પોકાર, બીશ નહિ; યહૂદિયાનાં નગરોને કહે, “જુઓ, તમારા ઈશ્વર!
10 જુઓ, પ્રભુ યહોવા વીરની જેમ આવશે, ને તેમનો ભુજ તેમને માટે અધિકાર ચલાવશે; તેમનું ઈનામ તેમની સાથે, ને તેમનું પ્રતિફળ તેમની આગળ છે.
11 ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.
12 કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, ને વેંતથી આકાશ માપી આપ્યું છે, ને કોણે માપામાં પૃથ્વીની ધૂળ મવડાવી છે, ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી પહાડોને તોળ્યા છે?
13 કોણે યહોવાનો આત્મા માપી આપ્યો છે, ને તેમનો મંત્રી થઈને તેમને કોણે શીખવ્યું?
14 તેમણે કોની સલાહ લીધી? કોણે તેમને સમજણ આપી, ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને જ્ઞાન શીખવ્યું? કોણે તેમને બુદ્ધિનો માર્ગ જણાવ્યો?
15 પ્રજાઓ ડોલમાંથી ટપકતા ટીપા જેવી, ને ત્રાજવાની રજ સમાન ગણાયેલી છે! દ્વીપો ઊડી જતી રજકણ જેવા છે!
16 લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, તે પરનાં પ્રાણીઓ યજ્ઞને માટે પૂરતાં નથી.
17 સર્વ પ્રજાઓ પ્રભુની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને શૂન્યરૂપ તથા નહિ જેવી ગણી છે.
18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?
19 મૂર્તિને તો કારીગર ઢાળે છે, ને સોની તેને સોનાથી મઢે છે, ને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે.
20 જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું ઝાડ પસંદ કરે છે; અને હાલે નહિ એવી મૂર્તિને સ્થાપન કરવા માટે તે ચતુર કારીગરને શોધે છે.
21 શું તમે નથી જાણતા? તમે નથી સાંભળતા? દુનિયાના આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી?
22 પ્રભુ તો પૃથ્વી ઉપરના નભોમંડળ પર બિરાજનાર, અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે; તે મલમલ ના પડદાની જેમ આકાશોને પ્રસારે છે, તે રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.
23 અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે; પૃથ્વીના ન્યાયાધીશોને તે શૂન્ય જેવા કરે છે.
24 તેઓ રોપાયા રોપાયા, તેઓ વવાયા વવાયા, તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે, તરત તે તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે, ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.”
25 વળી પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે, હું તેના જેવો ગણાઉં?”
26 તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, બધા તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.
27 યાકૂબ, તું શા માટે કહે છે અને હે ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?
28 તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે; તે નિર્ગત તથા નથી, ને થાકતા પણ નથી; તેમની સમજણ અતકર્ય છે.
29 નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.
30 છોકરા તો નિર્ગત થશે, ને થાકી જશે, અને જુવાનો ઠોકર ખાશે જ;
31 પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×