Bible Versions
Bible Books

Jeremiah 49 (GUV) Gujarati Old BSI Version

1 આમ્મોનીઓ વિષેની વાત. યહોવા કહે છે, “શું ઇઝરાયલને પુત્રો નથી? શું તેને કોઈ વારસ નથી? તો મિલ્કોમે ગાદના વારસાનો ભોગવટો કેમ કર્યો છે? તેના લોકો ત્યાંના નગરોમાં કેમ વસ્યા છે?
2 તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું આમ્મોનીઓના રાબ્બામાં યુદ્ધનો રણનાદ સંભળાવીશ! તે ઉજ્જડ ટેકરી થશે, ને તેની દીકરીઓને અગ્નિમાં બાળી નાખવામાં આવશે; અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે, એવું યહોવા કહે છે.
3 હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય ઉજ્જડ થયું છે. હે રાબ્બાની દીકરીઓ, બૂમ પાડો, ટાટ ઓઢો; અને રડતાં રડતાં વાડોની પાસે આમતેમ દોડો; કેમ કે મિલ્કોમ, તેના યાજકો તથા તેના સરદારો તમામ બંદીવાસમાં જશે.
4 રે પિતૃદ્રોહી દીકરી, તું તારા દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે, ‘મારી સામે કોણ આવશે?’ રે, તું ખીણો વિષે, તારી રસાળ ખીણ વિષે, અભિમાન કેમ કરે છે?
5 સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, જુઓ, તારી આસપાસના સર્વ લોકો તરફથી હું તારા પર ભય લાવીશ; અને તમારામાંના દરેકને બારોબાર નસાડી મૂકવામાં આવશે, અને રઝળનારને કોઈ સમેટનાર મળશે નહિ.
6 ત્યાર પછી હું આમ્મોનીઓનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે.
7 અદોમ વિષેની વાત. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “તેમાનમાં શું હવે કંઈ બુદ્ધિ રહી નથી? શું વિવેકીઓ પાસેથી અક્કલ જતી રહી છે? તેઓનું જ્ઞાન શું જતું રહ્યું છે?
8 હે દદાનના રહેવાસીઓ, નાસો, પાછા ફરો, એકાંત જગામાં રહો; કેમ કે હું તેને જોઈ લઈશ, તે સમયે હું તેના પર એસાવની વિપત્તિ લાવીશ.
9 જો દ્રાક્ષા તોડનારા તારી પાસે આવે, તો શું તેઓ કેટલીક દ્રાક્ષાને બાકી રહેવા નહિ દેશે? જો રાત્રે ચોરો આવે, તો શું તેઓને પૂરતું મળે ત્યાં સુધી તેઓ નુકસાન નહિ કરે?
10 કેમ કે મેં તેઓ એસાવને નગ્ન કર્યો છે, મેં તેનાં ગુપ્ત સ્થાનો ઉઘાડાં કર્યાં છે, તે પોતાને ગુપ્ત રાખી શકશે નહિ. તેના વંશજો, તેના ભાઈઓ તથા તેના પડોશીઓ નષ્ટ થયા છે, ને તે નાબૂદ થયો છે.
11 તારાં અનાથ છોકરાંઓને મૂકી જા, હું તેઓને જીવતાં રાખીશ; અને તારી વિધવાઓએ મારા પર ભરોસો રાખવો.
12 કેમ કે યહોવા કહે છે, જેઓને પ્યાલો પીવાનું ફરમાન નહોતું, તેઓ તે ખચીત પીશે; તો તું છેક નિર્દંડ રહેશે શું? તું નિર્દંડ રહેશે નહિ, પણ તું ખચીત પીશે.
13 કેમ કે યહોવા કહે છે, મેં મારા પોતાના સમ ખાધા છે કે, બોસ્ત્રા વિસ્મય, નિંદા, તથા શાપરૂપ અને ઉજ્જડ થશે. તેનાં સર્વ નગરો સદાકાળ ઉજ્જડ રહેશે.
14 યહોવા તરફથી મને ખબર મળી છે, ને સર્વ રાજ્યોમાં દૂત મોકલવામાં આવ્યો છે. તે કહે છે, ‘તમે એકત્ર થઈને તેના પર ચઢી આવો, ને લડવા માટે ઊઠો.’
15 કેમ કે, જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ ને મનુષ્યોમાં તુચ્છ કર્યો છે,
16 રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.
17 અદોમ વિસ્મયજનક થશે. જે કોઈ તેની પાસે થઈને જાય તે વિસ્મિત થશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
18 યહોવા કહે છે, સદોમ, ગમોરા તથા તેમની પાસેનાં નગરોનો સંહાર થયો તેમ, તેમાં કોઈ વષે નહિ, ને તેમાં કોઈ માનવ વાસો કરશે નહિ.
19 જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?
20 તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે અદોમની વિરુદ્ધ કર્યો છે, ને તેણે જે ઈરાદા તેમાનના રહેવાસીઓની વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળામાંનાં જે સહુથી નાનાં તેઓને તેઓ નક્કી ઘસડી લઈ જશે, તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.
21 તેઓના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે! તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.
22 જુઓ, તે ગરૂડની જેમ ઊડીને આવશે, ને બોસ્ત્રા સામે પોતાની પાંખો ફેલાવશે; અને તે દિવસે અદોમના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિની વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે.
23 દમસ્કસ વિષેની વાત. હમાથ તથા આર્પાદ લજ્જિત થયાં છે: કેમ કે તેઓએ માઠા સમાચાર સાંભળ્યા છે, તેઓ વિખેરાઈ ગયા છે; સમુદ્ર પર ખેદ છે. તે શાંત રહી શકતો નથી.
24 દમસ્કસ લાચાર બની ગયું છે, તે પાછું ફરીને નાસવાનું કરે છે, ને તેને ધ્રૂજારી છૂટી છે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને સષ્ટ તથા વેદના થયાં છે.
25 પ્રશંસનીય નગર જે મારા આનંદનું શહેર તેનો કેમ ત્યાગ કરવામાં આવ્યો નથી?
26 તેથી તેના જુવાનો તેના મહોલ્લાઓમાં પડશે, ને તે દિવસે સર્વ લડવૈયા નાશ પામશે, એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
27 હું દમસ્કસના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”
28 કેદાર વિષે, તથા હાસોરનાં જે રાજ્ય બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પાયમાલ કર્યાં તે વિષેની વાત. યહોવા કહે છે, “તમે ઊઠીણે કેદાર પર ચઢો, ને પૂર્વ તરફના લોકોનો નાશ કરો.
29 તેઓ તેઓના તંબુઓ તથા તેઓનાં ટોળાંને લઈ જશે. તેઓની કનાતોને, તથા તેઓના સર્વ સરસામાનને તથા તેઓનાં ઊંટોને તેઓ પોતાને માટે લઈ જશે. અને તેઓ તેઓને પોકારીને કહેશે, ‘ચારે તરફ ભય છે.’
30 યહોવા કહે છે, હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર ભટક્યા કરો, એકાંત જગામાં વસો; કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ મસલત કરી છે, અને તમારી વિરુદ્ધ સંકલ્પ કર્યો છે.
31 યહોવા કહે છે, ઊઠો, ને જે લોકો સ્વસ્થ અને નિશ્ચિંત રહે છે, જેઓને દરવાજા નથી તથા ભૂંગળો નથી, જેઓ એકલા વસે છે, તેઓની સામે ચઢી જાઓ.
32 તેઓનાં ઊંટો તમે લૂંટશો, તેઓનાં ઘણાં ઢોર લઈ જશો; અને જેઓની દાઢીના ખૂણા કોતરેલા છે તેઓને હું સર્વ દિશાએ વિખેરી નાખીશ; અને ચોતરફથી તેઓ પર વિપત્તિ લાવીશ, એવું યહોવા કહે છે.
33 હાસોર સદાકાળ શિયાળોનું રહેઠાણ તથા ઉજ્જડ સ્થળ થશે. ત્યાં કોઈ વસશે નહિ, ને કોઈ માણસ તેમાં પ્રવાસ કરશે નહિ.”
34 યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં એલામ વિષે યહોવાનું જે વચન યર્મિયા પ્રબોધકની પાસે આવ્યું તે આ:
35 સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, હું તેઓના બળના મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ.
36 આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ એલામ પર મોકલીશ ને સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય એવો કોઈ દેશ હશે નહિ.
37 તેઓના શત્રુઓથી તથા જેઓ તેઓનો જીવ શોધે છે, તેઓથી હું એલામને ભયભીત કરીશ; અને હું વિપત્તિ, હા, મારો ભારે ક્રોધ તેમના પર લાવીશ, એવું યહોવા કહે છે. હું તેઓનો નાશ થતાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ.
38 હું એલામમાં મારું રાજ્યાસન સ્થાપન કરીશ, ને તેમાંથી રાજા તથા સરદારોને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે.
39 પણ પાછલા દિવસોમાં હું એલામનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×