Bible Versions
Bible Books

Job 12 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,
2 “નિશ્ચે તમારા સિવાય તો બીજા લોક નથી, અને બુદ્ધિનો અંત તો તમારા અંત સાથે આવશે!
3 પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે! અને હું તમારા કરતાં ઊતરતો નથી: હા, એવી વાતો કોણ જાણતું નથી?
4 જેણે ઈશ્વરની પ્રાર્થના કરી, અને જેને ઈશ્ચરે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; એટલે ન્યાયી, સંપૂર્ણ માણસ હાંસીપાત્ર છે.
5 જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે. જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ કરે છે.
6 લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે તેમનો ઈશ્વર છે.
7 પણ પશુઓને પૂછો, એટલે તેઓ તમને શીખવશે; અને ખેચર પક્ષીઓને પૂછો, એટલે તેઓ તમને કહેશે.
8 અથવા પૃથ્વીને પૂછો, અને તે તમને ખુલાસો આપશે. અને સમુદ્રનાં માછલાં તમને વિદિત કરશે.
9 સર્વ ઉપરથી કોણ જાણતું નથી કે યહોવાને હાથે સર્વ સૃજાયેલાં છે?
10 તેમના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યમાત્રનો આત્મા છે.
11 જેમ તાળવું અન્નનો સ્વાદ પારખે છે, તેમ શું કાન શબ્દની પરીક્ષા કરતો નથી?
12 વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.
13 તેનામાં જ્ઞાન તથા બળ હોય છે; તેને અક્કલ તથા સમજણ પણ હોય છે.
14 તે જેને તોડી પાડે છે, તેને કોઈ ફરી ઊભું કરી શકતું નથી. તે માણસને કેદ કરે છે, ને કોઈ તેને છોડાવી શકતું નથી.
15 તે વરસાદને અટકાવી રાખે છે, એટલે જમીન સુકાઈ જાય છે; વળી તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિને ઊથલપાથલ કરે છે.
16 તેની પાસે સામર્થ્ય તથા ખરું ડહાપણ છે; ઠગનાર તથા ઠગાનાર બન્ને તેમના છે.
17 તે રાજમંત્રીઓ ની બુદ્ધિ લૂંટી લે છે, અને ન્યાયાધીશોને મૂર્ખો બનાવે છે.
18 રાજાઓનાં બંધન તે તોડી નાખે છે, અને તેઓની કમરે સાંકળ બાંધે છે.
19 તે યાજકોને લૂંટાવીને તેમને લઈ જાય છે, અને બળવાનોનો પરાજય કરે છે.
20 વક્તાઓની વાચા લઈ લે છે, અને વડીલોની બુદ્ધિ હરી લે છે.
21 રાજાઓ પર તે ફિટકાર વરસાવે છે, અને બળવંતોના હાંજા ગગડાવી નાખે છે.
22 તે અંધકારમાંથી ગુહ્ય વાતો પ્રકાશમાં લાવે છે, અને મૃત્યુછાયા પર અજવાળું પાડે છે.
23 તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે, અને તેઓનો નાશ પણ કરે છે. તે પ્રજાઓને વિસ્તારે છે, અને તેઓને સંકોચે છે.
24 તે પૃથ્વીના લોકોના આગેવાનોને નાહિમ્મત કરે છે, અને તેઓને માર્ગ વગરના અરણ્યમાં ભટકાવે છે.
25 તેઓ અજવાળા વગર અંધકારમાં ફાંફાં મારે છે; અને તે તેઓને છાકટા માણસની જેમ લથડિયાં ખવાડે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×