Bible Versions
Bible Books

Philippians 2 (GUV) Gujarati Old BSI Version

1 માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હ્રદયની કરુણા તથા દયા હોય,
2 તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ.
3 પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
4 તમે દરેક પોતાના હિત પર નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.
5 ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:
6 પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ.
7 પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા.
8 અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
9 એને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા, અને સર્વ નામો કરતાં તેમણે તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
10 આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ નીચેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે.
11 અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
12 તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.
13 કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.
14 બડબડાટ તથા તકરાર વગર બધું કરો.
15 કે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જયોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં પ્રકાશો.
16 જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડયો નથી અને મેં વૃથા‍‍ શ્રમ કર્યો નથી.
17 પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.
18 એમ તમે પણ આનંદ પામો, અને મારી સાથે હરખાઓ.
19 પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ આનંદિત થાઉં.
20 કેમ કે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી.
21 કેમ કે બધા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની વાત શોધે છે.
22 પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
23 માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ.
24 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
25 તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ તમારો મોકલેલો તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર, તેને તમારી પાસે મોકલવાને મને અગત્ય જણાઈ,
26 કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.
27 કેમ કે તે મરણતોલ માંદો હતો ખરો, પણ ઈશ્વરે તેના પર દયા કરી, માત્ર તેના પર નહિ, પણ મારા પર પણ કે, મને શોક પર શોક થાય.
28 તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ, અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો.
29 માટે તમે પૂર્ણ આનંદસહિત પ્રભુમાં તેનો આદરસત્કાર કરો, અને એવાઓને માનયોગ્ય ગણો.
30 કેમ કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો, અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×