Bible Versions
Bible Books

Numbers 11 (GUV) Gujarati Old BSI Version

1 અને લોકો યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારાના જેવા થયા. અને યહોવાએ તે સાંભળ્યું ત્યારે તેમનો કોપ સળગી ઊઠયો; અને યહોવાનો અગ્નિ તેઓ મધ્યે પ્રગટયો; અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધી બાળીને ભસ્મ કર્યું.
2 અને લોકોએ મૂસાની પ્રત્યે પોકાર કર્યો, અને જ્યારે મૂસાએ યહોવાની પ્રાર્થના કરી ત્યારે અગ્નિ હોલવાઈ ગયો.
3 અને તે જગાનું નામ તાબેરા પાડવામાં આવ્યું કેમ કે તેઓ મધ્યે યહોવાનો અગ્નિ પ્રગટ્યો હતો.
4 અને તેઓની સાથેનો મિશ્ચિત લોકનો જથો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું, “અમને ખાવાને માંસ કોણ આપશે?
5 જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે. વળી કાકડી તથા તડબૂચ તથા ડુંગળી તથા લસણ પણ.
6 પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ નથી. માન્‍ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.
7 માન્‍ના તો કોથમીરના દાણા જેવું હતું અને તેનો રંગ ગૂગળના રંગ જેવો હતો.
8 લોકો અહીંતહીં ફરીને તેને એકઠું કરતા, ને તેને ઘંટીઓમાં દળીને અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પોળીઓ બનાવતા. અને તેનો સ્વાદ તાજા તેલના સ્વાદ જેવો હતો.
9 અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું, ત્યારે તેની સાથે માન્‍ના પડતું.
10 અને મૂસાએ લોકોને પોતપોતાનાં કુટુંબોમાં, એટલે પ્રત્યેક માણસને પોતાના તંબુના બારણામાં, રડતા સાંભળ્યાં. અને યહોવાનો કોપ બહુ સળગી ઊઠયો. અને મૂસાને પણ ખોટું લાગ્યું.
11 અને મૂસાએ યહોવાને કહ્યું, “તમે તમારા સેવકને કેમ દુ:ખ દીધું છે? અને હું તમારી દષ્ટિમાં કેમ કૃપા પામ્યો કે, તમે સર્વ લોકોનો ભાર મારા પર નાખો છો?
12 શું સર્વ લોકો મારા પેટમાં નીપજ્યા છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે, તમે મને કહો છો કે જેમ પાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે, તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, તેમાં તેઓને ઊંચકીને લઈ જા?
13 સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું? કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે, ‘અમને માંસ આપ કે અમે ખાઈએ.’
14 હું એકલો સર્વ લોકોને ઊંચકી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા ઉપરાંત છે.
15 અને જો તમે મારી સાથે પ્રમાણે વર્તો, ત્યારે તો, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારી નાખો કે, મને મારું દુ:ખ જોવું પડે.”
16 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર માણસ કે જેઓને તું લોકોના વડીલો તથા તેઓના ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર, અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ કે, તેઓ ત્યાં તારી સાથે ઊભા રહે.
17 અને હું ઊતરી આવીશ, ને ત્યાં તારી સાથે વાત કરીશ. અને મારો જે આત્મા તારા પર છે, તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે, તારે એકલાને તે ઊંચકવો પડે.
18 અને તું લોકોને કહે કે, તમે કાલને માટે પોતાને શુદ્ધ કરો, ને તમે માંસ ખાશો, કેમ કે તમે યહોવાના કાનોમાં રડીને કહ્યું, ‘અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે મિસરમાં અમારે માટે ઠીક હતું.’ માટે યહોવઅ તમને માંસ આપશે, ને તમે ખાશો.
19 એક દિવસ, કે બે દિવસ કે પાંચ દિવસ, કે દશ દિવસ, કે વીસ દિવસ સુધી તો નહિ,
20 પણ એક આખા માસ સુધી તમે તે ખાશો, એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી પાછું નીકળશે, ને તમે તેથી કંટાળી જશો, કેમ કે યહોવા જે તમારી મધ્યે છે તેનો તમે નકાર કર્યો છે, ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે, અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા?”
21 અને મૂસાએ કહ્યું, “જે લોક મધ્યે હું છું તેઓ લાખ પાયદળ છે. અને તમે કહ્યું છે કે, ‘હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા માસ સુધી તે ખાશે.’
22 શું તેઓને બસ થાય તે માટે ઘેટાંબકરાં તથા ઢોરઢાંકનાં ટોળાં કાપવામાં આવશે? કે તેઓને બસ થાય તે માટે સમુદ્રનાં બધાં માછલાં એકત્ર કરવામાં આવશે?”
23 અને યહોવાએ મૂસાને કહ્યું, “શું યહોવાનો હાથ ટૂંકો પડયો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ તું હવે જોઈશ.”
24 અને મૂસાએ નીકળી જઈને યહોવાનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા, ને મંડપની આસપાસ તેઓને ઊભા કર્યા.
25 અને યહોવા મેઘમાં ઊતર્યા, ને તેની સાથે બોલ્યા, ને જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને સિત્તેર વડીલો ઉપર મૂક્યો. અને એમ થયું કે, આત્મા તેઓના ઉપર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યું નહિ.
26 પણ છાવણીમાં બે પુરુષ રહી ગયા હતા, એકનું નામ એલ્દાદ, ને બીજાનું નામ મેદાદ હતું. અને તેઓના ઉપર આત્મા રહ્યો. અને તેઓ નોંધાયેલામાંના હતા, પણ બહાર નીકળીને મંડપની પાસે ગયા હતા. અને છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા.
27 અને એક જુવાને દોડીને મૂસાને ખબર આપતાં કહ્યું, “એલ્દાદ તથા મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.”
28 અને મૂસાના સેવકે, તેના માનીતાઓમાંના એકે એટલે નૂનના દિકરા યહોશુઆએ ઉત્તર આપીને કહ્યું, “મારા ધણી, મૂસા, તેઓને મના કર.”
29 અને મૂસાએ તેને કહ્યું, “શું મારી ખાતે તને તેમના ઉપર અદેખાઈ આવે છે? પરમેશ્વર કરો કે યહોવાના સર્વ લોક પ્રબોધક થાય, કે યહોવા તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે!”
30 અને મૂસા તથા ઇઝરાયલના વડીલો છાવણીમાં ગયા.
31 અને યહોવાની પાસેથી પવન નીકળ્યો, ને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો, ને છાવણીની પાસે બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી, ને જમીનથી આસરે બે હાથ ઊંચે તેઓ ઊડતી હતી.
32 અને લોકો તે આખો દિવસ ને આખી રાત ને બીજો આખો દિવસ ઊભા રહ્યા, ને લાવરીઓને એકઠી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દશ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ પોતાને માટે છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી.
33 તે માંસ હજી તો તેઓના મોંમા હતું, ને તે ચવાયું પણ હતું, એટલામાં તે લોકો પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને લોકોને યહોવાએ મોટી મરકીથી માર્યા.
34 અને તે જગાનું નામ કિબ્રોથ-હાત્તાવા’ પાડયું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દાટયા.
35 અને લોકો કિબ્રોથ-હાત્તાવાથી નીકળીને હસેરોથ ગયા. અને તેઓ હસેરોથમાં રહ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×