Bible Versions
Bible Books

Matthew 12 (GUV) Gujarati Old BSI Version

1 અરસામાં ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી, ને તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
2 ત્યારે ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું, “જો વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
3 પણ તેમણે તેઓને કહ્યું, “જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
4 તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
5 અથવા શું નિયમશાસ્‍ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?
6 પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે.
7 વળી ‘યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ઠરાવત,
8 કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
9 અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
10 અને, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. અને ઈસુ પર આરોપ મૂકવા માટે તેઓએ તેમને પૂછ્યું, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
11 ત્યારે તેમણે તેઓને કહ્યું. “તમારામાં એવું કયું માણસ હશે કે, જેને એક ઘેટું હોય, ને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તે તેને પકડીને બહાર નહિ કાઢશે?
12 તો માણસ ઘેટા કરતાં કેટલું ઉત્તમ છે? માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13 ત્યાર પછી પેલા માણસને તે કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો, અને તે હાથ બીજાના જેવો સાજો થયો.
14 ત્યારે ફરોશીઓએ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી.
15 પણ ઈસુ જાણીને ત્યાંથી નીકળી ગયા, અને ઘણા લોકો તેમની પાછળ ગયા. અને બધાને સાજા કરીને
16 તેમણે તેઓને સખત આજ્ઞા આપી, ‘તમારે મને પ્રગટ નહિ કરવો.”
17 માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,
18 “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેના પર મારો જીવ પ્રસન્‍ન છે. તે પર હું મારો આત્મા મૂકીશ. અને તે અન્ય દેશનાઓને ન્યાયીકરણ પ્રગટ કરશે.
19 તે ઝઘડો નહિ કરશે, ને બૂમ નહિ પાડશે, અને તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.
20 જ્યાં સુધી ન્યાયીકરણને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નાખશે નહિ, ને ધૂંઆતું શણ ૫ણ તે નહિ હોલવશે.
21 અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે.”
22 તે વખતે દુષ્ટાત્મા વળગેલા કોઈ આંધળા, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેને સાજો કર્યો, એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો.
23 અને સર્વ લોકોએ અચરત થઈને કહ્યું, શું દાઉદનો દીકરો નથી?”
24 પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું, “દુષ્‍ટાત્માઓના સરદાર બાલઝબૂલ ની મદદ વગર તે દુષ્ટાત્માઓને કાઢતો નથી.”
25 ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું, “પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે ટકી નહિ રહેશે.
26 અને જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો. તો પછી તેનું રાજ્ય શી રીતે ટકી રહે?
27 અને જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા દીકરા કોના વડે કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
29 વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલવહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટી શકાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
30 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.
31 માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરવામાં આવશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરવામાં આવે.
32 અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.
33 ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ નઠારું ને તેનું ફળ પણ નઠારું કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
34 સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.
35 સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે.
36 વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
37 કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે, અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે.
38 ત્યારે કેટલાક શાસ્‍ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપ્યો, “ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે.”
39 પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહિ.
40 કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.
41 ન્યાયકાળે નિનવેનાં માણસ પેઢી સાથે ઊઠીને ઊભાં રહેશે, ને તેને અ૫રાધી ઠરાવશે, કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
42 દક્ષિણની રાણી પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.
43 માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.
44 ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ, અને જ્યારે તે આવે છે ત્યારે તે ઘરને ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.
45 પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્‍થા પહેલીના કરતાં ભૂંડી થાય છે. તેમ દુષ્ટ પેઢીને પણ થશે.’
46 લોકોને તે હજુ વાત સંભળાવતા હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ આવીને બહાર ઊભાં હતાં, ને તેમની સાથે વાત કરવા ઇચ્છતાં હતાં.
47 ત્યારે કોઈએ તેમને કહ્યું, “જુઓ તમારાં મા, ને તમારા ભાઈઓ બહાર ઊભાં છે, ને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે.”
48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર આપ્યો, “મારાં મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?”
49 અને તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, “જુઓ મારાં મા, ને મારા ભાઈઓ!
50 કેમ કે મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે મારો ભાઈ તથા બહેન તથા મા છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×