Bible Versions
Bible Books

Mark 7 (GUV) Gujarati Old BSI Version

1 યરુશાલેમથી આવેલા ફરોશીઓ તથા કેટલાક શાસ્‍ત્રીઓ તેમની પાસે આવીને એકત્ર થયા.
2 તેઓએ જોયું હતું કે તેમના કેટલાક શિષ્યો અશુદ્ધ, એટલે અણધોયેલે, હાથે રોટલી ખાય છે.
3 કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી પેઠે ધોયા વિના ખાતા નથી.
4 અને ચૌટેથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી; અને વાટકા તથા ગાગરો તથા તાંબાનાં વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
5 પછી ફરોશીઓ તથા શાસ્‍ત્રીઓએ તેમને પૂછ્યું, “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ચાલતાં અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે?”
6 અને તેમણે તેઓને કહ્યું, “તમે ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે! તેમ લખેલું છે, ‘આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હ્રદયો મારાથી વેગળાં રહે છે.
7 પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.’
8 તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.”
9 અને તેમણે તેઓને કહ્યું, “તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો.
10 કેમ કે મૂસાએ કહ્યું, ‘તારા પિતાને તથા તારી માને માન આપ, ને જે કોઈ પોતાનાં પિતાની કે માની નિંદા કરે તે માર્યો જાય!’
11 પણ તમે કહો છો, ‘જો કોઈ માણસ પોતાના પિતાને કે માને કહે કે, મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન, એટલે અર્પિતદાન, થયેલું છે;’
12 તો તમે તેને તેના પિતાને માટે કે તેની માતાને માટે ત્યાર પછી કંઈ કરવા દેતા નથી;
13 અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો, અને એવાં ઘણાં કામો તમે કરો છો.”
14 અને લોકોને પોતાની પાસે ફરી બોલાવીને તેમણે તેઓને કહ્યું, “તમે સહુ મારું સાંભળો તથા સમજો.
15 બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે માણસને વટાળે છે.
16 જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે.
17 અને જ્યારે લોકોની પાસેથી જઈને તે ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ દ્દષ્ટાંત સંબંધી તેમને પૂછ્યું.
18 અને તે તેઓને કહે છે, શું તમે પણ એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, માણસમાં જે જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી!
19 કેમ કે તે એના હ્રદયમાં પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને સંડાસમાં જાય છે.” એવું કહીને તેમણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા.
20 વળી તેમણે કહ્યું, “માણસમાંથી જે નીકળે છે તે માણસને વટાળે છે.
21 કેમ કે અંદરથી એટલે માણસોના હ્રદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છિનાળાં, ચોરીઓ, હત્યાઓ,
22 વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાનતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું;
23 બધાં ભૂંડાં વાનાં અંદરથી નીકળે છે, ને માણસને વટાળે છે.”
24 પછી તે ત્યાંથી ઊઠીને તૂર તથા સિદોનના પ્રદેશોમાં ગયા. અને તે ઘરમાં આવ્યા, ને તે કોઈ જાણે એવું તે ચાહતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા.
25 કેમ કે એક સ્‍ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે તેમના વિષે સાંભળીને આવી, ને તેમના પગ આગળ પડી.
26 તે સ્‍ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયા કુળની હતી. અને તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્મા કાઢવાને તેમને વિનંતી કરી.
27 પણ ઈસુએ તેને કહ્યું, “છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાંને ફેંકવી વાજબી નથી.”
28 પણ તેણે તેમને ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચે છોકરાંના કકડામાંથી ખાય છે.”
29 અને તેમણે તેને કહ્યું, “આ વાતને લીધે જા. તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળ્યો છે.”
30 અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે, ને તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.
31 અને તે ફરી તૂરના પ્રદેશોમાંથી નીકળી, સિદોનમાં થઈને દશનગરની સીમોની મધ્યે થઈને ગાલીલના સમદ્રની પાસે આવ્યા.
32 અને લોકો એક બહેરાબોબડાને તેમની પાસે લાવે છે, ને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરે છે.
33 અને તેમણે લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી, ને થૂંકીને તેની જીભને અડક્યા.
34 અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો મૂકીને કહ્યું, “એફફથા, એટલે “ઊઘડી જા.”
35 અને તરત તેના કાનો ઊઘડી ગયા, ને તેની જીભનું બંધન છૂટ્યું, ને તે સાફ બોલવા લાગ્યો.
36 અને તેમણે તેઓને મનાઈ કરી, “તમારે તે કોઈને કહેવું નહિ.” પણ જેમ જેમ તેમણે વધારે મનાઈ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
37 અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેમણે બધું સારું કર્યું છે; તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×