Bible Versions
Bible Books

Job 19 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,
2 “તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો? અને શબ્દોથી મારા ચૂરેચૂરા કરશો?
3 દશ વાર તમે મને મહેણાં માર્યાં છે. મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
4 જો મેં પાપ કર્યું હોય, તો મારી ભૂલ મારી પાસે રહી.
5 જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય,
6 તો હવે સમજી લો કે ઈશ્ચરે મને ઉથલાવી પાડયો છે, અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે.
7 અન્યાયને લીધે હું પોકાર કરું છું, પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકારું છું, પણ ન્યાય મળતો નથી.
8 તેમણે વાડથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે, હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓમાં તેમણે અંધકાર મૂક્યો છે.
9 તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારે માથેથી મુગટ લઈ લીધો છે.
10 તેમણે ચારે તરફ મને તોડી પાડયો છે, અને મારું આવી બન્યું છે. તેમણે ઝાડની જેમ મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે.
11 વળી તેમણે પોતાનો કોપ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે, તે મને પોતાના શત્રુ જેવો ગણે છે.
12 તેમની પલટણો ભેગી થઈને આવે છે, તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે, અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
13 તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે, અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે.
14 મારા સગાંસંબંધીઓએ મને તજી દીધો છે, અને મારા દિલોજાન મિત્રો મને ભૂલી ગયા છે.
15 મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ મને પારકા જેવો ગણે છે, તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.
16 હું મારા ચાકરને હાંક મારું છું, અને તે મને ગણકારતો નથી, જો કે હું તેના કાલાવાલા કરું છું તોપણ જવાબ આપતો નથી.
17 મારો શ્ચાસ મારી પત્નીને કંટાળાભરેલો લાગે છે, મારાં પોતાનાં સંતાનોને મારે આજીજી કરવી પડે છે.
18 નાનાં છોકરાં પણ મને તુચ્છ ગણે છે; જો હું ઊઠું, તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
19 મારા બધા દિલોજાન મિત્રો મારાથી કંટાળી જાય છે. મારાં વહાલાં મારાથી ઊલટાં થઈ ગયાં છે.
20 મારામાં હાડકાં અને ચામડી સિવાય બીજું કંઈ રહ્યું નથી. હું માંડમાંડ બચ્યો છું.
21 હે મારા મિત્રો, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
22 તમે ઈશ્વરની જેમ મને કેમ સતાવો છો, અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી?
23 અરે, મારા શબ્દો હમણાં લખવામાં આવે, અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે, તો કેવું સારું!
24 તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે, તો કેવું સારું!
25 પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે.
26 મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ.
27 તેને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેને જોશે, બીજાની નહિ. મારું હ્રદય નિર્બળ થાય છે.
28 જો તમે કહો કે, અમે તેને કેવો સતાવીશું! કેમ કે બાબતનું મૂળ તેનામાં મળ્યું છે.
29 તો તમે તરવારથી બીઓ; કેમ કે કોપ તરવારની શિક્ષા લાવે છે, માટે કે તમે જાણો કે ન્યાય કરનાર એક છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×