Bible Versions
Bible Books

Isaiah 47 (GUV) Gujarati Old BSI Version

1 “હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ! હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વગર ભોંય પર બેસ! કેમ કે હવે પછી તું સુકુમાર તથા કોમળ કહેવાશે નહિ.
2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો કાઢ, તારો ઘાઘરો ઊંચો ખોસ, જાંઘ ઉઘાડી કર, નદીઓ ઊતરીને જા.
3 તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.”
4 અમારો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, અને જે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે તે એવું કહે છે.
5 “હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ.
6 હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.
7 વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં વાત ધ્યાનમાં લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.
8 હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું સાંભળ:
9 બન્ને વિપત્તિઓ, એટલે વૈધવ્ય તથા પુત્રહાનિ, એક દિવસે એક ક્ષણમાં તારા પર આવી પડશે; તારાં પુષ્કળ જાદુ છતાં, તથા તારા ઘણા ધંતરમંતર છતાં, તેઓ સંપૂર્ણપણે તારા પર આવશે.
10 તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’
11 માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે.
12 જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.
13 અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.
14 જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
15 જેઓને માટે તું શ્રમ કરતી આવી છે, તેઓ તારે માટે તેવાં થશે; નાનપણતી તારી સાથે વેપાર કરનારાઓ ભટકતા ભટકતા પોતપોતાને સ્થાને જશે; તને બચાવનાર કોઈ મળશે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×