Bible Versions
Bible Books

Luke 6 (GUV) Gujarati Old BSI Version

1 એક વિશ્રામવારને દિવસે તે ખેતરમાં થઈને જતા હતા ત્યારે તેમના શિષ્યો કણસલા તોડતા હતા, અને હાથે મસળીને ખાતા હતા.
2 પણ ફરોશીઓમાંના કેટલાંકે પૂછ્યું, “વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો?”
3 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
4 તેણે ઈશ્વરના મંદિરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી.”
5 વળી તેમણે તેઓને કહ્યું, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
6 એક બીજે, વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા. ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
7 વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ તાકી રહ્યા હતા, માટે કે તેમના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે.
8 પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેને તેમણે કહ્યું, “ઊઠીને વચમાં ઊભો રહે.” એટલે તે ઊઠીને વચમાં ઊભો રહ્યો.
9 પછી ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું‍ છું કે, વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેનો નાશ કરવો? બેમાંથી ક્યું ઉચિત છે?”
10 પછી તેમણે ચોતરફ નજર ફેરવીને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.
11 પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”
12 તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી.
13 દિવસ ઊગ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કર્યા. તેઓને તેમણે પ્રેરિતો પણ કહ્યા.
14 એટલે, સિમોન જેનું નામ તેમણે પિતર પણ પાડયું તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને, યાકૂબને તથા યોહાનને, ફિલિપને તથા બર્થોલ્મીને,
15 માથ્થીને તથા થોમાને, અલ્ફીના દીકરા યાકૂબને તથા સિમોન, જેને ઝેલોતસ કહેતા હતા તેને,
16 યાકૂબના ભાઈ યહૂદાને, યહૂદા ઇશ્કરિઓત જે વિશ્વાસઘાતી હતો તેને.
17 તે તેઓની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો જથો તથા આખા યહૂદિયામાંના તથા યરુશાલેમમાંના, અને તૂર તથા સિદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો, તેઓ તેમની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા માટે આવ્યા હતા.
18 અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા.
19 સર્વ લોકો તેમનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા, કેમ કે તેમનામાંથી પરાક્રમ નીકળીને સર્વને સાજાં કરતું હતું.
20 તેમણે પોતાના શિષ્યો તરફ પોતાની નજર ઊંચી કરીને કહ્યું, “ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે: કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.
21 હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે તૃપ્ત થશો, હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે હસશો.
22 જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.
23 તે દિવસે આનંદ કરો, ને ખુશાલીમાં કૂદો:કેમ કે જુઓ, આકાશમાં તમારું ફળ ઘણું છે. કેમ કે તેઓના બાપદાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ વર્ત્યા.
24 પણ તમ‌ શ્રીમંતોને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી‍‍ ચૂક્યા છો.
25 હમણાંના ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો ને રડશો.
26 જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ વર્ત્યા.
27 પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો.
28 જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો.
29 જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો ડગલો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખતો ના.
30 જે કોઈ તારી પાસે કંઈ માગે, તેને તે આપ; અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માગીશ નહિ.
31 અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.
32 તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓના પર જો તમે પ્રેમ રાખો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારા પર પ્રેમ રાખે છે.
33 જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ કરે છે.
34 વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
35 પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.
36 માટે જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.
37 કોઈનો ઇનસાફ કરો, એટલે તમારો ઇનસાફ કરવામાં નહિ આવે. કોઈને દોષિત ઠરાવો, અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે. છોડો ને તમને છોડવામાં આવશે.
38 આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”
39 તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “શું આંધળો આંધળાને દોરી શકે? શું બન્‍ને ખાડામાં નહિ પડે?
40 શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક જન સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે.
41 તારી પોતાની આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે?
42 અથવા તારી પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં તું તારા ભાઈને કેમ કહી શકે કે, ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે?’ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે.
43 કેમ કે કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતું નથી; વળી ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી.
44 હરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી, અને ઝાંખરા પરથી દ્રાક્ષા વીણતા નથી.
45 સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.
46 તમે મને ‘પ્રભુ, પ્રભુ, ‘કેમ કહો છો, અને હું જે કહું છું તે કરતા નથી?
47 દરેક જે મારી પાસે આવે છે, અને મારી વાતો સાંભળે છે તથા પાળે છે, તે કોના જેવો છે, હું તમને બતાવીશ:
48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. જ્યારે રેલ આવી, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો. પણ તે તેને હલાવી શક્યો. કેમ કે તે સારી રીતે બાંધેલું હતું.
49 પણ મારી વાતો જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે, જેણે પાયો નાખ્યા વિના ભોંય પર ઘર બાંધ્યું. તેને નદીનો સપાટો લાગ્યો, એટલે તે તરત પડી ગયું; અને તે ઘરનો સમૂળગો નાશ થયો.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×