Bible Versions
Bible Books

Jeremiah 46 (GUV) Gujarati Old BSI Version

1 પ્રજાઓ વિષે યહોવાનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે.
2 મિસર વિષેની વાત:મિસરના રાજા ફારુન નકોનું જે સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું, જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તેને લગતી વાત.
3 “ઢાલકવચ તૈયાર કરો, ને લડવા માટે પાસે આવો.
4 ઘોડાઓ પર જીન બાંધો, ને, હે સવારો, તમે ઘોડા પર સવાર થાઓ, તમે ટોપ પહેરીને ઊભા રહો; ભાલાઓને ઓપ ચઢાવો, બખતર પહેરો.
5 મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.
6 જે વેગવાન તે નાસી જાય, અને જે પરાક્રમી તે બચે નહિ. તેઓ ઉત્તર દિશામાં ફ્રાત નદીની પાસે ઠોકર ખાઈને પડયા છે.
7 નાઈલ નદી ની જેમ જે ચઢી આવે છે, જેનાં પાણી નદીના પૂરની જેમ ઊછળે છે કોણ છે?
8 મિસર નાઈલની જેમ ચઢી આવે છે, ને તેનાં પાણી નદીના પૂરની જેમ ઊછળે છે; તે કહે છે, ‘હું ચઢી આવીશ, હું પૃથ્વી પર ફરી વળીશ; હું નગરને તથા તેમાં રહેનારાઓને નષ્ટ કરીશ.’
9 હે ઘોડાઓ, તમે દોડી આવો; અને, હે રથો, તમે ધૂમ મચાવો; અને શૂરવીરો આગળ આવે; ઢાલ ધરનારા હબશીઓ અને કુટીઓ તથા ધનુર્ધારરી લૂદીઓ બહાર આવે.
10 સૈન્યોના ઈશ્વર યહોવાનો પોતાના શત્રુઓ પાસેથી બદલો લેવાનો દિવસ છે; તરવાર ખાઈને તૃપ્ત થશે, ને તેઓનું રક્ત પેટ ભરીને પીશે; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાને ઉત્તર દેશમાં ફ્રાત નદીની પાસે બલિદાન આપવામાં આવે છે.
11 હે મિસરની કુંવારી દીકરી, તું ગિલ્યાદ પર ચઢીને શેરીલોબાન લે; તું ઘણાં ઓસડનો ઉપચાર કરશે, પણ તો નિરર્થક જશે. તું સાજી થઈશ નહિ.
12 સર્વ પ્રજાઓએ તારી અપકીર્તિ સાંભળી છે, ને તારો વિલાપ આખી પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીરની સાથે અથડાયો છે, ને બન્ને સાથે પડયા છે.”
13 મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના આવવા વિષે, જે વચન યહોવાએ યર્મિયા પ્રબોધકને કહ્યું તે.
14 “મિસરમાં ખબર આપો, મિગ્દોલમાં સંભળાવો, નોફમાં તથા તાહપાન્હેસમાં સંભળાવો; અને કહો, ‘ઊભો રહે, ને સજ્જ થા; કેમ કે તારી આસપાસ તરવારે નાશ કર્યો છે.’
15 તારા વીરપુરુષો કેમ ઘસડાઈ ગયા છે? તેઓ ઊભા રહ્યા નહિ, કેમ કે યહોવાએ તેઓને નીચે પાડી નાખ્યા.
16 તેણે ઘણાઓને ઠોકર ખવડાવી, હા, તેઓ એકબીજા પર પડયા. તેઓએ કહ્યું, ‘ચાલો, ઊઠો, જુલમગારની તરવારથી બચવાને આપણે આપણા લોકોમાં અને આપણી જન્મભૂમિમાં પાછા જઈએ.’
17 ત્યાં તેઓએ પોકારીને કહ્યું, ‘મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે! તેણે આવેલી તક ગુમાવી છે.’
18 ‘જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે કહે છે, મારા જીવના સમ, પર્વતોમાં તાબોર પર્વત જેવો તથા સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે ખચીત આવશે.
19 હે મિસરમાં રહેનારી દીકરી, તું તારે માટે બંદીવાસની સામગ્રી તૈયાર કર; કેમ કે નોફને બાળી નાખવામાં આવશે, તે વસતિહીન તથા ઉજ્જડ થશે.
20 મિસર સુંદર વાછરડી છે! પણ ઉત્તર તરફથી નાશ આવ્યો છે, તે આવ્યો છે.
21 વળી તેનામાં તેના પગારદાર સિપાઈઓ પાળેલા વાછરડાઓના જેવા છે; કેમ કે તેઓ પણ પીઠ ફેરવીને તમામ નાસી ગયા છે, તેઓ ઊભા રહ્યા નહિ, કેમ કે તેઓની વિપત્તિનો દિવસ, તેઓની આફતનો સમય તેઓ પર આવી પડયો છે.
22 સાપના નાસતી વખતના અવાજ જેવો તેનો સ્વર સંભળાશે, કેમ કે તેઓ સૈન્ય થઈને કૂચ કરશે, ને લાકડાં ફાડનારાઓની જેમ તેઓ કુહાડા લઈને તેના પર આવી પડશે.
23 યહોવા કહે છે કે, તેના અરણ્યનો તાગ લાગતો નથી, તોપણ તેઓ તેને કાપી નાખશે; કેમ કે તેઓની સંખ્યા તીડો કરતાં વધારે છે, તેઓ અગણિત છે.
24 મિસરની દીકરીનું અપમાન થશે, તેને ઉત્તર દિશાના લોકોના હાથમાં સોંપવામાં આવશે.
25 સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું નો નગર ના આમોનને, ફારુનને, મિસરને, તના દેવોને તથા તેના રાજાઓને, હા, ફારુનને તથા તેના પર ભરોસો રાખનારાઓને શિક્ષા કરીશ.
26 હું તેઓને તેઓના જીવ શોધનારાઓના હાથમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા તેના સૈનિકોના હથામાં સોંપીશ; પણ ત્યાર પછી પહેલાંની જેમ તેમાં ફરીથી વસતિ થશે, એવું યહોવા કહે છે.
27 પ્રભુ કહે છે, “પણ હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, ને હે ઇઝરાયલ, તું ગભરાઈશ નહિ; કેમ કે હું તને દૂરથી તથા તારા સંતાનને તેઓના બંદીવાસ ના દેશમાંથી છોડાવીશ. યાકૂબ પાછો આવશે, ને શાંત તથા સ્વસ્થ રહેશે, કોઈ તેને બીવડાવશે નહિ.
28 યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×