Bible Versions
Bible Books

Mark 15 (GUV) Gujarati Old BSI Version

1 સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.
2 પિલાતે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે તેને ઉત્તર આપ્યો, “તમે કહો છો તે હું છું
3 મુખ્ય યાજકોએ તેમની પર ઘણાં તહોમત મૂક્યાં.
4 પિલાતે ફરી તેમને પૂછ્યું, “તું કંઈ ઉત્તર આપતો નથી? જો તેઓ તારા પર કેટલાં બધાં તહોમત મૂકે છે!”
5 પણ ઈસુએ બીજો કંઈ ઉત્તર આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
6 પર્વમાં તેઓ જે એક બંદીવાનને માગે તેને તે છોડી દેતો.
7 કેટલાક દંગો કરનારાઓએ દંગામાં ખૂન કર્યું હતું, અને તેઓની સાથે કેદમાં પડેલો એવો એક બારાબાસ નામનો માણસ હતો.
8 લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા, “જેમ તમે અમારે માટે હંમેશાં કરતા, તે પ્રમાણે કરો.”
9 પિલાતે તેઓને ઉત્તર આપ્યો, “શું તમારી મરજી એવી છે કે, હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં?”
10 કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધા હતા.
11 પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે, તે તેઓને માટે બારાબાસને છોડી દે.
12 પણ પિલાતે ફરી તેઓને પૂછ્યું, “જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેને હું શું કરું?”
13 તેઓએ ફરી બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.”
14 પિલાતે તેઓને પૂછ્યું. “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વિશેષ બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.”
15 ત્યારે પિલાતે લોકોને રાજી કરવા ચાહતાં તેઓને માટે બારાબાસને છોડી દીધો; અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા માટે સોંપ્યા.
16 સિપાઈઓ તેમને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી.
17 તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો, ને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો.
18 અને “હે યહૂદીઓના રાજા, સલામ!” એમ કહીને તેઓ તેમને નમસ્કાર કરવા લાગ્યા.
19 તેઓએ તેમના માથા પર સોટી મારી, તેમના પર થૂંક્યા, અને ઘૂંટણ ટેકવીને તેમની આગળ નમ્યા.
20 તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો, ને તેમનાં પોતાનાં વસ્‍ત્રો તેમને પહેરાવીને તેમને વધસ્તંભે જડવા માટે લઈ ગયા.
21 સિમોન કરીને કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો, તેની પાસે તેઓએ બળજબરીથી તેમનો વધસ્તંભ ઊંચકાવ્યો.
22 ગુલગથા નામની જગા, જેનો અર્થ, ‘ખોપરીની જગા’ છે, ત્યાં તેઓ તેમને લાવે છે.
23 તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષારસ તેમને પીવાને આપવા માંડ્યો; પણ તેમણે તે લીધો નહિ.
24 તેઓએ તેમને વધસ્તંભે જડ્યા, ને પ્રત્યેકે તેમનાં વસ્‍ત્રનો કયો ભાગ લેવો, તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તે અંદરોઅંદર વહેંચી લીધાં.
25 દિવસના ત્રીજે કલાકે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા.
26 તેમના ઉપર તેઓએ એવું તહોમતનામું લખ્યું હતું “યહૂદીઓનો રાજા”.
27 તેમની સાથે તેઓએ બે લૂંટારાને વધસ્તંભે જડ્યા; એકને તેમની જમણી તરફ ને બીજાને તેમની ડાબી તરફ.
28 ‘તે અપરાધીઓમાં ગણાયો’, એવું જે શાસ્‍ત્રવચન તે પૂરું થયું.
29 પાસે થઈને જનારાઓએ તેમની નિંદા કરી તથા માથાં હલાવીને કહ્યું, “વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધનાર,
30 તું પોતાને બચાવ, ને વધસ્તંભ પરથી ઊતરી આવ.”
31 પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્‍ત્રીઓ સહિત તેમની મશ્કરી કરીને કહ્યું, “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી.
32 ઇઝરાયલનો રાજા, ખ્રિસ્ત, હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે કે, અમે જોઈને વિશ્વાસ કરીએ.” વળી જેઓ તેમની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
33 છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો.
34 નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લમા શબકથની, એટલે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?”
35 જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું, “જુઓ. તે એલિયાને બોલાવે છે.”
36 ત્યારે એક માણસે દોડીને સરકાથી વાદળી ભરી, ને લાકડીને ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું, “રહેવા દો; આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ.”
37 ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38 તે વખતે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.
39 જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જોયું કે એમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું, “ખરેખર માણસ ઈશ્વરનો દીકરો હતો.”
40 કેટલીક સ્‍ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગદલાની મરિયમ, અને નાના યાકૂબ અને યોસેની મા મરિયમ તથા શાલોમી હતી.
41 જ્યારે તે ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્‍ત્રીઓ ત્યાં હતી.
42 સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો, માટે,
43 ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, અરિમથાઈનો યૂસફ આવ્યો, જે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિમ્મત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાસ માગી.
44 પિલાત નવાઈ પામ્યો, “શું તે એટલામાં મરી ગયો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને તેને પૂછ્યું, “તેને મરી ગયાને કેટલો વખત થયો?”
45 સૂબેદાર પાસેથી તે વિષે તેને ખબર મળી ત્યારે તેણે યૂસફને લાસ અપાવી.
46 તેણે શણનું લૂગડું વેચાતું લીધું, ને તેમને ઉતારીને તેમને તે શણના લૂગડામાં વીંટાળ્યા, ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેમને મૂક્યા; અને તે કબરના મોં આગળ એક પથ્થર ગબડાવી મૂકયો.
47 તેમને ક્યાં મૂક્યા હતા મગદલાની મરિયમ, તથા યોસેની મા મરિયમે જોયું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×