Bible Versions
Bible Books

Matthew 8 (GUV) Gujarati Old BSI Version

1 અને પહાડ પરથી તે ઊતર્યા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા.
2 અને જુઓ, એક કોઢિયો આવ્યો, તેણે તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને ‍શુદ્ધ કરી શકો છો.”
3 ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.
4 પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”
5 અને ઈસુ કપર-નાહૂમમાં પ્રવેશ્યા, ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી,
6 “ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, ને તેને ભારે પીડા થાય છે.”
7 ત્યારે ઈસુ તેને કહે છે, “હું આવીને તેને સાજો કરીશ.”
8 અને જમાદારે ઉત્તર વાળ્યો, “ઓ પ્રભુ, તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી; પણ તમે માત્ર શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.
9 કેમ કે હું પણ પરાધીન માણસ છું, ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે, જા, ને તે જાય છે; અને બીજાને કહું છું કે ‘આવ, ને તે આવે છે. અને મારા દાસને કહું છું કે, ‘એ, કર, ને તે તે કરે છે.”
10 ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયા, ને પાછળ આવનારાઓને તેમણે કહ્યું, હું તમને ખચીત કહું છું કે, આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
11 અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે.
12 પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”
13 અને ઈસુએ તે જમાદારને કહ્યું, “જા, જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું તને થાઓ.” અને તે ઘડીએ તેનો ચાકર સાજો થયો.
14 અને ઈસુએ પિતરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ.
15 અને તે તેના હાથને અડક્યા, એટલે તેનો તાવ જતો રહ્યો, ને તેણે ઊઠીને તેમની સેવા કરી.
16 અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા, ને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને બધાં માંદાંઓને સાજાં કર્યાં.
17 માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, ‘તેણે પોતે આપણી માંદગીઓ લીધી, ને આ૫ણા રોગ ભોગવ્યા.’
18 અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થયેલો જોયો, ત્યારે સામે પાર જવાની તેમણે આજ્ઞા કરી.
19 અને એક શાસ્‍ત્રીએ પાસે આવીને તેમને કહ્યું, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”
20 ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.”
21 અને તેમના શિષ્યોમાંથી બીજાએ કહ્યું, ‘પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દાટી આવું.”
22 પણ ઈસુએ તેને કહ્યું, “તું મારી પાછળ આવ, ને મૂએલાઓને પોતાના મૂએલાઓને દાટવા દે.”
23 અને હોડી પર તે ચઢયા ત્યારે તેમના શિષ્યો તેમની સાથે ગયા.
24 અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ! પણ તે પોતે ઊંઘતા હતા.
25 ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ.”
26 અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.
27 ત્યારે તે માણસોએ અચરત થઈને કહ્યું, “એ શી જાતનો માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે!”
28 અને સામે પાર ગાડરેનેસના દેશમાં તે પહોંચ્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું હતું.
29 અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું, “ઓ ઈશ્વરપુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે શું?”
30 હવે તેઓથી બહુ આઘું ઘણાં ભૂંડોનું એક મોટું ટોળું‍ ચરતું હતું.
31 અને અશુદ્ધ આત્માઓએ તેમને વિનંતી કરી, “જો તું અમને કાઢે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ.”
32 અને ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” પછી તેઓ નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; અને જુઓ, આખું ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડયું, ને પાણીમાં ડૂબી મર્યું.
33 ત્યારે ચરાવનારા નાઠા, ને નગરમાં જઈને તેઓએ બધું કહી જણાવ્યું, અને અશુદ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.
34 ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. અને તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી, “અમારી સીમોમાંથી જા.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×