Bible Versions
Bible Books

Matthew 3 (GUV) Gujarati Old BSI Version

1 અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરવા લાગ્યો. તે એમ કહેતો,
2 “પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
3 કારણ, જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, ‘રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે છે.”
4 અને તે યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.
5 ત્યારે યરુશાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે આવ્યા.
6 અને પોતાનાં પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
7 પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?
8 તો પસ્તાવો કરનારાને શોભે એવાં ફળ આપો.
9 અને તમારા મનમાં એમ વિચારો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાન ઉત્પન્‍ન કરી શકે છે.
10 અને હમણાં વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.
11 પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.
12 તેમનું સૂપડું તેમના હાથમાં છે, ને તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે, ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.
14 પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?”
15 પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.
16 અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો.
17 અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×