Bible Versions
Bible Books

Isaiah 60 (GUV) Gujarati Old BSI Version

1 ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે.
2 જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવા તારા પર ઊગશે, ને તેમનો મહિમા તારા પર દેખાશે.
3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.
4 તારી દષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો: તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે; તારા પુત્રો દૂરથી આવશે, ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.
5 ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ, ને તારું હ્રદય ઊછળશે ને પ્રફુલ્લિત થશે; કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે, ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
6 ઊંટોનાં ઝુંડ, મિદ્યાન તથા એફાહમાંનાં ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; શેબાથી સર્વ આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે, ને યહોવાનાં સ્તોત્ર જાહેર કરશે.
7 કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.
8 જેઓ વાદળની જે, ને પોતાની બારીઓ તરફ ઊડીને આવતાં કબૂતરની જે, ઊડી આવે છે તેઓ કોણ હશે?
9 ખચીત દ્વીપો મારી રાહ જોશે, અને તારા ઈશ્વર યહોવાના નામની પાસે ને ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ની પાસે તારા પુત્રોને તેમના સોનારૂપા સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે પ્રભુએ તને શોભાયમાન કર્યો છે.
10 પ્રભુ કહે છે “પરદેશીઓ તારા કોટ બાંધશે, ને તેમના રાજાઓ તારી સેવા કરશે; કેમ કે મારા કોપમાં મેં તને માર્યો, પણ મારી કૃપામાં મેં તારા પર દયા કરી છે.
11 વળી મારા દરવાજા નિત્ય ઉઘાડા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ; જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના બંધનમાં રાખેલા રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.
12 જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; હા, તે પ્રજાઓ ખચીત ઉજ્જડ થશે.
13 લબાનોનનું ગૌરવ, -દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ સર્વ-મારા પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારા પગોનું સ્થાન મહિમાવાન કરીશ.
14 જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને યહોવાનું નગર, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર નું સિયોન, કહેશે.
15 તું એવી તજેલી તથા દ્વેષ પામેલી હતી કે, તારામાં થઈને કોઈ જતો નહોતો, તેને બદલે તો હું તને સર્વકાળ વૈભવરૂપ, તથા પેઢી દરપેઢી આનંદરૂપ કરી નાખીશ.
16 તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ ઈશ્વર છું.
17 હું તાંબાને બદલે સોનું લાવીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું લાવીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.
18 તારા દેશમાં બલાત્કારની વાત, તારી સરહદમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ. તું તારા કોટોને તારણ, ને તારા દરવાજાઓને સ્તુતિ એવાં નામ આપીશ.
19 હેવ પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ; અને તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ! પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું, ને તારો ઈશ્વર તારી શોભા થશે.
20 ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહિ, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે, ને તારા શોકના દિવસો પૂરા થશે.
21 વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.
22 છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવા ઠરાવેલે સમયે તે જલદી કરીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×