Bible Versions
Bible Books

Joel 3 (GUV) Gujarati Old BSI Version

1 કેમ કે, “જુઓ, તે દિવસોમાં એટલે તે સમયમાં, જ્યારે હું યહૂદિયા તથા યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,
2 ત્યારે હું સર્વ પ્રજાઓને એકત્ર કરીને તેમને યોહાશાફાટની ખીણમાં દોરી લાવીશ; અને મારા લોકો, એટલે મારો વારસો ઇઝરાયલ, જેને તેઓએ ભિન્ન ભિન્ન પ્રજાઓમાં વિખેરી નાખીને મારો દેશ વહેંચી લીધો છે, તેને માટે હું તેમની આગળ વકીલાત કરીશ.
3 તેઓએ ચિઠ્ઠીઓ નાખીને મારા લોકોને વહેંચી લીધા છે. છોકરો આપીને તેઓએ વેશ્યા લીધી છે. ને છોકરી વેચીને મદ્યપાન કરવા માટે દ્રાક્ષારસ લીધો છે.
4 હે તૂર, સિદોન તથા પલેશેથના સર્વ પ્રાંતો, તમારે ને મારે શું છે? શું તમે મારા પર વૈર વાળશો? અને જો તમે મારા પર વૈર વાળશો, તો જલદીથી ને બહુ ઝડપથી હું તમારું વૈર તમારા માથા પર પાછું વાળીશ.
5 તમે મારું સોનુંરૂપું લઈ લીધું છે, ને મારી સુંદર કિંમતી વસ્તુઓ તમારાં મંદિરોમાં લઈ ગયા છો.
6 વળી યહૂદિયાના વંશજોને તથા યરુશાલેમના લોકોને તમે ગ્રીસના લોકોને વેચ્યા છે કે, જેથી તમે તેઓને પોતાના દેશથી દૂર કરી શકો.
7 જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યા છે ત્યાંથી હું તેમને ઉશ્કેરીને તે સ્થાનમાંથી તેમને કાઢી લાવીશ, ને તમારું વૈર તમારા માથા પર પાછું વાળીશ.
8 હું તમારાં પુત્રોને તથા તમારી પુત્રીઓને યહૂદાના વંશજોના હાથમાં વેચીશ, ને તેઓ તેમને શેબાના, માણસોને, એટલે ઘણે દૂરની એક પ્રજાને, વેચશે.” કેમ કે યહોવા બોલ્યા છે.
9 તમે વિદેશીઓમાં જહેર કરો: “યુદ્ધની તૈયારી કરો! યોદ્ધાઓને ઉશ્કેરો. સર્વ લડવૈયાઓ પાસે આવીને કૂચ કરે.
10 તમારા હળની કોશોને ટીપીને તરવારો બનાવો, ને તમારાં દાતરડાંના ભાલા બનાવો. દુર્બળ માણસ કહે કે, ‘હું બળવાન છું’
11 હે આસપાસની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ;” હે યહોવા, ત્યાં તમારા યોદ્ધાઓને ઉતારી લાવો.
12 “પ્રજાઓ ઊઠે, ને યહોશાફાટની ખીણમાં આવે કેમ કે ત્યાં હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવાને બેસીશ.
13 તમે દાતરડું ચલાવો, કેમ કે કાપણીનો વખત આવ્યો છે; ચાલો, ખૂંદો; કેમ કે દ્રાક્ષાચક્કી ભરેલી છે, દ્રાક્ષાકુંડો ઊભરાઈ જાય છે; કેમ કે તેઓની દુષ્ટતા બહું છે.”
14 લોકોનાં ટોળેટોળાં, ન્યાયચુકાદાની ખીણમાં લોકોનાં ટોળેટોળાં! કેમ કે ન્યાયચૂકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે છે.
15 સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
16 યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, ને યેરુશાલેમમાંથી પોતાનો ઘાંટો કાઢશે. આકાશ તથા પૃથ્વી કાંપશે; પણ યહોવા પોતાના લોકોનો આશ્રય થશે, તે ઇઝરાયલ લોકોનો ગઢ થશે.
17 “આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.
18 તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, ને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદિયાના સર્વ વહેળાઓમાં પાણી વહેશે; યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે, ને તે શિટ્ટીમની ખીણને પાણી પાશે,
19 યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.
20 પણ યહૂદિયા સર્વકાળ માટે, ને યરુશાલેમ પેઢી દરપેઢી માટે રહેશે.
21 તેઓનું રક્ત જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ, કેમ કે યહોવા સિયોનમાં રહે છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×