Bible Versions
Bible Books

Job 14 (GUV) Gujarati Old BSI Version

1 સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.
2 તે ફૂલની જેમ ખીલે છે, અને તેને કાપી નાખવામાં આવે છે. વળી તે છાયાની જેમ જતું રહે છે, અને સ્થિર રહેતું નથી.
3 શું તમે એવા ઉપર લક્ષ રાખો છો, ને મને તમારો પ્રતિવાદી બનાવો છો?
4 જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.
5 તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે, તમે તેની હદ ઠરાવી છે, તેને તે ઓળંગી શકે નહિ;
6 તો તમારી નજર તેના પરથી ઉઠાવી લો, જેથી મજૂરની જેમ તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે.
7 કેમ કે જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે એવી આશા રહે છે, અને તેની કુમળી ડાળીનો અંત આવશે નહિ.
8 જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય,
9 તોપણ પાણીની ફોરથી તે ખીલશે, અને રોપાની જેમ તે ડાળીઓ કાઢશે.
10 પણ માણસ મરે છે, અને ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે, અને તે ક્યાં છે?
11 જેમ સમુદ્રમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે;
12 એમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી. આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહિ, અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહિ.
13 તમે મને‍ શેઓલમાં સંતાડો, અને તમારો કોપ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને મુકરર સમય ઠરાવી આપીને યાદ રાખો, તો કેવું સારું!
14 શું મરેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યત વાટ જોવત.
15 તમે મને બોલાવત, તો હું તમને ઉત્તર આપત; તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત.
16 પણ તમે તો મારાં પગલાં ગણો છો; અને શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?
17 મારો અપરાધ કોથળીમાં બંધ કરીને ઉપર મહોર કરવામાં આવી છે, મારા અન્યાયોને તમે બાંધી રાખો છો.
18 નિશ્ચે પર્વત પડીને નષ્ટ થાય છે, અને ખડક પોતાની જગાએથી ચળી જાય છે;
19 પાણી પથ્થરોને ઘસી નાખે છે, તેની રેલ પૃથ્વીની ધૂળ ઘસડી જાય છે; તેમ તમે માણસની આશાનો નાશ કરો છો.
20 તમે હમેશાં તેના ઉતર જય પામો છો, અને તે ગુજરી જાય છે; તમે તેને વીલે મોઢે મોકલી દો છો.
21 તેના દીકરા માનવંત પદવીએ ચઢે છે, અને તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે છે, પણ તે વિષે તે સમજતો નથી.
22 પણ તેના શરીરમાં વેદના થાય છે, અને તેનો અંતરાત્મા શોકમય રહે છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×