Bible Versions
Bible Books

Isaiah 9 (GUV) Gujarati Old BSI Version

1 પરંતુ જે ભૂમિ પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.
2 અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.
3 તેં પ્રજાની વૃદ્ધિ કરી છે, તેં તેમનો આનંદ વધાર્યો છે. કાપણિમાં થતા આનંદ પ્રમાણે, તેમ લોક લૂંટ વહેંચતાં હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સમક્ષ આનંદ કરે છે.
4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.
5 સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.
6 કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, નામ આપવામાં આવશે.
7 દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના ઈશ્વર યહોવાની ઉત્કંઠાથી થશે.
8 પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે, ને ઇઝરાયલને તે પહોંચ્યો છે.
9 એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે,
10 “ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું, સર્વ લોક તે જાણશે.
11 તેથી યહોવાએ રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે, ને તેના વૈરીઓને ઉશ્કેર્યા છે.
12 પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને તે ઉશ્કેરશે; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.
13 તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના ઈશ્વર યહોવાને તેઓએ શોધ્યા નથી.
14 માટે યહોવાએ ઇઝરાયલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક દિવસે કાપી નાખ્યાં છે.
15 વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે.
16 કેમકે લોકના નેતાઓ ભૂલા પાડનાર થયા છે; અને તેઓને અનુસરનારા ને ખાઈ જવામાં આવ્યા છે.
17 માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.
18 દુષ્ટતા દવની જેમ બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે.
19 સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.
20 કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે;
21 મનાશ્શા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાશ્શાને ખાઈ જશે. તેઓ બન્ને યહૂદાની સામે થશે. સર્વ છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×