Bible Versions
Bible Books

Job 15 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે અલિફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો,
2 “શું કોઈ જ્ઞાની પુરુષ ઠાલી દલીલ કરે, અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
3 શું તે નિરર્થક વાત વડે કે, હિત કરી શકે એવાં ભાષણો વડે વિવાદ કરે?
4 હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે, અને ઈશ્વરભક્તિને અટકાવે છે.
5 કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે, અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.
6 તારું પોતાનું મોં તને દોષપાત્ર ઠરાવે છે, અને હું ઠરાવતો નથી; હા, તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
7 શું, તું આદિ પુરુષ છે? કે પર્વતોની અગાઉ તારો જન્મ થયો હતો?
8 શું તેં ઈશ્વરનો ગુહ્ય મનોરથ સાંભળ્યો છે? અને શું, તેં બધું જ્ઞાન તારા પોતાનામાં સમાવી રાખ્યું છે?
9 અમે જાણતા જોઈએ, એવું તું શું જાણે છે? અમારામાં હોય, એવી તારામાં કંઈ સમજણ છે?
10 અમારામાં ઘણા પળિયાંવાળા, તથા તારા પિતાથી ઘણી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો છે.
11 શું ઈશ્વરના દિલાસા તથા તારી પ્રત્યેનાં અમારાં નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતનાં નથી?
12 તરું મન તને કેમ ભમાવે છે? અને તારી આંખો કેમ મીંચામણાં કરે છે?
13 એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે, અને તેવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે.
14 માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય? અને સ્ત્રીજન્ય એવો કોણ છે કે તે નેક હોય?
15 જો, તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી, હા, તેની દષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી.
16 તો જે ધિક્કારપાત્ર, ભ્રષ્ટ તથા પાણીની જેમ અન્યાયને પી જનાર માણસ હોય તો તે કેટલો અધિક ગણાય!
17 તું મારું સાંભળ, હું તને સમજાવીશ; અને મેં જે જોયું છે તે હું કહી સંભળાવીશ:
18 (તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી સાંભળીને જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી.
19 માત્ર તેઓને દેશ આપવામાં આવ્યો હતો, અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નહિ;)
20 દુષ્ટ માણસ પોતાના જીવન પર્યંત, હા, જુલમી પોતાને માટે ઠરેલાં વર્ષો પર્યંત કષ્ટથી પીડાય છે.
21 તેના કાનમાં ભયના ભણકારા વાગે છે. આબાદાનીને સમયે લૂંટનાર તેના પર આવી પડશે.
22 હું અંધકારમાંથી પાછો આવીશ, એવું તે માનતો નથી, પણ તે માને છે કે તરવાર મારી વાટ જુએ છે.
23 તે અન્નને માટે ભટકે છે, પણ તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનો દિવસ પાસે છે.
24 સંકટ તથા વેદના તેને ગભરાવે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર જય પામે છે;
25 કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે, અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે;
26 અને તે ગરદન અક્કડ રાખીને તેની ઢાલના જાડા ગોખરુ ઉપર ધસી પડે છે;
27 કેમ કે તની ચરબી-ફૂલાશ-થી તેનું મોં ઢંકાયેલું છે, અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝયાં છે.
28 તે ઉજ્જડ નગરોમાં, તથા જેમાં કોઈ રહે નહિ એવાં, તથા ઢગલો થઈ ગયેલાં, ઘરોમાં રહે છે.
29 તે ધનવાન થશે નહિ, તેની સંપત્તિ ટકશે નહિ, અને તેમનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.
30 તે અંધકારમાંથી નીકળશે નહિ. જ્વાળા તેની ડાળીઓને સૂકવી નાખશે, અને ઈશ્વર ના શ્વાસથી નાશ પામશે.
31 તેણે ભ્રમણામાં પડીને વ્યર્થ વાતો પર ભરોસો રાખવો: કેમ કે તેનો બદલો નિષ્ફળતા થશે.
32 તેના સમય અગાઉ તે ભરપૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહિ હશે.
33 દ્રાક્ષાવેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો ખંખેરી નાખશે, અને જૈતૂનની જેમ તેનાં ફૂલ ખરી પડશે.
34 કેમ કે અધર્મીનો સંઘ નિષ્ફળ થશે, અને લાંચિયાના તંબુઓને આગ ભસ્મ કરશે.
35 તેઓ નુકસાનનો ગર્ભ ધારણ કરે છે અને અન્યાયને જન્મ આપે છે, અને તેઓનું પેટ ઠગાઈ સિદ્ધ કરે છે.’
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×