Bible Versions
Bible Books

Job 28 (GUV) Gujarati Old BSI Version

1 રૂપાને માટે તો ખાણ હોય છે, અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે.
2 લોઢું જમીનમાંથી કાઢવામાં આવે છે, અને તાંબાને ખડકમાંથી ગાળવામાં આવે છે.
3 માણસ અંધકારને સીમા ઠરાવે છે, અને ગાઢ અંધકારના તથા મૃત્યુછાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે.
4 માણસની વસતિથી દૂર તેઓ ખાણ ખોદે છે; ત્યા થઈને જનાર તે ખાણ વિષે જાણતા નથી; તેઓ માણસોથી દૂર લટકે છે, તેઓ આમતેમ ઝૂલે છે.
5 ભૂમિમાંથી તો અન્ન નીપજે છે; અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઊકળતું હોય એમ થાય છે.
6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7 કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી, અને બાજ પક્ષીની આંખે પણ તે જોયો નથી.
8 મદોન્મત પશુના પગ ત્યાં પડયા નથી, અને વિકરાળ સિંહ પણ ત્યાં થઈને ગયો નથી.
9 તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે; તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
10 તે ખડકોમાંથી નાળાં ખોદી કાઢે છે; અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે.
11 તે નદીઓને વહેતી બંધ કરી દે છે; અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં લાવે છે.
12 પણ જ્ઞાન ક્યાંથી મળે? અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે?
13 મનુષ્ય તેની કિંમત જાણતું નથી; અને વસતિવાળા ભાગમાં તે મળતું નથી.
14 ઊંડાણ કહે છે, ‘તે મારામાં નથી;’ અને સમુદ્ર કહે છે, ‘તે મારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ, તેની કિંમત બદલ રૂપું પણ તોળી અપાય નહિ.
16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણિને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહિ; અને ચોખ્ખ સોનાનાં આભૂષણ તેને તોલે આવી શકે નહિ.
18 પરવાળાંનું તથા સ્ફટિકમણિનું તો નામ લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતામ વિશેષ છે.
19 કૂશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહિ, અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર થાય.
20 ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે? અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે?
21 કેમ કે સર્વ સજીવોની દષ્ટિથી તે ઢંકાયેલું છે, અને ખેચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે.
22 વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
23 ઈશ્વર તેનો માર્ગ સમજે છે, અને તે તેનું સ્થળ જાણે છે.
24 કેમ કે પૃથ્વીના છેડા સુધી તેમની દષ્ટિ પહોંચે છે, અને આકાશ નીચે તે સર્વત્ર જુએ છે;
25 જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે, હા, તે માપથી પાણીને માપી નાખે છે.
26 જ્યારે તેમણે વરસાદને માટે નિયમ, તથા ગર્જનાની વીજને માટે માર્ગ ઠરાવ્યો,
27 ત્યારે તેમણે તે જોયું, તથા તેનું વર્ણન કર્યું; તેમણે તે સ્થાપન કર્યું, અને તેને શોધી પણ કાઢયું.
28 મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું બુદ્ધિ છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×